Sunday, May 25, 2025
Google search engine
HomeNewsMumbaiગૃહપ્રધાન સામે ફરિયાદઃ હાઈકોર્ટે પરમબીરસિંહને ઠપકો આપ્યો

ગૃહપ્રધાન સામે ફરિયાદઃ હાઈકોર્ટે પરમબીરસિંહને ઠપકો આપ્યો

મુંબઈઃ મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અનિલ દેશમુખ વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને ખંડણી વસૂલવાની ગેરપ્રવૃત્તિ વિશે આરોપ મૂકીને કેસ કરનાર મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહને ઊલટું, મુંબઈ હાઈકોર્ટનો ઠપકો સાંભળવો પડ્યો છે.

મહારાષ્ટ્રના ચીફ જસ્ટિસ દિપંકર દત્તા અને ન્યાયમૂર્તિ જી.એસ. કુલકર્ણીની વિભાગીય બેન્ચે પરમબીરસિંહની અરજી પર આજે સુનાવણી કરી હતી. ચીફ જસ્ટિસ દત્તાએ સિંહને કહ્યું કે, તમે પોલીસ કમિશનર પદે હતા ત્યારે એ વખતે તમને જ્યારે જણાયું કે તમારા બોસ કોઈક ગુનો કરી રહ્યા છે ત્યારે એ જ વખતે તમે ચૂપ રહ્યા હતા. એક પોલીસ અધિકારી તરીકે જો તમે એફઆઈઆર નોંધી નહોતી તો તમે તમારી ફરજમાં નિષ્ફળ ગયા ગણાવ. તમે એ જ વખતે ફરિયાદ કેમ નોંધાવી નહોતી? વળી, કોઈ એફઆઈઆર નોંધાયા વગર હાઈકોર્ટ આ બાબતમાં હસ્તક્ષેપ કરી શકે નહીં કે તપાસ હાથ ધરવા માટે સીબીઆઈઆ જેવી નિષ્પક્ષ એજન્સીને આદેશ આપી શકે નહીં. તમારા માટે યોગ્ય પગલું એ જ રહેશે કે તમે પહેલા પોલીસમાં ફરિયાદ નોંધાવો. જો પોલીસ એફઆઈઆર ન નોંધે તો તમે કોઈ મેજિસ્ટ્રેટ પાસે તમારો કેસ લઈ જાવ. આ કાયદા અનુસારની પ્રક્રિયા છે. તમે કાયદાથી અલગ નથી.

ઉલ્લેખનીય છે કે પરમબીરસિંહને મુંબઈના પોલીસ કમિશનર પદેથી હટાવીને હોમ ગાર્ડ્સ વિભાગના કમાન્ડર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમણે તાજેતરમાં દાવો કર્યો હતો કે દેશમુખે પોલીસ અધિકારી સચીન વાઝેને આદેશ આપ્યો હતો કે તેઓ મુંબઈના બીયર બાર અને રેસ્ટોરન્ટ માલિકો પાસેથી દર મહિને રૂ. 100 કરોડ ઉઘરાવે. દેશમુખે જોકે આ આરોપને નકારી કાઢ્યો છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular