Tuesday, July 22, 2025
Google search engine
HomeNewsNationalબ્રિક્સ-સંગઠનને 15-વર્ષોમાં વધારે પરિણામદાયી બનાવવાનું છેઃ મોદી

બ્રિક્સ-સંગઠનને 15-વર્ષોમાં વધારે પરિણામદાયી બનાવવાનું છેઃ મોદી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદ હેઠળ BRICS સમૂહના દેશોના વડાઓનું આજે 13મું વાર્ષિક શિખર સંમેલન વર્ચ્યુઅલ માધ્યમથી યોજાયું હતું. BRICS એટલે બ્રાઝિલ, રશિયા, ઈન્ડિયા, ચાઈના અને સાઉથ આફ્રિકા. આજના સંમેલનમાં મોદી ઉપરાંત બ્રાઝિલના પ્રમુખ જાયર બોલ્સોનારો, સાઉથ આફ્રિકાના પ્રમુખ સિરીલ રેમ્ફોસા, રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન અને ચીનના પ્રમુખ શી જિનપિંગ હાજરી આપી હતી.

અધ્યક્ષપદેથી પોતાના સંબોધનમાં મોદીએ કહ્યું કે, કહ્યું કે બ્રિક્સ ત્રાસવાદ-વિરોધી પગલાં યોજનાને અપનાવવામાં આવી છે તે એક મહત્ત્વની બાબત છે. હાલમાં જ પ્રથમ બ્રિક્સ ડિજિટલ હેલ્થ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ટેક્નોલોજીની મદદથી આરોગ્ય સેવાઓની પહોંચ વધારવા માટે આ એક નવીનતમ પગલું છે. આવતા નવેમ્બર મહિનામાં આપણા સમૂહના દેશોનાં જળસંસાધન પ્રધાનો બ્રિક્સ ફોર્મેટમાં પહેલી વાર બેઠક યોજશે.

વડા પ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે, આપણે એ સુનિશ્ચિત કરવાનું છે કે બ્રિક્સ સંગઠન આવતા 15 વર્ષોમાં વધારે પરિણામદાયી બને. છેલ્લા દોઢ દાયકામાં બ્રિક્સ દેશોએ ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. આજે આપણે દુનિયાની ઉભરતી અર્થવ્યવસ્થાઓ માટે એક પ્રભાવકારી અવાજ બન્યા છીએ. વિકાસશીલ દેશોની પ્રાથમિક જરૂરિયાતો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પણ આ મંચ ઉપયોગી સાબિત થયો છે.

મોદીના અધ્યક્ષપદ હેઠળ આ બીજી વાર BRICS શિખર સંમેલન યોજાશે. આ પહેલાં 2016માં મોદીએ ગોવા શિખર સંમેલનમાં અધ્યક્ષપદ સંભાળ્યું હતું. BRICSની સ્થાપનાનું આ 15મું વર્ષ છે અને 13મું શિખર સંમેલન છે. આજના શિખર સંમેલનનો થીમ હતોઃ ‘BRICS દેશોમાં સહકાર, સંકલન અને સર્વસંમતિ.’

સંમેલનમાં બ્રાઝિલ, રશિયા, ચીન અને સાઉથ આફ્રિકાના વડાઓએ પણ સંબોધન કર્યું હતું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular