Wednesday, May 28, 2025
Google search engine
HomeNewsNationalભારત(પાકિસ્તાનને): '26/11 મુંબઈ ટેરર-હુમલા કેસનો-મુકદ્દમો જલદી પતાવો'

ભારત(પાકિસ્તાનને): ’26/11 મુંબઈ ટેરર-હુમલા કેસનો-મુકદ્દમો જલદી પતાવો’

નવી દિલ્હીઃ 2008ની 26 નવેમ્બરે પાકિસ્તાનમાંથી ઘૂસી આવેલા ત્રાસવાદીઓએ મુંબઈમાં કરેલા શ્રેણીબદ્ધ હુમલાઓની આજે ભારત દેશ 13મી વરસી મનાવી રહ્યો છે. એ ઘટનાઓની કડવી યાદ વચ્ચે વિદેશ મંત્રાલય આજે પાકિસ્તાની હાઈ કમિશનના વરિષ્ઠ રાજદૂતને કાર્યાલયમાં બોલાવ્યા હતા અને એમને કહ્યું હતું કે એમનો દેશ 26/11ના હુમલાઓમાં સંડોવાયેલા પાકિસ્તાની ત્રાસવાદીઓ સામેનો ખટલો ઝડપી બનાવે.

વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે, મુંબઈ ટેરર હુમલાઓના કેસમાં અદાલતી કાર્યવાહી ઝડપથી પૂરી કરવાની ભારતની માગણીનો પુનરોચ્ચાર કરતી અને પોતાની ધરતીનો ઉપયોગ ભારત વિરુદ્ધ ત્રાસવાદી કૃત્યો માટે કરવા ન દેવાના આપેલા વચનનું પાકિસ્તાન સરકાર પાલન કરે એવી એક મૌખિક નોંધ પાકિસ્તાની રાજદૂતને સુપરત કરવામાં આવી હતી. વિદેશ મંત્રાલયે કહ્યું કે, ‘ભારત સહિત 15 દેશોનાં 166 નાગરિકો તે ત્રાસવાદી હુમલાઓમાં માર્યા ગયા હતા. એ ઘટનાઓને 13 વર્ષ વીતી ગયા છે. આખી દુનિયા આ કેસનો નિકાલ આવે એની રાહ જુએ છે. અપરાધીઓને સજા કરાવવામાં પાકિસ્તાન સરકાર થોડીક પ્રામાણિકતા બતાવે. અમે પાકિસ્તાનને ફરી કહીએ છીએ કે એ બેવડું ધોરણ અપનાવવાનું બંધ કરે અને તે ભયાનક હુમલાઓના અપરાધીઓને સજા કરાવવા ખટલો ઝડપથી પતાવે. આ માત્ર ત્રાસવાદીઓના હુમલામાં ભોગ બનેલા નિર્દોષ લોકોના પરિવારો પ્રતિ પાકિસ્તાનની જવાબદારીનો મામલો નથી, પણ આ તેનું એક આંતરરાષ્ટ્રીય દાયિત્વ પણ છે.’ 2008ની 26 નવેમ્બરે 10 પાકિસ્તાની શસ્ત્રસજ્જ ત્રાસવાદીઓ સમુદ્રમાર્ગે દક્ષિણ મુંબઈના કોલાબા વિસ્તારના બધવાર પાર્કમાં ઘૂસ્યા હતા અને તે પછી છત્રપતિ શિવાજી ટર્મિનસ રેલવે સ્ટેશન, તાજ મહલ હોટેલ, છાબડ હાઉસ અને લિઓપોલ્ડ કેફે સહિત અનેક સ્થળે હુમલા કર્યા હતા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular