Friday, May 16, 2025
Google search engine
HomeNewsNationalભારતની પહેલી 'કિસાન રેલ' ટ્રેનને દેવલાલીમાંથી રવાના કરાઈ

ભારતની પહેલી ‘કિસાન રેલ’ ટ્રેનને દેવલાલીમાંથી રવાના કરાઈ

મુંબઈઃ કેન્દ્રીય પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે આજે દેશની પહેલી ‘કિસાન રેલ’ ટ્રેનને મહારાષ્ટ્રના નાશિક જિલ્લાના દેવલાલીમાંથી લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી. આ ટ્રેન દેવલાલીથી  બિહારના દાનાપુર વચ્ચે દોડશે. તોમરે વિડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી આ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. કેન્દ્રના કૃષિ અને કિસાનોની સુખાકારીના ખાતાના પ્રધાન તોમરે આ પ્રસંગે કહ્યું કે આ ટ્રેન કૃષિ ઉત્પાદનો, ખાસ કરીને જલદી બગડી જાય એવી ચીજવસ્તુઓને સસ્તા દરે ટ્રાન્સપોર્ટ કરવામાં મદદરૂપ થશે. તે ઉપરાંત, કિસાનોને એમના પાક માટે યોગ્ય ભાવ મેળવવામાં પણ સહાયતા કરશે.

તોમર ગ્રામિણ વિકાસ અને પંચાયતી રાજના હોદ્દા પણ ધરાવે છે, એમણે કહ્યું કે ભારતીય રેલવે કોરોના વાઈરસ રોગચાળાના સંકટ દરમિયાન દેશભરમાં 96 રૂટ પર 4,610 ટ્રેનો દોડાવી છે જેથી ખાદ્યપદાર્થોનો પૂરવઠો જળવાઈ રહે.

આ પ્રસંગે રેલવે પ્રધાન પીયૂષ ગોયલ પણ હાજર હતા. એમણે કહ્યું કે કિસાનોને વર્ષો જૂની વેઠ-તકલીફોથી મુક્ત કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક પગલાં લીધા છે. એને લીધે દેશના કિસાનો આત્મનિર્ભર બનશે અને સમૃદ્ધ બનશે.

રેલવેના રાજ્ય કક્ષાના પ્રધાન સુરેશ અંગડી, મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસ, મહારાષ્ટ્રના નાગરી પૂરવઠા, ગ્રાહક રક્ષણ ખાતાના પ્રધાન છગન ભુજબળ પણ આ વર્ચ્યુઅલ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

કિસાન રેલી ટ્રેન સાપ્તાહિક સેવા છે, જે દર શુક્રવારે સવારે 11 વાગ્યે દેવલાલીથી ઉપડશે અને બીજા દિવસે સાંજે 6.45 વાગ્યે દાનાપુર પહોંચશે. વળતી સફરમાં, આ ટ્રેન દાનાપુરથી દર રવિવારે બપોરે 12 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સાંજે 7.45 વાગ્યે દેવલાલી પહોંચશે.

આ ટ્રેન એક તરફની સફરમાં 31 કલાક 45 મિનિટમાં 1,519 કિ.મી.ની યાત્રા કરશે અને તે નાશિક રોડ, મનમાડ, જળગાંવ, ભૂસાવળ, બુરહાનપુર, ખંડવા, ઈટારસી, જબલપુર, સતના, કટની, માણિકપુર, પ્રયાગરાજ છીઓકી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંક્શન અને બુક્સર સ્ટેશનોએ થોભશે.

મધ્ય રેલવેનું કહેવું છે કે કિસાન રેલ ટ્રેન કિસાનોને એમનાં ઉત્પાદનો માટે સારી બજાર પૂરી પાડશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular