Thursday, July 17, 2025
Google search engine
HomeNewsNationalકોરોના વાઈરસઃ જાપાનમાં ફસાયેલા 119 ભારતીયો આખરે દિલ્હી પહોંચ્યાં

કોરોના વાઈરસઃ જાપાનમાં ફસાયેલા 119 ભારતીયો આખરે દિલ્હી પહોંચ્યાં

નવી દિલ્હી: કોરોના વાઈરસને કારણે જાપાનના સમુદ્રકિનારે અટકાવી દેવામાં આવેલા ડાયમંડ પ્રિન્સેસ ક્રૂઝ જહાજમાં ફસાઈ ગયેલા 119 ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે ત્યાંથી બહાર કાઢીને સ્વદેશ લાવવામાં આવ્યા છે.

આ 119 ભારતીય નાગરિકોમાં 113 ક્રૂ સભ્યો છે અને છ પ્રવાસીઓ છે. દિલ્હી આવી પહોંચ્યા બાદ આ લોકોનાં ચહેરા પર રાહત અને આનંદ જોઈ શકાતો હતો.

ડાયમંડ પ્રિન્સેસ જહાજને જાપાનના યોકોહામા શહેરના સમુદ્રકિનારે અટકાવીને અલગ કરી દેવામાં આવ્યું હતું.

ભારતીય નાગરિકોને એ જહાજમાંથી એરલિફ્ટ કરીને એર ઈન્ડિયાના વિશેષ વિમાન દ્વારા આજે સવારે નવી દિલ્હી લાવવામાં આવ્યા હતા.

ડાયમંડ પ્રિન્સેસ જહાજ કોરોના વાયરસની ઝપટમાં આવી ગયા બાદ ઘણા દિવસોથી જાપાનના સમુદ્રકિનારે અટકાવી દેવાતાં એમાં સવાર થયેલા હજારો પ્રવાસીઓ ફસાઈ ગયા હતા.

ક્રૂઝ જહાજમાં 3,711 જણ સવાર થયા હતા. એમાં 138 ભારતીય હતા. એ ભારતીયોમાં 132 જણ ચાલક દળના સભ્યો હતા જ્યારે છ જણ પ્રવાસી હતા.

આ તમામ લોકો જહાજ દ્વારા જાપાનથી રવાના થયા હતા, પણ ત્યારબાદ કોરોના વાઈરસનો ચેપ લાગ્યો હોવાની શંકા જતાં જહાજને અટકાવી દેવામાં આવ્યું હતું અને અલગ પાડી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું તો 16 પ્રવાસીઓમાં કોરોના વાઈરસના લક્ષણો હોવાનું માલૂમ પડ્યું હતું.

ભારતે આજે એર ઈન્ડિયાના વિમાન દ્વારા ડાયમંડ પ્રિન્સેસ જહાજમાંથી ભારતીય નાગરિકોને ઉગારવાની સાથે પાંચ વિદેશી નાગરિકોને પણ ઉગાર્યા છે. એમાં શ્રીલંકા, નેપાળ, દક્ષિણ આફ્રિકા અને પેરુના એક-એક નાગરિકનો સમાવેશ થાય છે.

ડાયમંડ પ્રિન્સેસ જહાજમાંથી એક પ્રવાસી 25 જાન્યુઆરીએ હોંગ કોંગ ઉતર્યો હતો. બાદમાં એને કોરોના વાઈરસ લાગુ પડ્યાનું માલૂમ પડતાં 3 ફેબ્રુઆરીએ જહાજને જાપાનના યોકોહામા શહેરના સમુદ્રકિનારે જ અટકાવી દેવામાં આવ્યું હતું અને અલગ રાખી તબીબી પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા હતા.

ભારતીય નાગરિકોને એરલિફ્ટ કરવા દેવાની વ્યવસ્થા કરી આપવા બદલ વિદેશ પ્રધાન એસ. જયશંકરે જાપાનના સત્તાવાળાઓનો તેમજ એર ઈન્ડિયાનો આભાર માન્યો છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular