Thursday, May 15, 2025
Google search engine
HomeNewsNationalસરદાર પટેલને કોંગ્રેસી સરકારોએ વારંવાર નજરઅંદાજ કર્યાઃ શાહ

સરદાર પટેલને કોંગ્રેસી સરકારોએ વારંવાર નજરઅંદાજ કર્યાઃ શાહ

નવી દિલ્હી: રાષ્ટ્રીય એકતા દિવસના અવસરે ગૃહપ્રધાન અમિત શાહે દિલ્હીમાં આયોજિત એકતા દોડ કાર્યક્રમમાં સ્પર્ધકોને સંબોધિત કરતાં એકતાના મહત્ત્વ અને સરદાર વલ્લભભાઈ પટેલની વિરાસતને યાદ કરતાં કહ્યું હતું કે તેમને ભુલાડવાના પ્રયાસ સુધ્ધાં કરવામાં આવ્યા હતા. સરદાર પટેલને કોંગ્રેસી સરકારોએ ભૂતકાળમાં વારંવાર નજરઅંદાજ કર્યા હતા, એમ તેમણે કહ્યું હતું.

સરદાર પટેલની જન્મજયંતી પહેલાં દિલ્હીમાં ‘રન ફોર યુનિટી’ને લીલી ઝંડી આપતાં તેમણે કહ્યું હતું કે દેશના પ્રથમ ગૃહપ્રધાનની દૂરંદેશી અને કુનેહને કારણે જ 550 થી વધુ રજવાડાંઓ ભારત સંઘમાં ભળી ગયાં. તેમના પ્રયાસોને કારણે જ દેશ એક થયો છે. સરદાર પટેલને કારણે જ લક્ષદ્વીપ ટાપુઓ, જૂનાગઢ, હૈદરાબાદ અને અન્ય તમામ રજવાડાંઓ ભારતમાં ભળી ગયાં. દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમમાં લોકોને સંબોધતાં શાહે કહ્યું હતું કે સરદાર પટેલના વારસાને ભૂંસી નાખવાનો અને નબળો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

તેઓ લાંબા સમયથી ભારત રત્નથી પણ વંચિત હતા. જોકે PM મોદીએ ગુજરાતના કેવડિયામાં પટેલની સૌથી ઊંચી પ્રતિમા સ્થાપિત કરી હતી. સરદાર પટેલનું યોગ્ય રીતે સન્માન કરવામાં આવ્યું હતું. 1950માં તેમના મૃત્યુનાં 41 વર્ષ પછી સરદાર પટેલને 1991માં દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો. દેશની જનતા હવે એક થઈ ગઈ છે. તેમણે 2047 સુધીમાં ભારતને સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવાના વડા પ્રધાનના સ્વપ્નને સાકાર કરવા માટે પોતાને સમર્પિત કર્યા છે. વર્ષ 2047 સુધીમાં ભારત તમામ માપદંડોમાં વિશ્વનો અગ્રણી દેશ હશે. રન ફોર યુનિટી સામાન્ય રીતે પટેલની જન્મજયંતી 31 ઓક્ટોબરે યોજવામાં આવે છે. પરંતુ આ વર્ષે દિવાળી એ દિવસે જ આવતી હોવાથી તેનું આયોજન બે દિવસ વહેલું કરવામાં આવ્યું હતું.

આજે ધનતેરસ છે અને આ શુભ અવસર પર દોડનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવવા અને તેને મજબૂત કરવા માટેના સમર્પણને પ્રોત્સાહન આપવા અને મજબૂત કરવા માટે મોદી સરકાર 2014 થી 31મી ઓક્ટોબરને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે ઊજવી રહી છે., એમ તેમણે કહ્યું હતું.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular