Saturday, May 17, 2025
Google search engine
HomeNewsGujaratચૈત્ર મહિનો આવતા જ ગુણકારી લીમડાનો મોર માર્કેટમાં

ચૈત્ર મહિનો આવતા જ ગુણકારી લીમડાનો મોર માર્કેટમાં

અમદાવાદ: ચૈત્ર મહિનો આવતાની સાથે જ શહેરના માર્ગો પર લીમડાનો મોર એટલે કે એની ફૂલ મંજરીનું ઠેર-ઠેર વેચાણ થતું જોવા મળે છે. જે વિસ્તારમાં માર્ગ પર, બગીચામાં લીમડાના વૃક્ષ હોય ત્યાંથી આરોગ્ય માટે સભાન લોકો મોર અને પાન તોડી ઔષધીય ઉપયોગ કરી લે છે. જ્યારે એકદમ રેડીમેડ વસ્તુઓના જ ઈચ્છુક લોકોને રોડ પર જ લીમડાનો મોર અને રસ મળી જાય છે.આયુર્વેદમાં લીમડાને ઔષધીય ગુણોથી ભરપૂર માનવામાં આવે છે. લીમડાના મોરને પાણી સાથે પીવાથી અનેક પ્રકારના રોગોમાંથી મુક્તિ મળે છે. ઉત્સવો, તહેવારોમાં માર્ગો પર ચીજવસ્તુઓ વેચતા લોકો હવે દરેક ઋતુને માફક આવતી વસ્તુઓનું વેચાણ કરવા માંડ્યા છે. કુદરતી રીતે આંબળા, લીમડા, કુંવારપાઠુ જેવી અનેક ઔષધિ સ્વરૂપે આપણી આસપાસ ઉગતી વસ્તુઓ પહેલાં લોકો જાતે એકઠી કરી ઉપયોગમાં લેતા હતા. હવે આયુર્વેદિક સ્ટોર, આયુર્વેદાચાર્યો અને જાણકારી ધરાવતા લોકો જુદા જુદા સ્વરૂપે ‘પેકિંગ’ કરીને વેચી રહ્યા છે.મોસમ પ્રમાણે વેપાર કરતાં લોકો પણ માર્કેટમાં અને લોકોની જરૂરિયાતોને બરાબર જાણી ગયા છે. શહેર, ગામડાની આસપાસમાં થતાં લીમડાના પાન, ડાળીઓ અને ફૂલ-માંજરો-મોર તોડી મુખ્ય માર્ગો બજારમાં વેપાર કરી પેટિયું રળી રહ્યા છે.આયુર્વેદના ડોક્ટર હેલી ભટ્ટ ચિત્રલેખા.કોમને કહે છે આપણી આસપાસના ઘણાં વૃક્ષ, છોડ, વેલાનો ઉપયોગ  માનવ શરીર માટે ગુણકારી છે. એમાંય લીમડાના પાન, છાલ અને ફૂલ માંજરો શરીરમાં થતી જુદી-જુદી વ્યાધિઓને દૂર કરવામાં મદદરૂપ થાય છે. વાત, પિત્ત અને કફ પ્રકૃતિને નિયંત્રિત રાખવા નિષ્ણાત તબીબની સલાહ સાથે જ શરીરની અંદર કે બહાર ઔષધના ઉપયોગો હિતાવહ છે. જ્યારે લીમડાના પાન મોરનો ઉપયોગ વહેલી સવારે રસ તરીકે લેવાથી ભવિષ્યમાં તાવથી માંડી અસાધ્ય રોગથી શરીરને દુર રાખી શકાય છે. પણ આ સાથે ખોરાક અને દિનચર્યામાં પણ એટલી જ  કાળજી રાખવી પડે.શરીરના અંદરના રોગો, બાહ્ય ચામડીના રોગોમાં અસરકારક એવો લીમડો, જ્યારે બાળવામાં આવે છે ત્યારે આસપાસના મચ્છર જેવા અનેક જંતુઓનો નાશક તરીકે કામ કરે છે.

પ્રજ્ઞેશ વ્યાસ (અમદાવાદ)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular