Monday, July 21, 2025
Google search engine
HomeNewsNationalજેલમાં શાંતિથી ઊંઘતા હત્યારા આફતાબનો વીડિયો વાઈરલ

જેલમાં શાંતિથી ઊંઘતા હત્યારા આફતાબનો વીડિયો વાઈરલ

નવી દિલ્હીઃ પોતાની લિવ-ઈન પાર્ટનર છોકરી શ્રદ્ધા વિકાસ વાલકર (28)ની અતિ ક્રૂર રીતે હત્યા કરીને એનાં મૃતદેહના 35 ટૂકડા કરીને તેનો નજીકના વિસ્તારોમાં નિકાલ કરનાર મુંબઈના 28 વર્ષીય આરોપી આફતાબ અમીન પૂનાવાલાને દિલ્હીની અદાલતે પાંચ દિવસ માટે દિલ્હી પોલીસની કસ્ટડીમાં મોકલી આપ્યો છે.

હવે એ આફતાબને જેલમાં શાંતિથી ઊંઘતો બતાવતો એક વીડિયો ઈન્ટરનેટ પર વાઈરલ થયો છે. એ જોઈને નેટયૂઝર્સ ખૂબ ભડકી ગયા છે. અહેવાલો અનુસાર, આફતાબે પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે શ્રદ્ધાની હત્યા કર્યાનો એને કોઈ અફસોસ થતો નથી. આ કેસ છ મહિના જૂનો છે અને દિલ્હીના મેહરોલી વિસ્તારના પોલીસ સ્ટેશનના અધિકારીઓએ તેને ઉકેલ્યો છે.

મુંબઈની નજીકના પાલઘર જિલ્લાના વસઈ શહેરની રહેવાસી શ્રદ્ધા જ્યારે મુંબઈમાં એક કોલ સેન્ટરમાં નોકરી કરતી હતી ત્યારે એ અને આફતાબ એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. એમનાં પ્રેમ સામે બંનેનાં પરિવારોએ વાંધો ઉઠાવ્યો હતો. પરિણામે આફતાબ અને શ્રદ્ધાએ અલગ રહેવાનું શરૂ કર્યું હતું. તેઓ અનેક શહેરોમાં ફરતાં રહ્યાં હતાં. છેલ્લે તેઓ દિલ્હીમાં છતરપુર વિસ્તારમાં એક ભાડાના ઘરમાં રહેતાં હતાં. બાદમાં જ્યારે શ્રદ્ધાએ પોતાની સાથે લગ્ન કરવાનું દબાણ શરૂ કરતાં આફતાબ ભડક્યો હતો અને ગઈ 18 મેએ ગળું દબાવીને તેને મારી નાખી હતી. એનાં મૃતદેહને કાપીને એના 35 ટૂકડા કર્યા હતા. એ ટૂકડા એણે 300 લીટરના ફ્રિઝમાં મૂકી રાખ્યા હતા અને વારાફરતી નજીકના જંગલ વિસ્તારમાં જઈને ફેંકતો રહ્યો હતો. પોલીસના ટેક્નિકલ નિરીક્ષણમાં આફતાબની હરકત ઝડપાઈ ગઈ હતી. પોલીસે આફતાબના ફોન તથા અન્ય ડિવાઈસ ઉપર ગુપ્ત રીતે દેખરેખ રાખી હતી અને આખરે એને ઝપટમાં લીધો હતો. પોલીસ શ્રદ્ધાનાં મૃતદેહનાં 10-12 ટૂકડા મેળવવામાં સફળ થઈ છે અને એને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular