Sunday, May 18, 2025
Google search engine
HomeNewsNationalહિમાચલના છ બળવાખોર વિધાનસભ્યો ભાજપમાં સામેલ

હિમાચલના છ બળવાખોર વિધાનસભ્યો ભાજપમાં સામેલ

સિમલાઃ હિમાચલ કોંગ્રેસના છ બળવાખોર વિધાનસભ્યો ભાજપમાં સામેલ થયા છે. માહિતી અને પ્રસારણપ્રધાન અનુરાગ ઠાકુરે પાર્ટીની ઓફિસમાં આ છ બળવાખોર વિધાનસભ્યોને દિલ્હીમાં પાર્ટીમાં સામેલ કર્યા હતા. આ બળવાખોર વિધાનસભ્યોએ હિમાચલમાં રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યું હતું, જે પછી આ વિધાનસભ્યોને સ્પીકરે સસ્પેન્ડ કર્યા હતા.

હવે કોંગ્રેસના ધર્મશાલાથી સુધીર શર્મા, સુજાનપુરથી રાજિન્દર રાણા, લોહોલ સ્પિતીથી રવિ ઠાકુર, બડસરથી ઇન્દ્રદત્ત લખનપાલ, ગગરેટથી ચૈતન્ય શર્મા અને કુટલહેડથી દેવેન્દ્ર કુમાર ભુટ્ટો હવે ભાજપમાં સામેલ થયા છે. હિમાચલના બળવાખોર વિધાનસભ્ય સુધીર શર્માએ કહ્યું હતું કે અમે હર્ષ મહાજનને એટલા માટે મત આપ્યો હતો, કેમ કે તેઓ અમારા જિલ્લાના છે.

હિમાચલ પ્રદેશ વિધાનસભાના અધ્યક્ષ કુલદીપ સિંહ પઠાનિયાએ રાજ્યસભાની ચૂંટણીમાં બળવો કરનાર છ બળવાખોર ધારાસભ્યોને અયોગ્ય ઠેરવ્યા હતા. તેમણે કહ્યું હતું કે પક્ષપલટાવિરોધી કાયદા હેઠળ છ ધારાસભ્યો વિરુદ્ધ ફરિયાદ ધારાસભ્ય અને મંત્રી હર્ષવર્ધન દ્વારા અમારા સચિવાલયને મળી હતી, ત્યાર બાદ તેમણે બંને પક્ષોને સાંભળ્યા અને પોતાનો નિર્ણય આપ્યો હતો. સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્યોએ વ્હીપનું ઉલ્લંઘન કર્યું હતું.

હિમાચલ પ્રદેશ વિધાનસભામાં કોંગ્રેસના 40 ધારાસભ્યો હતા. 68 સભ્યોની વિધાનસભામાં બહુમતી માટે જરૂરી આંકડો 35 હતો. છ ધારાસભ્યોના બળવા પછી કોંગ્રેસ નંબર ગેમમાં 40થી ઘટીને 34 પર આવી ગઈ છે, જે બહુમતી માટે જરૂરી આંકડા કરતાં એક ઓછી છે. પરંતુ બળવાખોર ધારાસભ્યોને સભ્યપદેથી અયોગ્ય ઠેરવ્યા બાદ હવે વિધાનસભાની સંખ્યા 62 થઈ ગઈ છે. આવી સ્થિતિમાં બહુમત માટે જરૂરી આંકડો હવે 32 થઈ ગયો છે. તેથી હાલમાં વિધાનસભામાં માત્ર કોંગ્રેસ જ આગળ છે.

 

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular