
લાગલગાટ પોતાનું ત્રીજું અંદાજપત્ર રજૂ કનાર નાણાંપ્રધાન નિર્મલા સીતારામને વર્તમાન નાણાં ખરડો, 2021 દ્વારા જીએસટી સંબંધી કાયદાઓમાં અત્યંત મર્યાદિત સંખ્યામાં પરંતુ દૂરગામી અસરો ધરાવતાં અમુક મહત્ત્વના સુધારા સૂચવ્યા છે. આ સૂચિત જોગવાઈઓ પૈકી અમુક જોગવાઈઓ સંબંધી પર અત્રે દૃષ્ટિપાત કરીએ.
નાણાંપ્રધાને સીજીએસટી એક્ટ, 2017ના સેક્શન 35ના સબ-સેક્શન (5)ને રદબાતલ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ ઉપરાંત સેક્શન 44(1)ની જોગવાઈમાં પણ પ્રસ્તાવિત સુધારો સૂચવ્યો છે. આ બંને પ્રવર્તમાન જોગવાઈઓ અંતર્ગત હાલ અમુક મર્યાદાથી વધુ ટર્નઓવર ધરાવતાં કરદાતાઓએ ફોર્મ-9માં વાર્ષિક રિટર્ન અને ફોર્મ-9સીમાં રીનકસીલિએશન સ્ટેટમેન્ટ દાખલ કરવું આવશ્યક છે જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે કોસ્ટ એકાઉન્ટન્ટ દ્વારા પ્રમાણિત હોવું ફરજિયાત છે. સૂચિત સુધારા દ્વારા આ રીટર્ન કે સ્ટેટમેન્ટને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે કોસ્ટ એકાઉન્ટન્ટ દ્વારા પ્રમાણિત કરવાની આ જોગવાઈ દૂર કરવાનો પ્રસ્તાવ છે. એને બદલે કરદાતા સ્વ-પ્રમાણિત કરીને આ રીટર્ન કે સ્ટેટમેન્ટ દાખલ કરી શકશે.
આ સૂચિત જોગવાઈને કારણે વ્યાવસાયિકોના સમુદાયમાં સ્વાભાવિકપણે ચિંતા અને વસવસો થવાની લાગણી પ્રવર્તે છે.
અન્ય એક સુધારો મેમ્બર્સ ક્લબ, સોસાયટી વગેરેને સ્પર્શતો છે. સુપ્રીમ કોર્ટે તાજેતરમાં કલકતા ક્લબ લિમિટેડના કેસમાં આપેલા ચૂકાદા મુજબ આ પ્રકારની ક્લબ વગેરે પર `principle of mutuality’ના આધારે વેટ કે સર્વિસ ટેક્સ લાગૂ પડી શકાય નહી. આ ચૂકાદાની જીએસટીના કાયદા પર સંભવિત અસરોને ધ્યાનમાં રાખીને નાણાંપ્રધાને સીજીએસટી એક્ટ, 2017ના સેક્શન 7માં સમાવિષ્ટ `સપ્લાય’ની વ્યાખ્યામાં સુધારો સૂચવ્યો છે અને આ પ્રકારની ક્લબ કે સોસાયટી વગેરે પાસેથી જીએસટીની વસૂલાતમાં બાધા ન પડે એ માટે માર્ગ મોકળો કર્યો છે. અત્રે એ નોંધવું ઘટે કે આ સુચિત સુધારો પાછલી તારીખથી એટલે કે 1 જુલાઈ, 2017થી અમલમાં મૂકવાનો પ્રસ્તાવ છે.
આ અતિ મહત્ત્વના સુધારાને પાછલી તારીખથી અમલમાં મૂકવાનો પ્રસ્તાવ નિર્વિવાદપણે અનુચિત અને વિવાદાસ્પદ છે. આ મુદ્દે દાયકાઓથી વેટ કે સર્વિસ ટેક્સ ખાતા અને ક્લબ્સ કે સોસાયટીઓ વચ્ચે કાનૂની ગજગ્રાહ ચાલી રહ્યો હતો. આ સંજોગોમાં નાણાં મંત્રાલયે જીએસટીના કાયદામાં કોઈ ક્ષતિ કે ઉણપ ન રહી જાય એની ચીવટ રાખવી આવશ્યક અને અપેક્ષિત હતી. હવે જ્યારે સુપ્રીમ કોર્ટે આ મુદ્દે પોતાનો ઐતિહાસિક ચૂકાદો આપ્યો ત્યારે એની જીએસટી પરની સંભવિત અસરોને ધ્યાનમાં રાખીને એ ચૂકાદાને પાછલી તારીખથી જ અસંગત ઠેરવવાના આ પગલાંમાં ઔચિત્ય કેટલું એ એક પ્રશ્ન છે. નિર્વિવાદપણે આ સૂચિત જોગવાઈ પણ કાનૂની લડાઈમાં પરિણમશે.
આ ઉપરાંત અન્ય એક જોગવાઈ જીએસટીની વિલંબિત ચૂકવણી પર વ્યાજની વસૂલાત સંબંધિત છે. સીજીએસટી એક્ટ, 2017ના સેક્શન 50 (1)માં ફાઈનાન્સ એક્ટ, 2019 દ્વારા એક પ્રોવાઈઝો (proviso) દાખલ કરવામાં આવ્યો હતો. જીએસટી કાઉન્સિલની ભલામણને આધારે કરવામાં આવેલા આ સુધારાનો મૂળ હેતુ જ્યારે કરની વિલંબિત ચૂકવણી થાય ત્યારે કેવળ રોકડમાં ચૂકવાયેલ કરની રકમ પર જ વ્યાજની વસૂલાત કરવી અને ઈન્પૂટ ટેક્સ ક્રેડિટ થકી ભરપાઈ થયેલી રકમ પર વ્યાજ વસૂલ ન કરવાનો હતો. કાઉન્સિલની આ ભલામણ આ મુદ્દે ઊભા થયેલા કાનૂની વિવાદો અને કરદાતાઓની ચિંતા અને નારાજગીના પગલે કરવામાં આવી હતી. આ પ્રોવાઈઝોને પાછલી તારીખથી એટલે કે 1 જુલાઈ, 2017થી અમલમાં મૂકવાની પણ કાઉન્સિલે ભલામણ કરી હતી. જોકે, આ સુધારો નોટિફિકેશન નં.63/2020 સેન્ટ્રલ ટેક્સ દ્વારા 1 સપ્ટેમ્બર, 2020થી અમલમાં મૂકવામાં આવ્યો હતો અને એને પાછલી તારીખથી અમલમાં મૂકવામાં આવશે એવી બાંયધરી પણ બોર્ડે આપી હતી.
પ્રસ્તુત નાણાં ખરડાના ક્લોઝ 103 અન્વયે હવે સેક્શન 50(1)માં દાખલ કરવામાં આવેલા પ્રોવાઈઝોને સ્થાને એક નવો પ્રોવાઈઝો દાખલ કરવાનો પ્રસ્તાવ છે. આ નવા પ્રોવાઈઝોથી કરની વિલંબિત ચૂકવણી વખતે કેવળ રોકડ રૂપે ભરપાઈ થતાં કરની રકમ પર વ્યાજ વસૂલ કરવાની જોગવાઈ યથાવત્ રહે છે અને એને પાછલી તારીખથી એટલે કે 1 જુલાઈ, 2017થી જ અમલમાં મૂકવાનો પ્રસ્તાવ છે. પરંતુ અગાઉના પ્રસ્તાવમાં રહેલી ઉણપ અને એનાથી રેવન્યુને ગંભીર અસરો પહોંચી શકે એ શક્યતાને ધ્યાનમાં રાખીને આ નવો પ્રોવાઈઝો સૂચિત કરવામાં આવ્યો છે.
ઉપરોક્ત અમુક મહત્ત્વના સૂચિત સુધારા સિવાય અન્ય પ્રસ્તાવિક સુધારા પણ ધ્યાનમાં રખવા આવશ્યક છે.