Friday, August 8, 2025
Google search engine
HomeNewsNationalદેશનાં છ-સ્થળોનો યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજની યાદીમાં સમાવેશ

દેશનાં છ-સ્થળોનો યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજની યાદીમાં સમાવેશ

નવી દિલ્હીઃ યુનેસ્કોની વિશ્વની હેરિટેજની યાદીમાં ભારતનાં છ સ્થળો સામેલ કરવામાં આવ્યાં છે. કેન્દ્રીય સંસ્કૃતિપ્રધાન પ્રહલાદ સિંહ પટેલે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા વિશ્વ ધરોહર સ્થળોની સંભવિત યાદીમાં સામેલ કરવા માટે દેશનાં નવ સ્થળોનાં નામ મોકલવામાં આવ્યાં હતાં, જેમાં છ સ્થળોને સ્વીકૃતિ મળી છે.

યુનેસ્કોની વિશ્વની ધરોહર સ્થળોની સંભવિત યાદીમાં ભારતથી વારાણસીના ગંગા ઘાટ, તામિલનાડુનું કાંચીપુરમ મંદિર, મધ્ય પ્રદેશનું સતપુડા ટાઇગર રિઝર્વ, મધ્ય પ્રદેશના જબલપુરનું ભેડાઘાટ, મહારાષ્ટ્રના મરાઠા મિલિટરી આર્કિટેક્ચર અને કર્ણાટકના હીરા બેનાકલને જગ્યા મળી છે. આ છ સ્થળોની સંભવિત યાદીમાં સામેલ થયા પછી ભારતના યુનેસ્કો વિશ્વ ધરોહર યાદી માટે આપવામાં આવેલાં નામોની કુલ સંખ્યા 48ની થઈ ગઈ છે. 2019ની ગાઇડલાઇન્સ અનુસાર કોઈ પણ સ્થળને યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં સામેલ કરવા માટે એને સંભવિત સ્થળોની યાદીમાં સામેલ કરવામાં આવે છે. આ ગાઇડલાઇન પછી યુનેસ્કોની વિશ્વનાં ધરોહર સ્થળોની સંભવિત યાદીમાં હવે ભારતનાં 48 સ્થળો સામેલ છે.

વર્ષ 2020માં મધ્ય પ્રદેશના ગ્વાલિયર અને ઓરછા શહેરોને યુનેસ્કોનાં વિશ્વ ધરોહર શહેરોની યાદીમાં સામેલ કરવામાં આવ્યાં હતાં.ઓરછા એક એવું સ્થાન છે, જ્યાં ભગવાન રામની પૂછા રાજા રામના રૂપમાં થાય છે. આ સિવાય ગુજરાતના અમદાવાદને યુનેસ્કોએ વિશ્વ હેરિટેજ સિટી જાહેર કર્યું છે. અમદાવાદ ભારતનું પહેલું એવું શહેર હતું, જેને વિશ્વ હેરિટેજ શહેર જાહેર કરવામાં આવ્યું હતું.

હાલમાં ભારતમાં 38 વિશ્વ ધરોહર સ્થળ મોજૂદ છે. એને બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે. એક સાંસ્કૃતિક અને બીજા પ્રાકૃતિક. વિશ્વભરમાં યુનેસ્કોની વિશ્વ હેરિટેજ સ્થળોની યાદીમાં ભારત છઠ્ઠા સ્થાને આવે છે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular