Wednesday, July 9, 2025
Google search engine
HomeNewsNationalફેસ માસ્ક નહીં પહેર્યું હોય તો પેટ્રોલ પમ્પ્સ પર ઈંધણ નહીં મળે

ફેસ માસ્ક નહીં પહેર્યું હોય તો પેટ્રોલ પમ્પ્સ પર ઈંધણ નહીં મળે

નવી દિલ્હીઃ પેટ્રોલ પમ્પ્સ પર કામ કરી રહેલા કર્મચારીઓની સલામતીને ધ્યાનમાં રાખીને ઓલ ઈન્ડિયા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને નક્કી કર્યું છે કે દેશભરમાં ફેલાયેલા કોરોના વાઈરસ રોગચાળાને કારણે જે ગ્રાહકો ફેસ માસ્ક પહેર્યા વગર પેટ્રોલ પમ્પ્સ પર આવે એમને ઈંધણ વેચવું નહીં.

એસોસિએશનના પ્રમુખ અજય બંસલે કહ્યું છે કે અમે અમારા કર્મચારીઓની સુરક્ષાને ખાતર આ નિર્ણય લીધો છે. કોરોના વાઈરસ મહાબીમારી ફેલાઈ છે ત્યારે દેશભરમાં રીટેલ ઈંધણ આઉટલેટ્સ ખાતે જે ગ્રાહકો ફેસ માસ્ક પહેર્યા વગર ઈંધણ ભરાવવા આવે એમને ઈંધણ વેચવામાં નહીં આવે.

બંસલે કહ્યું કે, દેશભરમાં પેટ્રોલ પમ્પ્સ વર્ષના 365 દિવસ અને ચોવીસ કલાક ખુલ્લા રાખવામાં આવે છે. સરકારે પેટ્રોલ પમ્પ્સને આવશ્યક સેવાઓ તરીકે ઘોષિત કર્યા છે ત્યારે અમારા કર્મચારીઓને સતત ગ્રાહકો સાથે સંપર્કમાં રહેવું પડે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને અમે નક્કી કર્યું છે કે જે ગ્રાહકે ફેસ માસ્ક પહેર્યું ન હોય એને ઈંધણ વેચવું નહીં.

અમારો આ નિર્ણય ગ્રાહકો તેમજ અમારા કર્મચારીઓ, બધાયના હિતમાં છે. એને કારણે ગ્રાહકોને બહાર નીકળે એટલે દર વખતે ફેસ માસ્ક પહેરવાની ફરજ પડશે, એમ બંસલે વધુમાં જણાવ્યું છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular