Wednesday, May 21, 2025
Google search engine
HomeNewsNationalઅયોધ્યામાં રામ મંદિરના નિર્માણનું ભૂમિપૂજન નવરાત્રિમાં થવાની શક્યતા

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનું ભૂમિપૂજન નવરાત્રિમાં થવાની શક્યતા

અયોધ્યાઃ અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણની તૈયારીઓ લગભગ પૂરી થઈ ચૂકી છે, પણ હવે રાહ જોવાય છે શુભ તારીખ અને શુભ મુહૂર્તની, જેથી ભૂમિ પૂજન થયા પછી નિર્માણ કાર્ય ઝડપથી થઈ શકે. હવે નિર્માણ કાર્યના શ્રીગણેશનું એક ઓર મુહૂર્ત નીકળ્યું છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ન્યાસના સૂત્રોએ સંકેત આપ્યા છે કે આસો શુક્લ પક્ષની દસમી અથવા વિજયા દશમીની આસપાસ ભવ્ય સમારોહની વચ્ચે રામ મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવે એવી શક્યતા છે. આમ રામ મંદિર બનાવવવાનો પ્રારંભ ઓક્ટોબરમાં શરૂ થશે.

12 મુહૂર્ત અત્યાર સુધી ટાળવામાં આવ્યા

આમ તો ચાતુર્માસને કારણે આસો માસની અમાસ સુધી શુભ કાર્યો કરવાનું કોઈ મુહુર્ત નથી. આવામાં સૌથી સારું મુહુર્ત નવરાત્રિનું જ છે. આમ તો શ્રીરામ મંદિરના ભૂમિ પૂજનને લઈને કેટલીય વાર તારીખ બદલાઈ ચૂકી છે. આવામાં 12 મુહૂર્ત અત્યાર સુધી ટાળવામાં આવ્યા છે.

ન્યાસનાં સૂત્રોના જણાવ્યા મુજબ આશરે 78 એકરની જમીનમાં બાકી અન્ય ઇમારતો અને અન્ય બાંધકામનું કામ ચાલુ છે. વિશ્વ હિન્દુ પરિષદે પણ સંકેત આપ્યા છે કે દેશભરમાં કોરોનાની સ્થિતિ પર કાબૂમાં આવશે અને બધી સાનુકૂળતા હશે તો દુર્ગા પૂજા દરમ્યાન ભૂમિપૂજન કરવામાં આવે એવી સંભાવના છે.

વડા પ્રધાનને શિલાન્યાસ કરવા માટે અયોધ્યા આવવાનું નિમંત્રણ

હાલમાં જ 26 જૂને વિશ્વ હિન્દુ પરિષદની બેઠક અયોધ્યામાં થઈ હતી, જેમાં આ મુદ્દે ઘણો વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. સંતોએ પણ એક પત્ર લખીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ભગવાન શ્રીરામના મંદિરનો શિલાન્યાસ કરવા માટે અયોધ્યા આવવાનું નિમંત્રણ આપ્યું હતું. ઓક્ટોબરમાં થનારા શિલાન્યાસ કાર્યક્રમનું એક ભવ્ય આયોજન બનાવવા માટે મોટા પાયે એનું બ્રાન્ડિંગ પણ કરવામાં આવશે.

ઓક્ટોબરમાં જ શરૂ થશે મસ્જિદ નિર્માણ

બીજી બાજુ, સુન્ની વકફ બોર્ડે પણ નક્કી કર્યું છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલી પાંચ એકર જમીન પર અયોધ્યામાં મસ્જિદનું નિર્માણ કાર્ય ઓક્ટોબરમાં જ શરૂ થશે. અયોધ્યા શહેરથી 22 કિલોમીટર દૂર સોહાવલ તાલુકાના ધન્નીપુર ગામમાં મસ્જિદના નિર્માણ માટે પાંચ એકર જમીન સુન્ની વકફ બોર્ડને સાત માર્ચે આપવામાં આવી છે. યોગી સરકાર દ્વારા સુન્ની વકફ બોર્ડના કાર્યકાળને છ મહિના વધાર્યા પછી પહેલી વાર મિડિયાથી વાતચીત કરતા બોર્ડના અધ્યક્ષ ઝુફર ફારુકીએ કહ્યું હતું કે મસ્જિદના નિર્માણ માટે 14 સભ્યોના ટ્રસ્ટની રચના કરવામાં આવી છે. આ ટ્રસ્ટમાં વરિષ્ઠ ધર્મગુરુ અને વાસ્તુવિદોને પણ સામેલ કરવામાં આવ્યા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular