Friday, August 15, 2025
Google search engine
HomeNewsNationalપેટ્રોલ-ડીઝલ પર વધુ ટેક્સથી આમ આદમી પર બોજઃ સિબ્બલ

પેટ્રોલ-ડીઝલ પર વધુ ટેક્સથી આમ આદમી પર બોજઃ સિબ્બલ

નવી દિલ્હીઃ કોંગ્રેસે પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સના વધારાને લઈને કેન્દ્ર સરકાર પર જોરદાર હુમલો કર્યો હતો. ટેક્સમાં વધારાને કારણે આમ આદમી પર વધુ બોજ નાખવાનો આરોપ લગાડતાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે દાવો કર્યો હતો કે કોરોના સંકટના સમયે પણ ભારતમાં પેટ્રોલ પર ટેક્સ વિશ્વમાં સૌથી વધુ 69 ટકા (બંગલાદેશ પછી) છે અને સરકાર સામાન્યજનને કોઈ રાહત આપી નથી રહી. સરકારે પેટ્રોલની કિંમતોમાં આજે પ્રતિ લિટરે 59 પૈસા અને ડીઝલની કિંમતોમાં 58 પૈસા પ્રતિ લિટરે વધારો કર્યો હતો. કિંમતોની સમીક્ષા 82 દિવસો સુધી સ્થગિત રહ્યા પછી સતત સાતમા દિવસે પેટ્રોલ-ડીઝલ મોંઘાં થયાં છે.  

ક્રૂડની કિંમતમાં ઘટાડો છતાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો

ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાને કહ્યું હતું કે એક મે, 2014એ દિલ્હીમાં પેટ્રોલની કિંમત રૂ. 71.41 હતી, જ્યારે વૈશ્વિક માર્કેટમાં ક્રૂડ ઓઇલની કિંમત રૂ. 106.85 હતી, જ્યારે 12 જૂન, 2020એ પેટ્રોલની કિંમત રૂ. 75.16 હતી, ત્યારે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલની કિંમત 38 ડોલર હતી.

ભારતમાં આ ટેક્સ 69 ટકા છે, જે વિશ્વમાં સૌથી વધુ

તેમણે જણાવ્યું હતું કે કિંમતોમાં ઉછાળાથી કેન્દ્ર સરકારને 270 ટકા ટેક્સમાં લાભ મળ્યો છે. આ સિવાય ડીઝલમાં 256 ટકા વધારો થયો છે. તેમણે કહ્યું હતું કે અમેરિકામા ઇંધણ પર ટેક્સ 19 ટકા, જાપાનમાં 47 ટકા, બ્રિટનમાં 62 ટકા, ફ્રાંસમાં 63 ટકા અને જર્મનીમાં 65 ટકા ટેક્સ છે, જ્યારે ભારતમાં આ ટેક્સ 69 ટકા છે, જે વિશ્વમાં સૌથી વધુ છે.

સરકાર પોતાનો ખજાનો ભરે છે

તેમણે દાવો કર્યો હતો કે સરકાર પોતાનો ખજાનો ભરી રહી છે, પણ બોજ આમ આદમી પર પડી રહ્યો છે. સિબ્બલના જણાવ્યા મુજબ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે કહ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થઈ રહ્યો છે, જેથી સ્પષ્ટ થાય છે કે કેન્દ્ર સરકાર નિષ્ફળ અને નકામી છે.

દેશની આર્થિક સ્થિતિ વિશે યોગ્ય માહિતી નહીં

તેમણે દાવો કર્યો હતો કે વડા પ્રધાન અને નાણાપ્રધાનને દેશની આર્થિક સ્થિતિ વિશે યોગ્ય માહિતી નથી. એટલા માટે પેટ્રોલ અને ડીઝલની કિંમતો સતત વધારવામાં આવી રહી છે અને સરકાર પાસે આવકનું બીજું કોઈ સાધન નથી.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular