Monday, May 19, 2025
Google search engine
HomeNewsNationalબિહારમાં નીતિશકુમાર, તેજસ્વી યાદવે હોદ્દાના શપથ લીધા

બિહારમાં નીતિશકુમાર, તેજસ્વી યાદવે હોદ્દાના શપથ લીધા

પટનાઃ જનતા દળ (યૂનાઈટેડ)ના નેતા નીતિશકુમાર આજે બપોરે અહીં રાજભવન ખાતે બિહાર રાજ્યના મુખ્ય પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા છે. એમણે તેમની પાર્ટીના, ભારતીય જનતા પાર્ટી સાથેના ગઠબંધનના અંતની ગઈ કાલે જાહેરાત કરી હતી અને રાજ્યના ગવર્નરને મળી મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપી દીધું હતું. હવે એમણે તેજસ્વી યાદવની આગેવાની હેઠળના રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) તથા અન્ય વિરોધપક્ષો સાથે મળીને નવા મહાગઠબંધનની રચનાની જાહેરાત કરી છે અને પોતાની નવી સરકારની રચના કરવાનો દાવો કર્યો છે. આજે એમણે આઠમી વખત રાજ્યના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા છે. એમની સાથે તેજસ્વી યાદવે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા છે.

નીતિશકુમારે તેજસ્વી યાદવ સાથે બહાર પાડેલા એક સંયુક્ત નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે એમના મહાગઠબંધનને 242-સભ્યોની વિધાનસભામાં 164 વિધાનસભ્યોનો ટેકો છે. રાજ્યમાં સરકાર બનાવવા માટે ઓછામાં ઓછા 122 વિધાનસભ્યોનો ટેકો હોવો જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે, જેડીયૂ અને ભાજપે 2020માં સાથે મળીને વિધાનસભાની ચૂંટણી લડી હતી. ભાજપે 77 બેઠક અને નીતિશકુમારના જનતા દળ (યૂનાઈટેડ)એ 45 બેઠક જીતી હતી. રાષ્ટ્રીય જનતા દળે 79 બેઠક પર કબજો લીધો હતો. ભાજપે વધારે સીટ જીતી હોવા છતાં એણે નીતિશકુમારને મુખ્ય પ્રધાન બનાવ્યા હતા. પરંતુ, હવે નીતિશકુમાર અને ભાજપને વાંકું પડતાં એમના ગઠબંધનની સરકારનું પતન થયું છે. જેડીયૂ અને આરજેડી પાર્ટીઓએ 2015 બાદ ફરી વાર હાથ મિલાવ્યા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular