Thursday, May 22, 2025
Google search engine
HomeNewsNational'આત્મનિર્ભર ભારત'ના સંકલ્પમાં રમકડાં બજારનું મોટું મહત્ત્વઃ પીએમ મોદી

‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પમાં રમકડાં બજારનું મોટું મહત્ત્વઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ કોરોના વાઈરસ સામેના જંગમાં દેશની જનતાએ સંયમ અને સાદગીના અભૂતપૂર્વ દર્શન કરાવ્યા છે. આ સંકટકાળમાં પણ લોકોએ શિસ્તની સાથે ધાર્મિક પૂજા-ઉત્સવ ઉજવણીમાં ઉત્સાહ ટકાવી રાખ્યો છે એ મહત્ત્વની બાબત છે, એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એમના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’માં જણાવ્યું હતું.

‘મન કી બાત’ કાર્યક્રમની આ 68મી આવૃત્તિ હતી.

મોદીએ કહ્યું કે આત્મનિર્ભર ભારત સંકલ્પમાં રમકડાં ઉદ્યોગે મોટી ભૂમિકા અદા કરવાની છે. વર્ચ્યુઅલ ગેમ્સ હોય કે રમકડાં ઉદ્યોગ હોય, એમણે બહુ મહત્ત્વની ભૂમિકા ભજવવાની છે અને એમને માટે આ એક અવસર પણ છે. આજથી સો વર્ષ પહેલાં જ્યા મહાત્મા ગાંધીજીએ અસહયોગ આંદોલન શરૂ કર્યું હતું ત્યારે એમણે લખ્યું હતું કે, અસહયોગ આંદોલન દેશવાસીઓમાં આત્મસમ્માન અને આપણી શક્તિઓનું દર્શન કરવાનો એક પ્રયાસ છે. આજે જ્યારે આપણે આત્મનિર્ભર ભારત બનાવવા માગીએ છીએ ત્યારે આપણે પૂરા આત્મવિશ્વાસ સાથે આગળ વધવાનું છે. આપણે દરેક ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવાનું છે.

મોદીએ કહ્યું કે, આજે આપણા ચિંતનનો વિષય રમકડાં છે અને ખાસ કરીને ભારતીય રમકડાં. અમે એ બાબત પર મંથન કર્યું કે ભારતનાં બાળકોને નવા નવા રમકડાં કેવી રીતે મળી શકે. ભારતને દુનિયામાં રમકડાં ઉત્પાદનનું એક મોટું કેન્દ્ર કેવી રીતે બનાવી શકાય. જોકે આજે મન કી બાત સાંભળી રહેલાં બાળકોનાં માતા-પિતાની હું ક્ષમા માગીશ, કારણ કે મારી આ વાત સાંભળીને એમની સમક્ષ રમકડાંની નવી માગણીઓ સાંભળવાનું એક નવું કામ ઊભું થશે. રમકડાં આપણી આકાંક્ષાઓને એક છલાંગ અપાવે છે. રમકડાં આપણું મન પ્રફુલ્લિત કરે છે એટલું જ નહીં, એ મનને બનાવે પણ છે અને ઉદ્દેશ્યનું ઘડતર પણ કરે છે.

મોદીએ કહ્યું કે, આજે આખો દેશ કોરોના મહાબીમારી સામે લડી રહ્યો છે ત્યારે ઘણી વાર મને મનમાં વિચાર આવતો રહ્યો છે કે આટલો લાંબો સમય સુધી ઘરમાં રહેવાથી મારા નાનકડા બાળ-મિત્રોનો સમય કેવી રીતે પસાર થતો હશે. એટલે જ મેં ગાંધીનગરની ચિલ્ડ્રન યુનિવર્સિટી, જે દુનિયામાં એક અલગ જ પ્રયોગ છે, અમે એ વિશે મંથન કર્યું કે આપણે બાળકો માટે શું કરી શકીએ છીએ. મારા માટે આ નવી વાત હતી અને નવું શીખવાનો મોકો પણ હતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular