Saturday, May 17, 2025
Google search engine
HomeNewsNationalતમામ ભારતવાસીઓને મળશે યૂનિક હેલ્થ આઈડી કાર્ડ

તમામ ભારતવાસીઓને મળશે યૂનિક હેલ્થ આઈડી કાર્ડ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ તમામ દેશવાસીઓને સ્વાસ્થ્યના ક્ષેત્રમાં એક મોટી સુવિધા આપવાની છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતા અઠવાડિયે આરોગ્યને લગતી એક મોટી રાષ્ટ્રવ્યાપી યોજનાની જાહેરાત કરવાના છે. તેમાં પ્રત્યેક ભારતીય નાગરિકને યૂનિક હેલ્થ આઈડી મળશે. દેશના દરેક નાગરિકને આધાર કાર્ડની જેમ યૂનિક હેલ્થ કાર્ડ પણ મળશે. આ કાર્ડ આધાર કાર્ડની જેમ ડિજિટલ હશે અને આધારની જેમ જ એક નંબર મળશે. આ યૂનિક હેલ્થ આઈડીમાં નાગરિક-વ્યક્તિનો સ્વાસ્થ્યને લગતો સંપૂર્ણ રેકોર્ડ સામેલ કરાયો હશે. દાખલા તરીકે, વ્યક્તિને કઈ બીમારી છે અને તે માટે એણે કયા કયા સ્થળે કયા કયા પ્રકારની સારવાર કરાવી છે, કયા કયા ડોક્ટર પાસે સલાહ મેળવી છે અને કઈ કઈ દવા લીધી છે તથા ચાલુ છે. જેથી ડોક્ટર વ્યક્તિનો પૂરો સ્વાસ્થ્ય-તબીબી રેકોર્ડ જાણી શકશે. વડા પ્રધાન મોદી આવતી 27 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી ડિજિટલ હેલ્થ મિશન (PMDHM)ની જાહેરાત કરવાના છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ આની જાણકારી આપી છે.

PMDHM મિશન તમામ દેશવાસીઓના સ્વાસ્થ્ય ડેટા, સૂચનાને લગતી એક કુશળ, સરળ અને સુરક્ષિત રીતે સ્વાસ્થ્ય કવરેજ જાળવશે. દરેક વ્યક્તિ માટે વિશિષ્ટ આઈડી બનાવવા માટે વ્યક્તિનો આધાર કાર્ડ નંબર અને મોબાઈલ ફોન નંબર જેવી વિગતોની સાથે સ્વાસ્થ્ય આઈડી કાર્ડ પણ બનાવવામાં આવશે. આ હેલ્થ કાર્ડની મદદથી વ્યક્તિ સરકારી યોજનાઓ વિશે જાણકારી પ્રાપ્ત કરી શકશે. દર્દીને આયુષ્માન ભારત અંતર્ગત સારવારની સુવિધાઓનો લાભ મળે છે કે નહીં તે પણ આ હેલ્થ કાર્ડ મારફત જાણી શકાશે. સરકાર આ યૂનિક હેલ્થ કાર્ડ યોજના માટે એક અલગ હેલ્થ ઓથોરિટીની રચના કરશે, જે પ્રત્યેક નાગરિકનો સંપૂર્ણ ડેટા પ્રાપ્ત કરશે. નેશનલ હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર રજિસ્ટ્રી સાથે સંકળાયેલી કોઈ પણ પબ્લિક હોસ્પિટલ, કમ્યુનિટી હેલ્થ સેન્ટર, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર અથવા એવા કોઈ પણ હેલ્થકેર પ્રોવાઈડર કોઈ પણ વ્યક્તિનું હેલ્થ આઈડી કાર્ડ બનાવી શકશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular