Sunday, May 18, 2025
Google search engine
HomeNewsNationalસ્પાઈસજેટના પ્રવાસીઓને ટાર્મેક પર ચાલવું પડ્યું

સ્પાઈસજેટના પ્રવાસીઓને ટાર્મેક પર ચાલવું પડ્યું

નવી દિલ્હીઃ ગઈ કાલે રાતે હૈદરાબાદથી ફ્લાઈટ અહીંના એરપોર્ટ પર આવી પહોંચ્યા બાદ સ્પાઈસજેટના પ્રવાસીઓને ટાર્મેક પર ચાલવાની ફરજ પડી હતી. આનું કારણ કે એ હતું કે એરલાઈને એમને માટે વિમાનથી ટર્મિનલ બિલ્ડિંગ સુધી બસ પૂરી પાડી નહોતી. વિમાનમાં લગભગ પોણો કલાક સુધી બેઠાં રહ્યાં બાદ પ્રવાસીઓએ ચાલીને ટર્મિનલ ખાતે જવાનું નક્કી કર્યું હતું.

(ફાઈલ તસવીર)

એવિએશન રેગ્યૂલેટર ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) દ્વારા આ બનાવમાં તપાસ હાથ ધરી છે. સ્પાઈસજેટે જોકે એમ કહ્યું છે કે, ‘કોચ (બસ) વિમાન સુધી આવવામાં થોડુંક જ મોડું થયું હતું, પરંતુ બસો આવી પહોંચે ત્યાં સુધીમાં બધા પ્રવાસીઓએ ટાર્મેક પર ચાલવાનું શરૂ કરી દીધું હતું. અમારા સ્ટાફે વારંવાર વિનંતી કરી હતી તે છતાં કેટલાક પ્રવાસીઓએ ટર્મિનલ તરફ ચાલવાનું શરૂ કરી દીધું હતું. તેઓ થોડાક મીટર જેટલું જ ચાલ્યા હશે ત્યાં જ બસો આવી પહોંચી હતી અને તમામ પ્રવાસીઓને એમાં બેસાડીને ટર્મિનલ બિલ્ડિંગ લઈ જવામાં આવ્યા હતા.’

સુરક્ષા માટે જોખમકારક હોવાથી પ્રવાસીઓને ટાર્મેક પર ચાલવાની પરવાનગી હોતી નથી. તેથી એરલાઈન એમને વિમાનમાંથી ઉતર્યા બાદ નક્કી કરાયેલા માર્ગ પર ટર્મિનલ સુધી બસમાં લઈ જાય છે.

ઉલ્લેખનીય છે કે સ્પાઈસજેટને હાલ 50 ફ્લાઈટ્સ સાથે સેવા બજાવવી પડે છે. 19 જૂન અને પાંચ જુલાઈ વચ્ચેના સમયગાળામાં તેના વિમાનોમાં ટેકનિકલ ખામી ઊભી થયાની આઠ ઘટના બન્યા બાદ ડીજીસીએ દ્વારા એની પર આઠ અઠવાડિયા સુધી 50 ટકા ફ્લાઈટ્સનો જ ઉપયોગ કરવાનું નિયંત્રણ લાદ્યુુું છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular