Monday, May 26, 2025
Google search engine
HomeNewsMumbaiલોકડાઉન નહીં, પંદર-દિવસ સુધી મહારાષ્ટ્રમાં 'જનતા કર્ફ્યૂ'

લોકડાઉન નહીં, પંદર-દિવસ સુધી મહારાષ્ટ્રમાં ‘જનતા કર્ફ્યૂ’

મુંબઈઃ મહારાષ્ટ્રમાં જીવલેણ કોરોનાવાઈરસ મહાબીમારીના કેસ ખૂબ વધી ગયા છે અને રોગચાળાને અંકુશમાં લાવવા માટે રાજ્યભરમાં આવતીકાલે 14 એપ્રિલે રાતે 8 વાગ્યાથી પંદર દિવસ સુધી સંચારબંધી (કર્ફ્યૂ) લાગુ કરવાની રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આજે જાહેરાત કરી છે. આ પંદર દિવસના કર્ફ્યૂ દરમિયાન માત્ર પાણીપુરવઠા, દૂધ, સફાઈકામ સહિતની આવશ્યક સેવાઓને બાદ કરતાં બાકીની તમામ સેવાઓને સવારે 7 વાગ્યાથી લઈને રાતે 8 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. રાજ્યભરમાં 30 એપ્રિલ સુધી નાઈટ-કર્ફ્યૂ તો લાગુ થયેલો જ છે. સમગ્ર રાજ્યમાં આવતીકાલથી પંદર દિવસ માટે આખો દિવસ 144મી કલમ લાગુ કરવામાં આવશે. ફેસબુક લાઈવ માધ્યમ દ્વારા રાજ્યની જનતાને સંબોધિત કરતાં ઠાકરેએ કહ્યું કે હું આને લોકડાઉન શબ્દ ઉચ્ચારતો નથી, પરંતુ જનતાને અપીલ છે કે તેઓ કડક કર્ફ્યૂ-નિયંત્રણો દરમિયાન બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળે નહીં. મેડિકલ સ્ટોર્સ, કરિયાણાની દુકાનો, દૂધની ડેરીઓ ચાલુ રહેશે. હોટેલ-રેસ્ટોરન્ટ્સ, બીયર બાર બંધ રહેશે. હોમ ડિલીવરીની જ પરવાનગી રહેશે. તમામ ધાર્મિક સ્થળો બંધ રહેશે. શાળા-કોલેજો, ખાનગી કોચિંગ ક્લાસીસ બંધ રહેશે.

ઠાકરેએ કહ્યું કે, આવતીકાલથી રાજ્ય સરકાર દ્વારા ‘બ્રેક ધ ચેન’ ઝુંબેશ શરૂ કરવામાં આવશે. સંચારબંધી દરમિયાન લોકલ ટ્રેન, સિટી બસ-સેવા જેવી પરિવહન સેવાઓને માત્ર આવશ્યક સેવાઓ પૂરતી જ ચાલુ રાખવામાં આવશે. આવશ્યક સેવાઓને બાદ કરતાં અન્ય તમામ ઓફિસો બંધ રહેશે. પેટ્રોલ પંપ, બેન્ક, નાણાંસંસ્થાઓ સાથે સંકળાયેલી સંસ્થાઓ યથાવત્ રીતે કામ કરશે. થિયેટરો અને ફિલ્મ શૂટિંગ બંધ રહેશે.

મુંબઈમાં આજે એક જ દિવસમાં કોરોનાના નવા 7,898 કેસ નોંધાયા હતા. 26 જણનું મરણ થયું છે જ્યારે 11,263 જણ સાજા થયા છે. પવિત્ર રમઝાન મહિનો શરૂ થઈ ગયો છે, પણ રાજ્ય સરકારે મસ્જિદોમાં નમાઝ પઢવા એકત્ર થવા પર પ્રતિબંધ જાહેર કર્યો છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular