Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsNationalઆખરે વતન પહોંચ્યા મજૂરોઃ પુષ્પોથી કરાયું સ્વાગત

આખરે વતન પહોંચ્યા મજૂરોઃ પુષ્પોથી કરાયું સ્વાગત

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે લોકડાઉનમાં ફસાયેલા લોકોને તેમના વતન રાજ્યમાં પહોંચાડવા માટે સ્પેશિયલ ટ્રેનોને દોડાવવાની હવે મંજૂરી આપી દીધી છે. આવી એક સ્પેશિયલ ટ્રેન મહારાષ્ટ્રથી મધ્યપ્રદેશ માટે દોડાવવામાં આવી હતી. તે આજે સવારે ભોપાલ પહોંચી હતી. આ ટ્રેનમાં 347 જેટલા લોકો સવાર હતા. લોકડાઉનની મુદત લંબાવવાની જાહેરાત સાથે જ સરકારોએ મજૂરોની ઘરવાપસીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ કડીમાં મધ્યપ્રદેશ સરકારે મહારાષ્ટ્રના નાસિક શહેરમાંથી પોતાના શ્રમિકોને પાછા બોલાવ્યા છે. નાસિકથી શુક્રવારે સાંજે 347 જેટલા મજૂરો સાથેની સ્પેશિયલ ટ્રેન ભોપાલ માટે રવાના થઈ હતી.

આ ટ્રેનમાં મધ્ય પ્રદેશના 28 જિલ્લાના મજૂરો હતા. મજૂરોએ ટ્રેન સફર શરૂ કરી એ પહેલાં રેલવે સ્ટેશન પર એમનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. મજૂરોને એમના વતન ઘેર મોકલવા માટે 20 જેટલી બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. મીડિયા સાથે વાત કરતા આ મજૂરોએ સરકારનો આભાર માન્યો હતો અને કહ્યું કે આખરે હવે અમે અમારા પોતાના લોકોની પાસે પહોંચીશું.

તેલંગાણા રાજ્યના અલગ-અલગ શહેરોમાં ફસાયેલા ઝારખંડના આશરે 1200 જેટલા મજૂરો રાંચી સ્પેશિયલ ટ્રેનથી રાંચી પહોંચ્યા હતા. સેનિટાઈઝ્ડ કરાયેલી બસોમાં આ મજૂરોને તેમના ગૃહ જિલ્લાઓમાં મોકલવામાં આવી રહ્યા છે.

તેલંગાણાના લિંગમપલ્લીથી ઉપડેલી આ ટ્રેન જેવી રાંચી પાસેના હટિયા રેલવે સ્ટેશન પર પહોંચી ત્યારે કેટલાય મજૂરોની આંખોમાં આંસૂ આવી ગયા હતા. ઉલ્લેખનીય છે કે, ગઈ 25 માર્ચે દેશભરમાં લોકડાઉન લાગુ કરાયા બાદ ટ્રેન સેવાઓ ઠપ્પ થઈ ગઈ છે. લોકડાઉનને ત્યારબાદ 15 એપ્રિલ બાદ ફરી લંબાવવામાં આવ્યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર, રાત્રે સવા અગિયાર વાગ્યે ટ્રેન હટિયા રેલવે સ્ટેશન પર રોકાઈ હતી, મજૂરોના ચહેરા પર ચમક આવી ગઈ હતી. રેલવે સ્ટેશન પર આ મજૂરોનું મહેમાનોની જેમ સ્વાગત કરવામાં આવ્યું હતું અને રાજ્ય સરકારના અધિકારીઓએ તેમને ગુલાબના પુષ્પ આપ્યા હતા અને તેમના માટે જમવાની પણ વ્યવસ્થા કરી હતી.

ઉલ્લેખનીય છે કે, શ્રમિકોને તેમના ગૃહરાજ્યમાં પહોંચાડવા માટે ગૃહ મંત્રાલય દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. તે અનુસાર પ્રવાસી મજૂરો, તીર્થયાત્રીઓ, પર્યટકો, વિદ્યાર્થીઓ અને અન્ય વ્યક્તિઓને અલગ-અલગ સ્થાનો પર લઈ જવા માટે 1 મે ના રોજ મજૂર દિવસ અને મહારાષ્ટ્રના સ્થાપના દિવસ પર શ્રમિક સ્પેશિયલ ટ્રેન નાશિકથી રવાના થઈ હતી.

અટવાયેલા લોકોને સુખરૂપ, સહીસલામત રીતે એમના ગૃહ રાજ્ય સુધી પહોંચાડવા માટે વિશેષ ટ્રેનો દોડાવવાની રાજ્ય સરકારોની માંગણી બાદ, ભારતીય રેલવેએ સ્પેશિયલ શ્રમિક ટ્રેનો શરૂ કરી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular