Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsNationalભારત, બંગલાદેશ વચ્ચે ત્રીજી ટ્રેન ‘મિતાલી એક્સપ્રેસ’નો પ્રારંભ

ભારત, બંગલાદેશ વચ્ચે ત્રીજી ટ્રેન ‘મિતાલી એક્સપ્રેસ’નો પ્રારંભ

નવી દિલ્હીઃ રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવ અને બંગલાદેશના રેલવેપ્રધાન મોહમ્મદ નુરુલ ઇસ્લામ સુજોને વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ન્યુ જલપાઇગુડી અને ઢાકા (બંગલાદેશ)ની વચ્ચે ‘મિતાલી એક્સપ્રેસ’ને લીલી ઝંડી બતાવી હતી. બંને દેશોની વચ્ચે આ ત્રીજી પેસેન્જર ટ્રેન છે, જે આજે નવી દિલ્હીમાં રેલવે ભવનથી ઝંડી બતાવીને રવાના કરવામાં આવી હતી. આ નવી ‘મિતાલી એક્સપ્રેસ’ ટ્રેન ન્યુ જલપાઇગુડી-ઢાકા ટ્રેન (13132) સપ્તાહમાં બે દિવસ-રવિવારે અને બુધવારે દોડશે. આ ટ્રેન પરત ફરતાં ઢાકા કેન્ટોનમેન્ટ-ન્યુ જલપાઇગુડીની વચ્ચે સોમવારે અને ગુરુવારે દોડશે. આ પ્રસંગે બોલતાં રેલવેપ્રધાને મિતાલી એક્સપ્રેસને બંને દેશોની વચ્ચેની મિત્રતાને મજબૂત કરવા માટે પાયાનો પથ્થર ગણાવી હતી.

અમે પ્લેટફોર્મ પર અનેક CCTV કેમેરા સ્થાપિત કર્યા છે અને રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના જવાનને દરેક ખૂણે બેસાડ્યા છે. આ સથે બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) ટ્રેન હલ્દીબાડી સ્ટેશને લઈ જશે અને ઝીરો લાઇન પર બંગલાદેશને સોંપી દેશે, એમ એક અધિકારીએ કહ્યું હતું.

ન્યુ જલપાઇગુડી સ્ટેશન પરના એક દુકાનદાર પ્રેમચંદ પ્રસાદે કહ્યું હતું કે આ ટ્રેન શરૂ થવાથી અમારા વેપારમાં વૃદ્ધિ થશે અને અમારા માટે નોકરીઓની તકો પણ મળશે. બંને દેશોના પેસેન્જરોને આ ટ્રેનની ટિકિટ ન્યુ જલપાઇગુડી સ્ટેશનથી અને કોલકાતા સ્ટેશનથી મળશે.

આ નવી ટ્રેન સર્વિસ શરૂ થવાથી બંને દેશોના વેપારી સંબંધો અને આર્થિક-સામાજિક કામગીરીમાં વધારો થશે. પેસેન્જરો સરળ રીતે બંને દેશોમાં આવ-જા કરી શકશે. વળી, આ ટુરિઝમ ક્ષેત્રે બંગાળના ઉત્તર વિસ્તારમાં લાભ મળશે, એમ ઉત્તર-પૂર્વના ચીફ પબ્લિક રિલેશન્સ ઓફિસર સવ્યસાચી ડેએ જણાવ્યું હતું.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular