મુંબઈઃ ટેલિવિઝનની લોકપ્રિય સિરિયલ ‘રામાયણ’માં રાવણની ભૂમિકા ભજવનાર કલાકાર અરવિંદ ત્રિવેદીના નિધનના સમાચાર છેલ્લા અમુક દિવસોથી સોશિયલ મિડિયા પર ફરતા હતા, પણ એ તદ્દન ખોટા છે. અરવિંદભાઈના નિધનની અફવા આજે પણ સોશિયલ મિડિયા પર ચાલી હતી. પરંતુ સાંજે તેમના ભત્રીજા કૌસ્તુભ ત્રિવેદીએ ફેસબુક અને ટ્વિટર પર મેસેજ મૂકીને સ્પષ્ટતા કરી હતી કે એમના કાકા અરવિંદ ત્રિવેદી એકદમ સ્વસ્થ અને કુશળ છે અને તેમના નિધન વિશેની ખોટી અફવા કોઈ ફેલાવે નહીં.
કૌસ્તુભે ટ્વીટ કર્યું
ભૂતપૂર્વ રંગભૂમિ કલાકાર અને નિર્માતા કૌસ્તુભ ત્રિવેદીએ ટવીટ કર્યું હતું કે પ્રિય સર્વજન, મારા કારા અરવિંદ ત્રિવેદી ‘લંકેશ’ સંપૂર્ણ રીતે સ્વસ્થ છે અને સુરક્ષિત પણ છે. તમને સૌને વિનંતી છે કે અફવા ફેલાવશો નહીં અને આવી અફવા માનશો પણ નહીં. કૃપયા તેમના કુશળ હોવાના સમાચાર ફેલાવો. આભાર.

અરવિંદ ત્રિવેદીએ પણ કર્યું ટ્વીટ
આ પહેલાં રવિવારે બપોરે અરવિંદ ત્રિવેદીએ પણ એક ટ્વીટ કરીને ‘શ્રીકૃષ્ણ’ સિરિયલમાં સર્વદમન બેનરજીનું સોશિયલ મિડિયા પર સ્વાગત કરતું એક ટ્વીટ કર્યું હતું. જેમાં તેમણે લખ્યું હતું કે ‘જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે, તમારું.’






