Monday, May 19, 2025
Google search engine
HomeNewsNationalલોકડાઉન 2.0માં આજથી કેટલીક દુકાનો ખુલ્લી રાખવાની છૂટ

લોકડાઉન 2.0માં આજથી કેટલીક દુકાનો ખુલ્લી રાખવાની છૂટ

નવી દિલ્હીઃ કોરોના વાઈરસનો ફેલાવો રોકવા લાગુ કરાયેલા લોકડાઉનની બીજી મુદત ચાલુ છે ત્યારે કેન્દ્ર સરકારે આજથી ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં કેટલીક દુકાનોને નિયમોના પાલનની શરતે ખુલ્લી રાખવાની છૂટ આપી છે. માત્ર નોન-હોટસ્પોટ મોહલ્લાઓમાં જ દુકાનો ખોલી શકાશે.

સરકારે એક સર્ક્યૂલર બહાર પાડીને જણાવ્યું છે કે મ્યુનિસિપલ સીમાની બહારના વિસ્તારોમાં આવેલી બજારોની દુકાનોને ખુલ્લી રાખવાની પરવાનગી આપવામાં આવી છે, પરંતુ શરત એ છે કે એવી દુકાનોમાં માત્ર 50 ટકા સ્ટાફ જ હોવો જોઈએ.

દેશભરમાં કોરોના સામેનો જંગ હજી ચાલુ છે, પણ સરકારે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં દુકાનોને ખુલ્લી રાખવાના નિયમમાં થોડીક ઢીલ આપી છે.

ગૃહ મંત્રાલયે ગઈ કાલે મોડી રાતે આદેશ બહાર પાડીને સંબંધિત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રજિસ્ટર્ડ દુકાનોને અમુક શરતો પર ખુલ્લી રાખવાની છૂટ આપી છે.

જોકે નોન-હોટસ્પોટ મોહલ્લાઓમાં જ દુકાનો ખુલ્લી રાખી શકાશે અને તે પણ 50 ટકાના સ્ટાફ સાથે. વળી આ દુકાનોએ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું પણ કડક રીતે પાલન કરવું પડશે.

આમ છતાં શોપિંગ મોલ્સ, શોપિંગ કોમ્પલેક્સને ખુલ્લા રાખી શકાશે નહીં.

જાણો આજથી દેશભરમાં કઈ કઈ દુકાનો ખુલશે…

  • તમામ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશોમાં જે દુકાનો શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અંતર્ગત રજિસ્ટર્ડ હશે એમને જ આજથી ખુલ્લી રાખવા દેવામાં આવશે
  • રહેણાંક કોલોનીઓમાં કે નજીકમાં બનેલી એવી દુકાનો અને સ્ટેન્ડ-અલોન દુકાનો ખુલ્લી રાખી શકાશે, પરંતુ તે મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓની સીમાની બહાર હોવી જોઈએ.
  • મહાનગરપાલિકા અને નગરપાલિકાની સીમાની બહારની રજિસ્ટર્ડ માર્કેટ પણ આજથી ખુલ્લી રાખી શકાશે, પરંતુ દુકાનોમાં માત્ર 50 ટકા કર્મચારીઓને જ કામ પર રાખી શકાશે. તમામે ફેસ માસ્ક પહેરવો ફરજિયાત છે અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન કરવું પડશે.
  • નોન-હોટસ્પોટ વિસ્તારોમાં આજથી હેર કટિંગ સલૂન અને બ્યૂટી પાર્લર પણ ખુલ્લા રાખી શકાશે. ત્યાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમનું પાલન કરવું પડશે અને ફેસ માસ્ક પહેરવા પડશે.
  • ગ્રામીણ અને સેમી-ગ્રામીણ વિસ્તારોમાં પણ તમામ દુકાનોને ગૃહ મંત્રાલયની શરતો અનુસાર ખોલી શકાશે.
  • શહેરી વિસ્તારોમાં રહેણાંક સંકુલો નજીક બનેલી દુકાનો અને સ્ટેન્ડઅલોન દુકાનોમાં આજથી બિન-આવશ્યક ચીજવસ્તુઓનું વેચાણ અને સેવા પૂરી પાડવાનું ફરી શરૂ કરી શકાશે.
  • ગ્રામીણ વિસ્તારોમાં પણ તમામ પ્રકારની દુકાનોમાં બિન-આવશ્યક ચીજવસ્તુઓ અને સેવા પૂરી પાડવાનું આજથી ફરી શરૂ કરી શકાશે.
  • સિનેમા હોલ, શોપિંગ મોલ્સ, શોપિંગ કોમ્પલેક્સ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, જિમ્નેશિયમ, સ્વિમિંગ પૂલ, મનોરંજન પાર્ક, બીયર બાર, ઓડિટોરિયમ, એસેમ્બ્લી હોલ બંધ રહેશે
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular