Saturday, May 17, 2025
Google search engine
HomeNewsNationalરામાયણ યાત્રા એક્સપ્રેસમાં માત્ર શાકાહારી ભોજન અપાશે

રામાયણ યાત્રા એક્સપ્રેસમાં માત્ર શાકાહારી ભોજન અપાશે

નવી દિલ્હીઃ દેશભરના અનેક હિન્દુ ધાર્મિક સ્થળોને આવરી લેતી ભારતીય રેલવેની 17-દિવસના પ્રવાસવાળી ‘શ્રી રામાયણ યાત્રા ટ્રેન’ને વેજિટેરિયન સર્ટિફિકેશન મળી ગયું છે. ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) તરફથી એક નિવેદનમાં આ જણાવવામાં આવ્યું છે. ‘શ્રી રામાયણ યાત્રા ટ્રેન’ એસી ડિલક્સ ટુરિસ્ટ ટ્રેન છે, એ 12 ડિસેમ્બર, સોમવારથી તેની બીજી સફરે રવાના થશે. એની પહેલી સફર ગઈ 7 નવેમ્બરે યોજવામાં આવી હતી. આ ટ્રેનને નફો ન કમાતી સંસ્થા સાત્ત્વિક કાઉન્સિલ ઓફ ઈન્ડિયા તરફથી શાકાહારી સર્ટિફિકેશન આપવામાં આવ્યું છે. આ ટ્રેનમાં પ્રવાસીઓને માત્ર શાકાહારી ભોજન જ પીરસવામાં આવશે. ભારતીય રેલવેએ આ ટ્રેન શાકાહારી અને વિગન લોકોને સમર્પિત કરી છે. પ્રવાસીઓની સફર શાકાહારી-અનુકૂળ બની રહે એની ખાસ તકેદારી લેવામાં આવશે. ટ્રેન પ્રવાસીઓને માત્ર શાકાહારી ભોજન પીરસવાની ફોર્મ્યુલા આશરે 18 ટ્રેનોમાં લાગુ કરવામાં આવશે.

આ શ્રી રામાયણ યાત્રા ટ્રેન પ્રવાસ 16 રાત અને 17 દિવસનો રહેશે. પર્યટકોએ દિલ્હીના સફદરજંગ રેલવે સ્ટેશનેથી ચડવાનું રહેશે. આ ટ્રેન પ્રવાસીઓને ભગવાન શ્રીરામના જન્મસ્થળ અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિર અને હનુમાન મંદિર બાદ, નંદીગ્રામમાં ભારત મંદિરના દર્શન કરાવશે. ત્યાંથી બિહારમાં સીતાજીનાં જન્મસ્થળ સીતામઢી જશે. ત્યારબાદ જનકપુર (નેપાળ)માં રામ-જાનકી મંદિરના દર્શન સડક માર્ગે કરવા મળશે. ત્યાંથી ટ્રેન વારાણસી જશે. પર્યટકોને સડક માર્ગે વારાણસી, પ્રયાગ, ચિત્રકૂટ મંદિરોનાં દર્શન કરાવાશે. તે પછીનો પડાવ નાશિક રહેશે. જેમાં ત્ર્યંબકેશ્વર તથા પંચવટીનો સમાવેશ થાય છે. નાશિકથી ટ્રેન હમ્પી જશે જે પ્રાચીન શહેર. તે શ્રી હનુમાનજીનું જન્મસ્થળ છે. 16મા દિવસે રામેશ્વર ખાતેથી ટ્રેન દિલ્હી પાછી ફરશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular