Saturday, August 16, 2025
Google search engine
HomeNewsNationalભારતવાસીઓનું આયુષ્ય ઘટાડી રહ્યું છે હવાનું પ્રદૂષણ

ભારતવાસીઓનું આયુષ્ય ઘટાડી રહ્યું છે હવાનું પ્રદૂષણ

નવી દિલ્હીઃ ભારતમાં હવાના પ્રદૂષણના પ્રમાણ વિશે એક નવો અહેવાલ બહાર પાડવામાં આવ્યો છે. શિકાગો યૂનિવર્સિટીના એર ક્વાલિટી લાઈફ ઈન્ડેક્સ (AQLI) રિપોર્ટમાં જણાવાયું છે કે પ્રદૂષણ વધી જવાને કારણે ભારતભરમાં લોકો એમના આયુષ્યના અતિરિક્ત વર્ષો ગુમાવી રહ્યાં છે. અહેવાલમાં જણાવાયું છે કે દુનિયાભરમાં ભારત સૌથી વધારે પ્રદૂષિત દેશ છે. હવામાં પ્રદૂષિત તત્વોનું પ્રમાણ જેટલું ભારતમાં છે એટલું દુનિયામાં બીજે ક્યાંય પણ જોવા મળ્યું નથી. 2019ની સાલમાં ભારતમાં પ્રદૂષણનું પ્રમાણ 70.3 માઈક્રોગ્રામ પ્રતિ ક્યૂબિક મીટર હતું, જે દુનિયામાં સૌથી વધારે હતું અને વિશ્વ આરોગ્ય સંસ્થાએ નિર્ધારિત કરેલા 10 માઈક્રોગ્રામ કરતાં સાત ગણું વધારે હતું.

અહેવાલ અનુસાર, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં સરેરાશ એક વ્યક્તિ તેના આયુષ્યમાં 2.5થી લઈને 2.9 વર્ષ જેટલો ભાગ ગુમાવે છે. ઉત્તર ભારતમાં વસતા લોકોની હાલત સૌથી વધારે ખરાબ છે. ત્યાંના લોકો હવાના પ્રદૂષણને કારણે જીવનના 9 વર્ષ ગુમાવે છે. ઉત્તર ભારતમાં પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે. અહીં કુલ વસ્તીના લગભગ 40 ટકા લોકો પ્રદૂષણના ખરાબ પ્રમાણ વચ્ચે જીવે છે. પરાળ (અનાજને છૂટું પાડી લીધા બાદ એમાંથી વધેલું ભૂસું) બાળવાથી, ઈંટના ભઠ્ઠાઓને કારણે તથા અન્ય ઔદ્યોગિક પ્રવૃત્તિઓને કારણે ઉત્તર ભારતમાં હવાનું પ્રદૂષણ વધી ગયું છે. યૂનિવર્સિટીની એનર્જી પોલિસી ઈન્સ્ટિટ્યૂટ અભ્યાસ દ્વારા નક્કી કરે છે સ્વચ્છ હવા શ્વાસમાં લેવાથી કોઈ વ્યક્તિ કેટલું લાંબું જીવી શકે છે. આના પરથી અહેવાલમાં જણાવાયું છે કે જો 2019માં હતું એટલું જ પ્રદૂષણ જો ચાલુ રહેશે તો ઉત્તર ભારતના લોકોનું આયુષ્ય 9 વર્ષ જેટલું ઘટી શકે છે. બે દાયકા પહેલાં માત્ર ઉત્તર ભારતમાં જ હવાનું પ્રદૂષણ વધારે હતું, પરંતુ હવે મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં પણ વધી ગયું છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular