Thursday, May 29, 2025
Google search engine
HomeNewsMumbaiએકનાથ શિંદે બન્યા મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન, ફડણવીસ બન્યા એમના ડેપ્યૂટી

એકનાથ શિંદે બન્યા મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન, ફડણવીસ બન્યા એમના ડેપ્યૂટી

મુંબઈઃ શિવસેનામાં બળવો કરીને મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચાવી દેનાર એકનાથ શિંદેએ આજે અહીં રાજભવન ખાતે રાજ્યના નવા – 20મા મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા છે. શિંદેએ શિવસેના પક્ષ છોડ્યો નથી. ઉદ્ધવ ઠાકરેના વડપણ હેઠળની ગત સરકારમાં તેઓ શહેરીવિકાસ પ્રધાન હતા. હવે તેઓ એમની જ પાર્ટીના બોસ ઉદ્ધવ ઠાકરેના અનુગામી બન્યા છે. ભારતીય જનતા પાર્ટીના ટેકા સાથે એમણે પોતાની સરકાર રચવાનો દાવો કર્યો છે. પોતાને 50 વિધાનસભ્યોનો ટેકો હોવાનો પણ એમણે દાવો કર્યો છે. 288-સભ્યોની મહારાષ્ટ્ર વિધાનસભામાં સરકાર રચવા માટે ઓછામાં ઓછા 144 વિધાનસભ્યોનો ટેકો હોવો જરૂરી છે. ગૃહમાં ભાજપના 106 સભ્યો છે.

શિંદેની સાથે નાયબ મુખ્યપ્રધાન તરીકે ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શપથ લીધા છે. અગાઉ ફડણવીસે એવી જાહેરાત કરી હતી કે પોતે કોઈ પદ નહીં લે અને સરકારની બહાર રહેશે, પરંતુ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડાની વિનંતીને પગલે તેઓ નાયબ મુખ્યપ્રધાન સ્વીકારવા તૈયાર થયા છે.

અગાઉની સરકાર શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસના સહયોગવાળી હતી.

અગાઉ બપોરે ફડણવીસે પત્રકાર પરિષદમાં જાહેરાત કરી છે કે રાજ્યના નવા મુખ્ય પ્રધાન એકનાથ શિંદે બનશે. પત્રકાર પરિષદમાં એમની સાથે શિંદે પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ધવ ઠાકરેએ પોતાની સરકાર લઘુમતીમાં આવી જતાં ગઈ કાલે રાતે ફેસબુક લાઈવ માધ્યમથી મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપી દીધું હતું.

 

એકનાથ શિંદે આજે સવારે ગોવાથી મુંબઈ આવ્યા હતા અને ફડણવીસને મળ્યા હતા. ત્યારબાદ બંને નેતા રાજભવન ખાતે ગયા હતા અને રાજ્યના ગવર્નર ભગતસિંહ કોશિયારીને મળ્યા હતા અને સરકાર રચવાનો દાવો કર્યો હતો.

શિંદેએ પત્રકારોને કહ્યું હતું કે એમને 50 વિધાનસભ્યોનો ટેકો છે. ‘અમે બાળાસાહેબ ઠાકરેના હિન્દુત્વને વરેલા છીએ અને અમારા વિધાનસભ્યોના મતવિસ્તારોમાં વિકાસકાર્યો કરવા પ્રતિબદ્ધ છીએ. શિંદેએ આમ કરીને ફડણવીસનો આભાર માન્યો હતો અને કહ્યું કે ફડણવીસે ધાર્યું હોત તો તેઓ મુખ્ય પ્રધાન બની શક્યા હોત, કારણ કે વિધાનસભામાં એમની પાર્ટીના સૌથી વધારે – 106 સભ્યો છે. છતાં એમણે મોટું દિલ રાખ્યું છે. હું એમનો આભારી છું.’

ફડણવીસે એમ પણ કહ્યું કે, ‘શિંદેના નેતૃત્વ હેઠળ શિવસેનાના વિધાનસભ્યોએ એવી માગણી કરી હતી કે તેઓ કોંગ્રેસ અને એનસીપીની સાથે રહી શકે એમ નથી એટલે એમની સાથેનું ગઠબંધન સમાપ્ત કરો, પરંતુ એમની માગણી પૂરી ન થઈ એટલે એમણે પોતાનો અવાજ ઉઠાવ્યો હતો.’

મહારાષ્ટ્ર વિધાનસભામાં કુલ 288 બેઠક છે. સરકાર રચવા માટે કોઈ પણ પક્ષ કે પક્ષોના સમુહે 144 બેઠક જીતવી પડે. 2019ની ચૂંટણીમાં ભાજપ 106 બેઠક સાથે સૌથી મોટો પક્ષ બન્યો હતો જ્યારે શિવસેનાને 56, એનસીપીને 53, કોંગ્રેસને 44, બીવીએને 3, એસપીને 2, પીજેપીને 2, એઆઈએમઆઈએમને 2, પીડબલ્યુપીઆઈ, આરએસપી, જેએસએસ, સીપીઆઈ (એમ), એમએનએસ, એસડબલ્યુપીને 1-1 બેઠક મળી હતી જ્યારે 13 અપક્ષો પણ વિજયી થયા હતા. એક સીટ ખાલી પડી છે.

(વીડિયોઃ દીપક ધુરી)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular