Friday, May 16, 2025
Google search engine
HomeNewsNational"દેશના ગદ્દારોને ગોળી મારો" જેવા નિવેદનોથી પાર્ટીને દિલ્હીમાં નુકસાન થયુઃ અમિત શાહ

“દેશના ગદ્દારોને ગોળી મારો” જેવા નિવેદનોથી પાર્ટીને દિલ્હીમાં નુકસાન થયુઃ અમિત શાહ

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપના કેટલાક નેતાઓએ જીભ પર કાબુ ગુમાવ્યો અને વિવાદિત નિવેદન આપ્યા હતા. ચૂંટણી પંચે તેના પ્રચાર પર પ્રતિબંધ લગાવી દીધો હતો અને હવે ખુદ કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ભાજપના પૂર્વ અધ્યક્ષ અમિત શાહે ગુરૂવારે સ્વીકાર્યું કે, આવા નિવેદનોથી પાર્ટીના પ્રદર્શન પર અસર પડી છે. મહત્વનું છે કે હાલમાં થયેલી દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામથી ભાજપનું સરકાર બનાવવાનું સપનું તૂટી ગયું હતું. પાછલી ચૂંટણીની તુલનામાં ભાજપે ભલે સારૂ પ્રદર્શન કર્યું, પરંતુ સરકાર બનાવવાની સ્થિતિમાં પહોંચી શકી નહીં. તો ચૂંટણીમાં હારનો સ્વીકાર કરતા શાહે કહ્યું કે, પાર્ટી પહેલાથી દિલ્હીમાં હારેલી હતી.

ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના નેતા તથા નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે દેશના ગદ્દારો… નિવેદન આપીને વિવાદ ઉભો કર્યો હતો. અમિત શાહે કહ્યું કે, આવા નિવેદનો ન આપવા જોઈએ. તેનાથી પાર્ટીને નુકસાન થાય છે. પરંતુ તેમણે આગળ પીએમ મોદી પર રાહુલ ગાંધીના ડંડા વાળા નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, ભાજપના નેતાઓના નિવેદનોને જે રીતે જોર-શોરથી દેખાડવામાં આવ્યા, તે રીતે રાહુલનું નિવેદન દેખાડવામાં નહોતું આવ્યું.

ગૃહ પ્રધાન અમિત શાહે દિલ્હી ચૂંટણીમાં ઘણી રેલીઓ અને રોડ શો કર્યાં હતા. તેમણે પાર્ટીની હાર સ્વીકારતા કહ્યું, ‘મોદીજી હજુ થોડા સમય પહેલા સૌથી મોટી બહુમતી સાથે વિજયી થયા. હવે સાચી વાત છે કે કેટલાક રાજ્યોમાં સફળતા ન મળી પરંતુ તેનો મતલબ નથી કે લોકોને ભાજપ પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. મહારાષ્ટ્રમાં અમે ચૂંટણી જીત્યા. હરિયાણામાં માત્ર 6 સીટ ઓછી રહી ગઈ. ઝારખંડમાં અમે હાર્યા અને દિલ્હી તો અમે પહેલાથી જ હારેલા હતા છતાં તેમાં વોટ શેર અને સીટોમાં વધારો થયો છે.’

મહત્વનું છે કે સાતમી વિધાનસભા માટે યોજાયેલી ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી (આપ)એ પોતાની જીતનું પુનરાવર્તન કરતા શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે ભલે 5 સીટનું નુકસાન ઉઠાવવું પડ્યું હોય પરંતુ પ્રચંડ બહુમત હાસિલ કરીને 70 સીટોમાંથી 62 સીટો પર કબજો કર્યો છે.

તો કોંગ્રેસનું ખાતું ન ખુલ્યું અને તેના 63 ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ ગઈ હતી. જ્યારે મુખ્ય વિરોધી ભાજપે માત્ર 8 સીટથી સંતોષ કરવો પડ્યો છે. 2015ની તુલનામાં ભાજપને 5 સીટનો ફાયદો જરૂર થયો છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular