Saturday, May 17, 2025
Google search engine
HomeNewsNational16 વિદેશી રાજદૂતો જમ્મુ-કશ્મીરની મુલાકાત માટે શ્રીનગર પહોંચ્યાં

16 વિદેશી રાજદૂતો જમ્મુ-કશ્મીરની મુલાકાત માટે શ્રીનગર પહોંચ્યાં

શ્રીનગર – લેટિન અમેરિકા, આફ્રિકા અને મધ્યપૂર્વ વિસ્તારોના અમુક દેશોનાં 16 રાજદૂતો કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરની મુલાકાત માટે આજે અહીં આવી પહોંચ્યાં છે. તેઓ અહીં બે દિવસ રહેશે અને પ્રદેશમાંની સુરક્ષા પરિસ્થિતિની જાણકારી મેળવશે.

આ રાજદૂતો નાગરિક સમાજનાં આગેવાનોને પણ મળવાના છે.

આજના પ્રતિનિધિમંડળમાં બ્રાઝિલ, ઉઝબેકિસ્તાન, નાઈઝર, નાઈજિરીયા, મોરોક્કો, ગયાના, આર્જેન્ટિના, ફિલિપીન્સ, નોર્વે, માલદીવ, ફિજી, ટોન્ગો, પેરુ તેમજ બાંગ્લાદેશના રાજદૂતોનો પણ સમાવેશ થાય છે.

2019ના ઓક્ટોબરમાં કેન્દ્ર સરકારે યુરોપીયન સંસદના 23 સભ્યોને કશ્મીરની મુલાકાત લેવાની પરવાનગી આપી હતી. એ નેતાઓ સ્થાનિક લોકોને મળ્યા હતા અને પ્રદેશમાં સુરક્ષા પરિસ્થિતિની જાણકારી મેળવી હતી.

ઉલ્લેખનીય છે કે કેન્દ્રની ભાજપ-એનડીએ સરકારે જમ્મુ અને કશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો આપતી બંધારણની વિવાદાસ્પદ કલમ 370ને 2019ની પાંચમી ઓગસ્ટે રદ કરી હતી. અને સાથોસાથ, જમ્મુ-કશ્મીરનો રાજ્યનો દરજ્જો રદ કરી એને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દીધો હતો. 370મી કલમ રદ થવાથી ભારતના સામાન્ય કાયદાઓ આ નવા રચાયેલા કેન્દ્રશાસિત પ્રદેશમાં લાગુ થયા છે. જમ્મુ અને કશ્મીર રાજ્યનો દરજ્જો રદ કરીને કેન્દ્ર સરકારે એનું બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વિભાજન કરી દીધું છે. એક છે જમ્મુ અને કશ્મીર અને બીજો છે લડાખ.

 

યુરોપીયન યુનિયનના દેશોના રાજદૂતો આજની મુલાકાતમાં જોડાયા નથી. એમણે કહ્યું છે કે તેઓ કોઈ અન્ય તારીખે જમ્મુ-કશ્મીર જશે. એ લોકો જમ્મુ-કશ્મીરના 3 ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો – ફારુક અબ્દુલ્લા, ઉમર અબ્દુલ્લા અને મેહબૂબા મુફ્તીને મળવા માગે છે, જેમને સરકારે નજરકેદમાં રાખ્યા છે.

16 વિદેશી રાજદૂતો આજે જમ્મુ-કશ્મીરના લેફ્ટેનન્ટ ગવર્નર જી.સી. મૂર્મૂ તથા અન્ય અધિકારીઓને પણ મળશે અને આવતીકાલે દિલ્હી જવા રવાના થશે.

બંધારણની 370મી કલમને રદ કરાયા બાદ કશ્મીર ખીણપ્રદેશમાં પ્રવર્તતી પરિસ્થિતિની જાતતપાસ કરવા માટે ત્યાં જવા દેવા માટે અનેક દેશોનાં રાજદૂતોએ કેન્દ્ર સરકારને વિનંતી કરી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular