Tuesday, July 15, 2025
Google search engine
HomeNewsNationalપાંચ ફાઈટર રફાલ વિમાન ફ્રાંસથી ભારત આવવા રવાના

પાંચ ફાઈટર રફાલ વિમાન ફ્રાંસથી ભારત આવવા રવાના

નવી દિલ્હી:  જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી એ રફાલ ફાઈટર જેટ (Rafale Fighter Jet) વિમાન હવે ભારત આવી રહ્યા છે. આ વિમાનો ફ્રાન્સમાંથી રવાના થઈ ગયા છે. રફાલની એન્ટ્રીથી ભારતીય હવાઈ દળની તાકાતમાં વધારો થશે. ફ્રાન્સના મેરિગનેક એરબેઝથી 5 રફાલ ફાઈટર વિમાનોનો પ્રથમ જથ્થો રવાના થઈ ચુક્યો છે. 10 હજાર કિમીનું અંતર કાપીને તે બુધવારે ભારત પહોંચશે. લાંબા અંતરને પગલે UAEના અબુધાબીમાં રીફિલિંગ માટે આ વિમાનો થોડા સમય માટે રોકાશે. આ મલ્ટી-રોલ ફાઈટર જેટ્સ ભારતીય સેનામાં સામેલ થવાથી સેનાના શક્તિમાં ઘણો વધારો થશે. આ રફાલ ભારત આવ્યા બાદ 20 ઓગસ્ટના રોજ એક સમારોહ દરમિયાન તેમને સત્તાવાર રીતે હવાઈદળમાં સામેલ કરવામાં આવશે.

ફ્રાન્સના મેરિગનેક એરબેઝ પરથી રફાલે ઉડાન ભરી એ સમયે ત્યાં ભારતીય રાજદૂત જાવેદ અશરફ પણ હાજર રહ્યા હતા.તેમણે પાયલટની મુલાકાત કરી. તેમણે રફાલ ઉડાવનારા પહેલા ભારતીય પાયલટ્સને શુભેચ્છાઓ પાઠવી. આ સાથે જ ભારતીય દૂતાવાસ તરફથી એક રફાલનો એક વિડિયો શેર કરવામાં આવ્યો છે.

આ 5 રફાલ ફાઈટર જેટને 29 જુલાઈએ અંબાલા એરબેઝ ખાતે તૈનાત કરી દેવાશે. મહત્વની વાત એ છે કે અંબાલા એરબેઝ ચીનની સરહદથી માત્ર 200 કિમી દૂર છે. અંબાલામાં 17મી સ્ક્વાડ્રન ગોલ્ડન એરોજ રફાલની પહેલી સ્ક્વાડ્રન હશે.

રફાલ ડીએચ(ટૂ-સીટર) અને રફાલ ઈએચ(સિંગલ સીટર), બન્ને ટ્વિન એન્જિન, ડેલ્ટા-વિંગ, સીમે સ્ટીલ્થ કેપેબિલિટીઝ સાથે ચોથી જનરેશનના ફાઈટર જેટ છે. આ જેટથી પરમાણુ હુમલો પણ કરી શકાય છે. આ ફાઈટર જેટને રડાર ક્રોસ-સેક્શન અને ઈન્ફ્રા-રેડ-સિગ્નેચર સાથે ડિઝાઈન કરાયું છે. જેમાં ગ્લાસ કોકપિટ છે. આ સાથે જ એક કોમ્યુટર સિસ્ટમ પણ છે, જે પાયલટને કમાન્ડ અને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

જેમાં શક્તિશાળી M88 એન્જિન લાગેલું છે. રાફેલમાં એક એડવાન્સ એવિયોનિક્સ સૂટ પણ છે. જેમાં લાગેલા રડાર, ઈલેક્ટ્રોનિક્સ કોમ્યુનિકેશન સિસ્ટમ અને સેલ્ફ પ્રોટેક્શન ઈક્વિપમેન્ટનો ખર્ચ આખા વિમાનની કુલ કિંમતના 30 ટકા છે. આ જેટમાં RBE 2AA એક્ટિવ ઈલેક્ટ્રોનિકલી સ્કૈન્ડ એરે(AESA)રડાર લાગેલા છે, જે લો-ઓબ્ઝર્વેશન ટાર્ગેટને ઓળખવામાં મદદ કરે છે.

રફાલ આધુનિક હથિયારથી સજ્જ છે. વાયુસેના તેને હેમર મિસાઈલથી સજ્જ કરાવી રહી છે. વાયુસેનાની જરૂરને ધ્યાનમાં રાખીને ફ્રાન્સના અધિકારીઓએ કોઈ બીજા માટે તૈયાર કરાયેલા સ્ટોકમાંથી ભારતને હેમર આપવાનો નિર્ણય કર્યો હતો. હેમર(હાઈલી એજાઈલ મોડ્યૂલર મ્યૂનિશન એક્સટેન્ડેડ રેન્જ)મીડિયમ રેન્જ મિસાઈલ છે, જેને ફ્રાન્સની વાયુસેના અને નેવી માટે બનાવાઈ હતી. જે આકાશમાંથી જમીન પર પ્રહાર કરવા સક્ષમ છે. હેમર લદાખ જેવા પહાડી વિસ્તારમાં પણ સૌથી મજબૂત શેલ્ટર અને બંકરોને નષ્ટ કરી શકે છે.

રાફેલ સિંથેટિક અપરચર રડાર(SAR) પણ છે, જે સરળતાથી જામ ન થઈ શકે. જ્યારે આમા લાગેલું સ્પેક્ટ્રા લાંબા અંતરના ટાર્ગેટને પણ ઓળખી શકે છે. આ બધા સિવાય કોઈ પણ જોખમની સ્થિતિમાં તેમાં લાગેલું રડાર વોર્નિંગ રિસીવર, લેજર વોર્નિંગ અને મિસાઈલ એપ્રોચ વોર્નિંગ એલર્ટ થઈ જાય છે અને રડારને જામ થતા બચાવે છે.

મહત્વનું છે કે, ભારતે ફ્રાન્સ પાસેથી 36 રફાલ લડાકુ વિમાનો ખરીદવા માટે હસ્તાક્ષર કર્યા છે. પ્રથમ જથ્થામાં 10 લડાકુ વિમાનો ભારતને સોંપવાના હતા પરંતુ તૈયાર ન થવાને કારણે માત્ર 5 વિમાન ભારત આવી રહ્યા છે. ગયા મહિને જ સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે ફ્રેન્ચ સંરક્ષણ પ્રધાન સાથે આ વિશે વાત કરી હતી, જેમણે રફાલને સમયસર પહોંચાડવાની ખાતરી આપી હતી. ચીન સાથે ચાલી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને આ વિમાન ભારતીય વાયુસેનાની તાકાતમાં પણ વધારો કરશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular