‘કૃષિ-કોમોડિટી ક્ષેત્રની મોટી આશા પર ઠંડુ પાણી રેડતું એકદમ નિરાશાજનક બજેટ’

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને નવા દસકનું પહેલું બજેટ રજુ કર્યું હતું. કોરોનાવાઇરસની વિકટ સ્થિતિમાં કોઇ મોટા કરવેરાનો બોજ નાખ્યા વગર સમાજના નબળા વર્ગને ફાયદો થાય તેવું બજેટ નાણામંત્રીએ રજુ કર્યું છે પણ કૃષિ અને કોમોડિટી સેકટરની મોટી આશા પર નાણામંત્રીએ ઠંડુ પાણી રેડી દીધું હતું. ટૂંકમાં આ બંને સેકટર માટે કેન્દ્રીય બજેટ એકદમ નિરાશાજનક રહ્યું હતું.
દેશના ખેડૂતો દિલ્હીની સડક પર ત્રણ કૃષિ કાયદા રદ કરવા અને એમએસપી (મિનિમમ સપોર્ટ પ્રાઇસ)ને કાયદાકીય સ્વરૂપ આપવાની માગણી સાથે છેલ્લા ૬૮ દિવસથી આંદોલન કરી રહ્યા છે. આ આંદોલનને કારણે સમગ્ર દેશના દરેક નાગરિકોના જીવ હાલ ઉચ્ચક બન્યા છે. ખેડૂત અને બિન ખેડૂત બંનેને સ્પર્શતાં ત્રણ નવા કૃષિ કાયદાની આંટીધૂંટીમાં હાલ આખો દેશ ફસાયો છે ત્યારે બજેટમાં ખેડૂતો માટે કોઇ આશાસ્પદ જાહેરાત થવાની આશા છે. જે ખેડૂતો આંદોલનમાં નથી જોડાયા અથવા તો આંદોલનને સમર્થન નથી આપતાં તે ખેડૂતોને ખુશ કરવા સરકાર પ્રધાનમંત્રી સમ્માન નિધિ અંતર્ગત નાણાફાળવણીમાં વધારો કરશે તેવી આશા હતી. હાલ પ્રધાનમંત્રી સમ્માન નિધિ અંર્તગત દેશના ૧૪ કરોડ ખેડૂતો પરિવારોને દર વર્ષે ૬૦૦૦ રૂપિયા આપવામાં આવે છે તે વધારીને ૯૦૦૦ થી ૧૨ હજાર રૂપિયા કરવામાં આવશે તેવી ધારણા હતી પણ આવી કોઇ જાહેરાત બજેટમાં થઇ નથી.
ભાજપના પ્રવકતાના જણાવ્યા અનુસાર હાલ દેશમાં ૧૫ ટકા ખેડૂતોને જ એમએસપીની જ લાભ મળે છે. આંદોલન કરતાં ખેડૂતોની માગણી એમએસપી મેળવવાનો ખેડૂતોને અધિકાર આપવાની છે. બજેટમાં નાણામંત્રી ૨૦૧૩-૧૪માં સરકાર દ્વારા એમએસપીથી જે ખરીદી થતી હતી અને ૨૦૨૦-૨૧માં એમએસપીથી જે ખરીદી થઇ રહી છે તેની સરખામણી રજુ કરી છે. ઘઉં, ચોખા, કઠોળ, કપાસ અને તેલીબિયાંની ખરીદીની વાર્ષિક સરખામણી કરતાં આંકડા બજેટમાં રજુ કર્યા છે. એમએસપીની ખરીદીનો લાભ ૨૦૧૫ સુધી દેશના છ ટકા ખેડૂતોને જ મળતો હતો તેવું શાંતાકુમાર કમિટિએ રિપોર્ટ આપ્યો હતો તેમાં વધારો થયો છે તે વાત જુની છે તે બજેટમાં દોહરાવામાં આવી છે નાણામંત્રીએ કોઇ નવી જાહેરાત કરી નથી. હાલ મૂળ પ્રશ્ન એ છે કે દેશના ૮૫ ટકા ખેડૂતોને એમએસપીનો લાભ મળતો નથી. દેશના વધુમાં વધુ ખેડૂતોને એમએસપીનો લાભ મળે તેવી જાહેરાત થાય તેવી આશા હતી પણ તેવી કોઇ જાહેરાત બજેટમાં કરાઇ નથી.
બજેટમાં સરકાર કૃષિ ક્ષેત્રે અપાતા ધિરાણની નાણાફાળવણી વધારી છે, ગ્રામિણ વિકાસ માટેના ફંડ ૩૦ હજાર કરોડથી વધારીને ૪૦ હજાર કરોડ કર્યું છે. માઇક્રો ઇરિગેશન માટે ફંડ બમણું કરાયુ છે અને ઓપરેશન ગ્રીન સ્કીમમાં બટાટા, ટમેટા અને કાંદા સમાવિષ્ટ હતા તે વધારીને અન્ય ૨૨ પેરિસેબિલ કૃષિ પેદાશોનો ઉમેરો કર્યો છે. સરકારના લગભગ નિષ્ફળ ગયેલા અને બહુચર્ચિત ઇ-નામ પ્રોજેકટમાં ૧૦૦૦ મંડીઓ ઉમેરવાની બજેટમાં જાહેરાત કરાઇ છે. આ તમામ જાહેરાતો એકદમ ચીલાચાલુ અને દર વર્ષ જેવી જ છે તેમાં કંઇ નવીનતા કે ખેડૂતોને લાભ થાય તેવી બાબત નથી.
કૃષિની જેમ કોમોડિટી સેકટર માટે પણ એકદમ નિરાશાજનક બજેટ હતું. આત્મનિર્ભર ભારતની મોટી મોટી વાતો લાંબા સમયથી થઇ રહી છે. દેશની ખાદ્યતેલોની ૭૫ ટકા જરૂરિયાત આયાતથી પૂરી થઇ રહી છે ત્યારે તેલ-તૈલીબિયાં સેકટર દ્વારા દેશ ખાદ્યતેલોના ઉત્પાદનમાં આત્મનિર્ભર બને તે માટે ૪૦૦૦ થી ૫૦૦૦ કરોડ રૂપિયાનું ફંડ ફાળવવાની માગણી બજેટ અગાઉ કરાઇ હતી. આ ઉપરાંત પામની ખેતીને પ્લાન્ટેશનનો દરજ્જો આપવાની પણ માગણી લાંબા સમયથી થઇ રહી છે દેશના ખાદ્યતેલોના વપરાશ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાની માગણીનો બજેટમાં સ્વીકાર થયો નથી. ખાદ્યતેલોની આયાત ડયુટીમાં નજીવા ફેરફાર કરાયા છે તે નિર્ણય જરૂરી હતો. દેશમાં રાયડાનો પાક તૈયાર થઇ ચૂકયો છે ત્યારે ખાદ્યતેલોમાં ખાસ કરીને ક્રુડ પામતેલની ઇમ્પોર્ટ ડયુટીમાં સાડા પાંચ ટકાનો વધારો કરતાં રાયડાના ખેડૂતોને વધુ નુકશાન નહીં જાય.
કપાસના ખેડૂતો અને વેપારીઓ પાંચ ટકા રિવર્સ મિકેનિઝેમ ટેક્સથી લાંબા સમયથી પરેશાન છે, આ ટેક્સથી કપાસના વેપારીઓ, જીનર્સોને મોટું નુકશાન થઇ રહ્યું છે જેને દૂર કરવાની માગણી બજેટ પહેલા થઇ હતી પણ સ્વીકારાઇ નથી. રૂની એક્સપોર્ટ વધે તે માટે ડયુટી ડ્રોબેકનો લાભ આપવાની માગણી પણ કરાઈ હતી પણ તેનો પણ સ્વીકાર થયો નથી. સાત ટેક્સટાઇલ પાર્ક બનાવવાની જાહેરાત થોડી રાહત આપનારી છે.
સોના-ચાંદીની ઇમ્પોર્ટ ડયુટીમાં સરકારે બે થી ત્રણ ટકાનો ઘટાડો કર્યો છે. સોનાની ઇમ્પોર્ટ ડયુટી બે ટકાથી વધારીને સાડા બાર ટકા કરાઇ ત્યારથી ભારતીય જવેલરી ઇન્ડસ્ટ્રીઝ દુબઇ, અબુધાબી, કતાર, હોંગકોંગમાં ખસેડાઇ ચૂકી છે. ભારતીય જેમ્સ એન્ડ જવેલરીની એક્સપોર્ટને ડયુટી વધારાથી બહુ મોટો ધક્કો પડયો છે. સમગ્ર વિશ્વમાં ભારત એક જવેલરી હબ હતું તે સ્થાન બહુ પહેલાથી અન્ય દેશો લઇ ગયા છે ત્યારે સરકારે મોડે મોડે સોના-ચાંદીની ઇમ્પોર્ટ ડયુટીમાં ઘટાડો કર્યો છે. આ નિર્ણયથી હવે ભારતનું સ્થાન જે હતું તે પાછું આવવાની કોઇ શક્યતા નથી પણ સોનાની સ્મગલિંગમાં થોડો ઘટાડો થવાની શક્યતા છે પણ ડયુટી ઘટાડાથી સ્મગલરોના ધંધા બંધ થવાના નથી માત્ર તેના નફામાં થોડો ઘટાડો થશે.
સરકારે ગોલ્ડનું કોમોડિટી એક્સચેંજ ઊભુ કરવાની બજેટમાં જાહેરાત કરી હતી તેનાથી જવેલર્સને સોનું મેળવવામાં આસાની રહેશે તેમજ વટાણા, ચણા, કાબુલી ચણા અને મસૂરની આયાત ડયુટીમાં ફેરફાર કર્યો છે પણ તેનાથી કોઇ ફાયદો થવાની શક્યતા હાલ દેખાતી નથી.