Saturday, July 5, 2025
Google search engine
HomeNewsNationalડોડામાં એન્કાઉન્ટર દરમ્યાન કેપ્ટન શહીદ, ચાર આતંકવાદીઓ ઠાર

ડોડામાં એન્કાઉન્ટર દરમ્યાન કેપ્ટન શહીદ, ચાર આતંકવાદીઓ ઠાર

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં આશરે 40 કલાકથી આતંકવાદીઓ સાથે ચાલી રહેલી અથડામણ હજી સુધી જારી છે. જોકે આ એન્કાઉન્ટર દરમ્યાન ભારતીય સેનાની 48 રાષ્ટ્રીય રાઇફલ્સનો એક કેપ્ટન શહીદ થઈ ગયો છે, જ્યારે બીજી તરફ સેના દ્વારા ચાર આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે આ અથડામણમાં ચાર આતંકવાદીઓ ઠાર થયા હોવાની આશંકા છે. બંને બાજુથી ભારે ગોળીબાર વચ્ચે આતંકવાદીઓની શોધખોળ કરવામાં આવી રહી છે. આ અથડામણમાં એક આતંકવાદી ઘાયલ થયો હોવાની માહિતી છે. આ વિસ્તારમાં સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સુરક્ષા દળોને એમ4 રાઇફલ મળી આવી છે. આ ઉપરાંત દારૂગોળો અને લોજિસ્ટિક્સ સામગ્રી પણ મળી આવી છે. આ સાથે જ ત્રણ બેગ પણ જપ્ત કરવામાં આવી છે. બીજી તરફ સર્ચ ટીમનું નેતૃત્વ કરતી વખતે એક સૈન્ય અધિકારી ઘાયલ થયાની પણ માહિતી મળી છે.

સુરક્ષા દળોએ આતંકવાદીઓની યોગ્ય સંખ્યાની માહિતી મેળવવા માટે ડ્રોનનો સહારો લીધો હતો.  સેના સંપૂર્ણ વિસ્તારમાં સર્ચ કરી રહી છે અને સુરક્ષા દળ ઘેરો મજબૂત કરી રહી છે. સેનાના જમ્મુ-કાશ્મીર પોલીસના કમાન્ડો પણ આ ઓપરેશનમાં સામેલ છે.

સિયોજધાર વિસ્તારમાં આતંકવાદીઓ દેખાયા હતા, પરંતુ તેઓ ધુમ્મસનો લાભ ઉઠાવીને નાસી છૂટ્યા હતા. સિયોજધાર વિસ્તારમાં ખરાબ હવામાનને કારણે એટલું ધુમ્મસ હતું કે બે ફૂટના અંતર સુધી પણ જોવું મુશ્કેલ હતું. જેને કારણે સુરક્ષા દળોને સર્ચ ઓપરેશનમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આતંકવાદીઓના ગયા બાદ સુરક્ષા દળોએ ડોડા તરફ સુરક્ષા ઘેરો વધારી દીધો હતો. એક અઠવાડિયા પહેલા પણ ડૂડૂ બસંતગઢમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર થયો હતો. ત્યારે પણ આતંકવાદીઓ ભાગી ગયા હતા. એક અઠવાડિયાથી સુરક્ષા દળોએ જંગલમાં જ આ આતંકવાદીઓને ઘેરી લીધા હતા, પરંતુ ખરાબ હવામાન આ આતંકવાદીઓ માટે ઢાલ બની રહ્યું છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular