Saturday, May 17, 2025
Google search engine
HomeNewsNationalભારતની જનતાને સંપૂર્ણપણે સુરક્ષિત કરું પછી અમેરિકાને કોરોનાની દવા સપ્લાય કરીશઃ મોદી...

ભારતની જનતાને સંપૂર્ણપણે સુરક્ષિત કરું પછી અમેરિકાને કોરોનાની દવા સપ્લાય કરીશઃ મોદી (ટ્રમ્પને)

નવી દિલ્હીઃ ભારતે અમેરિકાને જણાવ્યું છે કે પોતે એક જવાબદાર દેશ છે અને અમેરિકામાં કોરોના વાઈરસ જાગતિક રોગચાળા સામે લડી રહેલા આરોગ્ય ક્ષેત્રના સેવાકર્મીઓને હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવા પોતે જરૂર સપ્લાય કરશે, પરંતુ સૌથી પહેલાં આ રોગચાળા સામે ભારતની 1.3 અબજની જનતાને સુરક્ષિત કરી લેવાય એ પછી જ.

વડા પ્રધાન મોદીએ શનિવારે સાંજે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટેલિફોન પર કોરોના વાઈરસ અને ભારતમાંની સ્થિતિ અંગે વિસ્તૃતપણે ચર્ચા કરી હતી. એ વખતે ટ્રમ્પે મોદીને વિનંતી કરી હતી કે તેઓ હાઈડ્રોક્સીક્લોરોક્વીન અમેરિકાને સપ્લાય કરે. ત્યારે મોદીએ જવાબમાં ટ્રમ્પને કહ્યું હતું કે અમે અમારાથી શક્ય બધું જ કરીશું. સૌથી પહેલાં અમે ભારતની જનતાને સુરક્ષિત કરીશું.

ટેલિફોન પરની વાતચીતમાં મોદી અને ટ્રમ્પે જાગતિક મહાબીમારીનો સામનો કરવામાં દ્વિપક્ષી સહકાર વિશે પણ વાતચીત કરી હતી. ટ્રમ્પે ગયા ફેબ્રુઆરીમાં એમની ભારત મુલાકાતને પણ યાદ કરી હતી.

સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ, કોરોના વાઈરસના ચેપના ઉપચારમાં હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવા સૌથી વધારે અસરકારક ગણાય છે. અત્યંત ખરાબ પરિસ્થિતિ ઊભી થાય તો પહેલા ભારતની જનતાને તેનાથી સારવાર આપી શકાય એ માટે ભારતે આ દવાનો સ્ટોક ભેગો કરી રાખ્યો છે. જરૂર જણાશે તો સરકાર આ દવાની નિકાસ પરનો અંકુશ ઓર્ડર ઉઠાવી લેશે.

અન્ય દેશો પણ આવું જ કરી રહ્યા છે. ભારત હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવાના સૌથી મોટા ઉત્પાદકોમાંનો એક ગણાય છે. આ જ દવાનો ઉપયોગ મેલેરિયા અને લુપસ બીમારીઓની સારવાર માટે પણ કરવામાં આવે છે.

આ દવાની સપ્લાય અમેરિકાની કંપનીઓને કરવા માટેના કોન્ટ્રાક્ટનું ભારત સરકાર બરાબર પાલન કરી રહી છે. સાથોસાથ, ભારત કોરોના વાઈરસની રસીની અજમાયશો પણ કરી રહ્યો છે. એ માટે અત્યંત પ્રોફેશનલ ડોક્ટરો, અદ્યતન લેબોરેટરીઓ સંકળાયેલા છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકામાં કોરોના વાઈરસના ચેપને કારણે અત્યાર સુધીમાં 2 લાખ 78 હજારથી વધારે કેસો નોંધાયા છે અને 7,100થી વધારે લોકોનાં મરણ થયા છે. ભારતમાં કોરોનાનાં 3000થી વધારે કેસો નોંધાયા છે અને 70થી વધારે લોકોનાં મરણ થયા છે.

છેલ્લા બે અઠવાડિયાથી વડા પ્રધાન મોદી કોરોના વાઈરસ સામે લડવા માટે દુનિયાના તમામ મોટા દેશોના નેતાઓ સાથે ફોન પર વાતચીત તેમજ વિડિયો કોન્ફરન્સ કરી રહ્યા છે. ભારતમાં લોકડાઉન ઘોષિત કરાયું ત્યાર પછી એમણે જી-20 સમૂહના દેશો, ‘સાર્ક’ સમૂહના દેશો તથા ઈઝરાયલ, સ્પેન અને બ્રાઝિલના વડાઓ સાથે પણ વાતચીત કરી છે.

વિદેશ પ્રધાન એસ. જયશંકરે પણ અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પીઓ સાથે કોરોના વાઈરસ સામેની લડાઈ અંગે ચર્ચા કરી હતી. એવી જ રીતે, વિદેશ સચિવ હર્ષ શ્રિંગલા પણ અમેરિકા, જાપાન, સાઉથ કોરિયા, વિયેતનામ, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના વિદેશ સચિવ સાથે સતત સંપર્કમાં રહે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular