Wednesday, May 14, 2025
Google search engine
HomeNewsNationalરેવેન્યુ સચિવ સંજય મલ્હોત્રા બનશે RBIના નવા ગવર્નર

રેવેન્યુ સચિવ સંજય મલ્હોત્રા બનશે RBIના નવા ગવર્નર

નવી દિલ્હીઃ રેવેન્યુ સેક્રેટરી સંજય મલ્હોત્રા RBIના નવા ગવર્નરપદે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ હાલના ગવર્નર શક્તિકાંત દાસની જગ્યા લેશે. સરકારે શક્તિકાંત દાસનો કાર્યકાળ નહીં વધારવાનો નિર્ણય લીધો છે. 2018માં RBIના ગવર્નર તરીકે શક્તિકાંત દાસની નિયુક્તિ થઈ હતી.

  કેબિનેટની કમિટી દ્વારા મલ્હોત્રાની RBIના ગવર્નર તરીકે નિમણૂક કરવામાં આવી છે. 11 ડિસેમ્બર, 2024થી તેઓ આગામી ત્રણ વર્ષ માટે કાર્યભાર સંભાળશે. RBIના વર્તમાન ગવર્નર શક્તિકાંત દાસનો કાર્યકાળ આવતી કાલે સમાપ્ત થઈ રહ્યો છે. કેબિનેટની કમિટીમાં સંપૂર્ણ બહુમતી સાથે સંજય મલ્હોત્રાને આ પદભાર સોંપવા નિર્ણય લેવામાં આવ્યો છે. તેમને નાણાં અને ટેક્સ ક્ષેત્રે વ્યાપક અનુભવ છે. તેઓ રાજસ્થાન કેડરના 1990ની બેચના ભારતીય વહીવટી સર્વિસના અધિકારી છે. તેઓ IIT ગ્રેજ્યુએટ છે. તેમણે IIT કાનપુરથી કોમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગની ડિગ્રી હાંસલ કરી છે અને પ્રિન્સ્ટન યુનિવર્સિટી, અમેરિકાથી પબ્લિક પોલિસીમાં માસ્ટર્સનું શિક્ષણ લીધું છે.  

RBIના નવા ગવર્નર તરીકે, મલ્હોત્રાએ ફુગાવાને નિયંત્રિત કરવા અને સ્થિર આર્થિક વૃદ્ધિ સુનિશ્ચિત કરતાં બેવડા પડકારનો સામનો કરવો પડશે. આગામી ત્રણ વર્ષીય કાર્યકાળમાં રાજકોષિય નીતિ નિર્માણ, કર વહીવટ અને નાણાકીય સેવાઓમાં તેમનો અનુભવ વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે ભારતની નાણાકીય નીતિઓને આકાર આપે તેવી અપેક્ષા છે.

નાણા મંત્રાલયમાં રેવેન્યુ સેક્રેટરી તરીકે હાલ ફરજ બજાવતા સંજય મલ્હોત્રા પાસે નાણાં, ટેક્સ, પાવર, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી અને માઈનિંગ ક્ષેત્રોમાં બહોળો 33 વર્ષનો અનુભવ છે. તેમણે ભૂતકાળમાં રાજ્ય સંચાલિત RECના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે સેવા આપી હતી. આ સિવાય રેકોર્ડ ટેક્સ કલેક્શન હાંસલ કરવામાં પણ તેમણે નોંધનીય ફાળો આપ્યો છે. બજેટ માટે ટેક્સ સંબંધિત દરખાસ્તો પર પણ તેઓ ધ્યાન આપશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular