Friday, July 25, 2025
Google search engine
HomeNewsMumbaiકાર્યક્રમનું યોગ્ય રીતે આયોજન કરાયું નહોતું: ઉદ્ધવ ઠાકરે

કાર્યક્રમનું યોગ્ય રીતે આયોજન કરાયું નહોતું: ઉદ્ધવ ઠાકરે

મુંબઈઃ ગઈ કાલે પડોશના રાયગડ જિલ્લાના નવી મુંબઈ શહેરના ખારઘર ઉપનગરના આંતરરાષ્ટ્રીય કોર્પોરેટ પાર્ક મેદાન ખાતે મહારાષ્ટ્ર સરકાર પ્રેરિત ‘મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ’ એનાયત કાર્યક્રમ યોજાઈ ગયો. એમાં મહારાષ્ટ્રના જાણીતા સમાજસેવક આપ્પાસાહેબ ધર્માધિકારીને એવોર્ડ આપવામાં આવ્યો હતો. એ વખતે મેદાનમાં વિશાળ જનમેદની એકત્ર થઈ હતી, પરંતુ કાળઝાળ ગરમીને કારણે લૂ લાગવાથી કાર્યક્રમમાં હાજર રહેલાઓમાંના 11 જણનાં કરૂણ મરણ નિપજ્યા છે અને બીજા ઘણા લોકો બીમાર પડી ગયાં છે. મૃતકો આપ્પાસાહેબના શિષ્યો હતા. રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આ ઘટના વિશે દુઃખ વ્યક્ત કરી, આયોજકોની આકરી ટીકા પણ કરી છે.

ઉદ્ધવ ગઈ કાલે રાતે બીમાર લોકોને હોસ્પિટલમાં જોવા ગયા હતા અને ત્યારબાદ પત્રકારો સાથેની વાતચીતમાં એમણે કહ્યું કે, ‘બે દર્દીની હાલત ગંભીર છે. તે કાર્યક્રમનું આયોજન યોગ્ય રીતે કરવામાં આવ્યું નહોતું. આની તપાસ કોણ કરશે? પુરસ્કાર વિતરણ કાર્યક્રમનો સમય ખરાબ હતો અને આયોજન ભૂલભરેલું હતું. અમિત શાહની અનુકૂળતાને ખાતર કાર્યક્રમનું આયોજન બપોરના સમયે કરાયું હોય તો એ કમનસીબ બાબત કહેવાય.’ વિરોધ પક્ષના નેતા અજિત પવાર પણ હોસ્પિટલમાં દર્દીઓની ખબર કાઢવા ગયા હતા. એમણે પણ પત્રકારોને કહ્યું, ‘આ ઘટના કાર્યક્રમ પર એક કાળા ડાઘ સમાન છે. કાર્યક્રમ સાંજના સમયે રખાયો હોત તો સારું થાત.’

તે કાર્યક્રમમાં સમાજસેવક આપ્પાસાહેબ ધર્માધિકારીને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના હસ્તે મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. એ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ તથા એમના અન્ય સાથી પ્રધાનો તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular