‘સાત ટેક્સટાઇલ પાર્ક બનાવવાની જાહેરાતથી દેશની સ્પીનીંગ ઇન્ડસ્ટ્રીઝનો ઝડપી ગ્રોથ થશે’

કેન્દ્રીય બજેટમાં દેશમાં સાત ટેક્સટાઇલ પાર્ક ત્રણ વર્ષમાં બનાવવાની જાહેરાત કરવામાં આવી છે તેમજ રો-કોટન (કપાસ) અને કોટન વેસ્ટની ઇમ્પોર્ટ ડયુટી ઝીરોથી વધારીને દસ ટકા કરવામાં આવી છે તે વિશે કોટન એસોસીએશન ઓફ ઇન્ડિયાના પ્રેસિડન્ટ અતૂલ ગણાત્રાએ જણાવ્યું હતું કે કોટન એસોસીએશન ઓફ ઇન્ડિયાએ સ્પીનીંગ ઇન્ડસ્ટ્રીજને સપોર્ટ કરવા માટે માગણી કરી હતી તેને અનુસંધાને નાણામંત્રીએ સાત ટેક્સટાઇલ પાર્ક બનાવવાની જાહેરાત કરી છે જે એકદમ આવકાર્ય પગલું છે. ટેક્સટાઇલ પાર્કની મંજૂરીથી સ્પીનીંગ યુનિટો વધશે અને ભારત ટેક્સટાઇલ ક્ષેત્રે ચીનનો મજબૂત મૂકાબલો કરી શકશે. આ ઉપરાંત ટેક્સટાઇલ પાર્ક બનતાં રોજગારીની અનેક તકો વધશે. ટેક્સટાઇલ પાર્કમાં સામાન્ય રીતે જે કોઇ ઇન્ડસ્ટ્રીઝ શરૂ કરે તેને લેન્ડ, પાવર અને ટેકસના અનેક બેનિફીટ મળતાં હોઇ અનેક નવા યુનિટો ઊભા થઇ શકે છે. સરકારે રૂની ઇમ્પોર્ટ પર ડયુટી લગાડી તેનો કોઇ ફાયદો થાય તેવું લાગતું નથી કારણ કે ભારત નેટ એક્સપોર્ટર છે. ગત્ત વર્ષે ભારતે ૧૫ લાખ ગાંસડી રૂની ઇમ્પોર્ટ કરી હતી જે ચાલુ વર્ષે ૧૧ લાખ ગાંસડી કરે તેવો અંદાજ કોટન એડવાઇઝરી બોર્ડ મૂક્યો છે. વળી ભારત જે રૂની ઇમ્પોર્ટ કરે છે તે એકસ્ટ્રા લોગસ્ટેપલ પીમા, ગીઝા અને ઓસ્ટ્રેલિયન રૂ છે જેની લેન્થ ૩૩ થી ૩૫ મિલિમીટરની છે અને આ પ્રકારનું રૂ ભારતમાં બનતું નથી આથી સરકારના આ નિર્ણયથી ઇમ્પોર્ટમાં કોઇ ઘટાડો થવાની શક્યતા નથી.