Thursday, May 22, 2025
Google search engine
HomeNewsNationalહિન્દુઓ કરતાં મુસ્લિમોમાં આ સમસ્યા 30% વધારે છે

હિન્દુઓ કરતાં મુસ્લિમોમાં આ સમસ્યા 30% વધારે છે

નવી દિલ્હીઃ એક સગીર વયની મુસ્લિમ છોકરીને લગ્ન કરવાની પંજાબ-હરિયાણા હાઈકોર્ટે તાજેતરમાં મંજૂરી આપી હતી. તેના આ નિર્ણયને બાળઅધિકારોના રક્ષણ માટેના રાષ્ટ્રીય પંચ (નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ – NCPCR)એ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે અને સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટના ઓર્ડર મામલે તપાસ કરાવવા સહમત થઈ છે. NCPCRની દલીલ છે કે હાઈકોર્ટનો ઓર્ડર બાળકોને જાતીય ગુનાઓ સામે રક્ષણ આપતા કાયદા (POCSO – પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ, 2012)ની જોગવાઈઓના ઉલ્લંઘન સમાન છે.

ઉલ્લેખનીય છે કે દેશમાં સમાન નાગરિક કાયદો લાગુ કરવાની પણ તરફેણ કરાઈ રહી છે. સમાજસુધારકો દેશમાં અમુક સમાજોમાં એમના અંગત કાયદા-રીતરિવાજો અનુસાર સગીર વયે કરાતા લગ્નોની સમસ્યા અંગે ચિંતિત છે. 2019-21 દરમિયાન હાથ ધરવામાં આવેલા રાષ્ટ્રીય કુટુંબ આરોગ્ય સર્વેક્ષણ (નેશનલ ફેમિલી હેલ્થ સર્વે) અનુસાર દેશમાં 20-24 વર્ષના વયજૂથમાં આવતી કુલ મહિલાઓમાંથી 23.3 ટકા મહિલાઓનાં લગ્ન તેઓ 18 વર્ષની થાય એ પહેલાં જ કરી દેવામાં આવે છે. સર્વેમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે દેશમાં દરરોજ ઓછામાં ઓછી 34 સગીર વયની બાળાઓનું અપહરણ કરવામાં આવે છે અને એમનાં બળજબરીથી લગ્ન કરી દેવામાં આવે છે.

સર્વેમાં જણાવાયું છે કે ભારતમાં 15-19 વર્ષની વચ્ચેની ઉંમર ધરાવતી આશરે 7 ટકા બાળાઓ ગર્ભવતી બની જતી હોય છે. આ પ્રમાણ મુસ્લિમ સમાજમાં સૌથી ઊંચું – 8.4 ટકા છે. ખ્રિસ્તીઓમાં આ પ્રમાણ 6.8 ટકા છે જ્યારે હિન્દુઓમાં 6.5 ટકા છે. આનો અર્થ એ થાય કે હિન્દુઓ કરતાં મુસ્લિમોમાં આ સમસ્યા 30 ટકા જેટલી વધારે છે. મુસ્લિમમોમાં ગર્ભનિરોધકોનો ઉપયોગ ઘણો ઓછો કરવામાં આવે છે. દેશમાં બાળલગ્નો કરવા બદલ હિન્દુઓને દંડ-સજા ફટકારવામાં આવે છે, પણ આ જ કાયદો મુસ્લિમોને લાગુ કરાતો નથી, કારણ કે તેઓ એમના અંગત કાયદાઓને અનુસરે છે. NCPCR સંસ્થા આમાં નિયમન લાવવા માગે છે. એણે સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી છે કે POCSO કાયદો સગીર વયનાં બાળકોની સુખાકારી માટે બનાવવામાં આવ્યો છે અને તે બિનસાંપ્રદાયિક પ્રકારનો છે. એને ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી. સંસ્થાનું માનવું છે કે જો સુપ્રીમ કોર્ટ આ મામલે પંજાબ-હરિયાણા હાઈકોર્ટના ઓર્ડરને રદબાતલ કરશે તો દેશમાં સમાન નાગરિક કાયદો લાગુ કરવાની દિશામાં મોટું આગેકદમ બની રહેશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular