Monday, May 19, 2025
Google search engine
HomeNewsMumbaiઅમે કોઈનો બિઝનેસ છીનવી લેવા મુંબઈમાં નથી આવ્યા: યોગી આદિત્યનાથ

અમે કોઈનો બિઝનેસ છીનવી લેવા મુંબઈમાં નથી આવ્યા: યોગી આદિત્યનાથ

મુંબઈઃ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આજે કહ્યું કે દેશના આર્થિક પાટનગરમાંથી ફિલ્મ બિઝનેસ છીનવી લેવાની એમના રાજ્યની કોઈ ઈચ્છા નથી. તે છતાં આ તો ખુલ્લી હરીફાઈ છે અને પ્રતિભાશાળી લોકો કામ કરી શકે એવું યોગ્ય વાતાવરણ અને સુરક્ષા જે પૂરા પાડે તો એને ઈન્વેસ્ટમેન્ટ મળે, એમ આદિત્યનાથે અહીં પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. આદિત્યનાથ લખનઉ મ્યુનિસિપલ કોર્પોરેશન (એલએમસી) બોન્ડ્સના મુંબઈ શેરબજાર (બોમ્બે સ્ટોક એક્સચેન્જ-બીએસઈ)માં લિસ્ટિંગ કાર્યક્રમમાં ભાગ લેવા માટે મુંબઈ આવ્યા છે.

મુંબઈમાંથી હિન્દી ફિલ્મ ઉદ્યોગ (ફિલ્મ સિટી)ની પ્રવૃત્તિઓને ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં લઈ જવાની યોજના આદિત્યનાથે અમુક દિવસો પૂર્વે જાહેર કર્યા બાદ મહારાષ્ટ્રમાં શાસક સંયુક્ત સરકારની પાર્ટીઓ – શિવસેના અને એનસીપીના નેતાઓએ વિરોધી મંતવ્ય રજૂ કર્યા છે. તેના સંદર્ભમાં આદિત્યનાથે આજે કહ્યું કે અમે કોઈનું ઈન્વેસ્ટમેન્ટ છીનવી લેવા માટે અહીં આવ્યા નથી. અમે તો કંઈક નવું સર્જન કરવા માગીએ છીએ. એ લોકો શા માટે આટલા બધા ચિંતિત થાય છે. અમે નવું વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર આપવાના છીએ. તેથી દરેક જણે વિશાળ મન રાખવું જોઈએ. અમે વધારે સારી સુવિધાઓ આપવાના છીએ. રાજ્યના ગૃહ પ્રધાન અને એનસીપીના નેતા અનિલ દેશમુખે કહ્યું છે કે મુંબઈમાંથી કંઈ પણ અન્યત્ર શિફ્ટ થવાનો કોઈ સવાલ જ ઊભો થતો નથી. મુંબઈનું ફિલ્મ સિટી પોતાની રીતે કામ કરશે, અને યૂપીનું ફિલ્મ સિટી એની રીતે કામ કરશે.

ઉલ્લેખનીય છે કે, શિવસેનાના નેતા સંજય રાઉતે આજે સવારે એમ કહ્યું હતું કે મુંબઈમાંથી ફિલ્મ સિટીને બીજે ક્યાંક લઈ જવી એ કંઈ ખાવાના કામ નથી. આવા પ્રયાસો અગાઉ પણ કરવામાં આવી ચૂક્યા છે. મુંબઈ જેવો ફિલ્મ ઉદ્યોગ બીજે ક્યાંક બનાવવો એ મુશ્કેલ છે. મુંબઈ શહેર ફિલ્મ ઉદ્યોગનો ભવ્ય ઈતિહાસ અને ભૂતકાળ ધરાવે છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે ચેતવણી ઉચ્ચારી હતી કે અમે અમારા રાજ્યમાંથી કોઈ પણ બિઝનેસને જબરદસ્તીથી લઈ જવા દઈશું નહીં. જો ઉચિત સ્પર્ધાની વાત હોય તો કોઈ રાજ્ય પ્રગતિ કરે તો મહારાષ્ટ્ર એની ઈર્ષ્યા કરતું નથી.

(તસવીરોઃ દીપક ધુરી)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular