Sunday, May 25, 2025
Google search engine
HomeNewsNationalમધ્ય પ્રદેશના 14 પ્રધાનો સામે ચૂંટણીપંચમાં ફરિયાદ

મધ્ય પ્રદેશના 14 પ્રધાનો સામે ચૂંટણીપંચમાં ફરિયાદ

ભોપાલઃ મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણના 14 પ્રધાનોની સામે કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. કોંગ્રેસે આ પ્રધાનો પર ચૂંટણીની આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવતાં તેમને પદથી દૂર કરવાની માગ કરી છે. મધ્ય પ્રદેશમાં 28 વિધાનસભા સીટો પર ત્રીજી નવેમ્બરે પેટા ચૂંટણી થવાની છે. આ બધા પ્રધાનો ભૂતપૂર્વ વિધાનસભ્યો છે અને પેટા-ચૂંટણી લડી રહ્યા છે.

કોંગ્રેસ પાર્ટીનો આરોપ છે કે આ બધા પ્રધાનો જીતવા માટે પોતાના પદ અને વર્ચસનો ખુલ્લેઆમ દુરુપયોગ કરી રહ્યા છે. જોકે સત્તારૂઢ ભાજપ સરકારે બધા આરોપોથી ઇનકાર કરી દીધો છે. ભાજપ સરકારે કહ્યું છે કે તેમના ઉમેદવારોમાંથી કોઈએ પણ પદનો દુરુપયોગ નથી કર્યો અને ના તો આચારસંહિતાની કોઈ જોગવાઈનું ઉલ્લંઘન કર્યું છે.  આ 14 પ્રધાનોએ આ વર્ષના પ્રારંભમાં કોંગ્રેસ પાર્ટી અને પોતાની વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું અને એ પછી ભાજપમાં સામેલ થઈ ગયા હતા. હવે આ પ્રધાનો રાજ્યમાં ત્રીજી નવેમ્બરે થનારી પેટા ચૂંટણી લડી રહ્યા છે.

કોંગ્રેસે મુખ્ય ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી

મધ્ય પ્રદેશ કોંગ્રેસ એકમે ગઈ કાલે આ પ્રધાનોની સામે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીને ફરિયાદ સોંપી હતી. કોંગ્રેસ પ્રવક્તા નરેન્દ્ર સલુજાએ આરોપ કર્યો હતો કે શિવરાજ સિંહ ચૌહાણા આ પ્રધાનો મતદાતાઓને આકર્ષવા માટે પોતાના પદોનો દુપયોગ કરી રહ્યા છે. ખોટી યોજનાઓની ઘોષણા કરી રહ્યા છે. તેમના પ્રભાવનો ઉપયોગ કરીને ખોટેખોટો ફાઉન્ડેશનનો પાયો નાખવા સમારોહ કરી રહ્યા છે. આ પ્રધાનો આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરી રહ્યા છે.

તેમણે કહ્યું હતું કે આ પ્રધાનોના વિભાગોમાં અધિકારી સત્તારૂઢ ભાજપના દબાણમાં કામ કરી રહ્યા છે, જેથી પાર્ટી માટે પ્રચાર કરી શકાય. સલુજાએ માગ કરી હતી કે આ પ્રધાનોને સ્વતંત્ર અને નિષ્પક્ષ પેટા ચૂંટણી માટે તત્કાળ પ્રભાવથી પોતાના પદ પરથી રાજીનામાં આપી દેવાં જોઈએ.

મધ્ય પ્રદેશના ભાજપ પ્રવક્તા પંકજ ચતુર્વેદીએ બધા આરાપોને નિરાધાર બતાવતાં ફગાવી દીધા હતા. તેમણે કહ્યું હતું કે આ પ્રકારના આરોપ લગાડવા માનસિક રૂપે હેરાનગતિ કરવાની છે. હવે આ પ્રધાનો જનતાની અદાલતમાં છે અને જનતા તેમની કિસ્મતનો નિર્ણય કરશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular