Monday, May 19, 2025
Google search engine
HomeNewsMumbaiબે શરાબી વિમાનપ્રવાસીની મુંબઈ એરપોર્ટ પર ધરપકડ

બે શરાબી વિમાનપ્રવાસીની મુંબઈ એરપોર્ટ પર ધરપકડ

મુંબઈઃ ઈન્ડિગો એરલાઈનની દુબઈ-મુંબઈ ફ્લાઈટમાં દારૂ પીને ગેરવર્તન કરનાર બે પ્રવાસીની ધરપકડ કરવામાં આવી છે. એ બંને પ્રવાસીએ શરાબ પીધા બાદ ક્રૂ સભ્યો અને સહ-પ્રવાસીઓને ગાળો દઈને ગેરવર્તન કર્યું હતું. ફ્લાઈટ મુંબઈ આવી પહોંચ્યા બાદ એ બંને જણની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે એ બંનેને સ્થાનિક કોર્ટમાં ઊભા કર્યા હતા. કોર્ટે એમને જામીન પર છોડ્યા છે.

એક પ્રવાસી મુંબઈ નજીકના પાલઘર જિલ્લાના નાલાસોપારા ઉપનગરનો વતની છે જ્યારે બીજો મહારાષ્ટ્રના કોલ્હાપુર શહેરનો છે. તેઓ અખાતના દેશોમાં એક વર્ષ સુધી કામ કર્યા બાદ ભારત પાછા ફર્યા છે. એની ખુશીમાં એમણે એક ડ્યૂટી-ફ્રી શોપમાંથી ખરીદેલો શરાબ પીધો હતો. જ્યારે સહ-પ્રવાસીઓએ વાંધો ઉઠાવ્યો ત્યારે એ બંનેએ હંગામો મચાવી દીધો હતો. સહ-પ્રવાસીઓ સાથે ઝઘડો કર્યો હતો. ક્રૂ સભ્યો વચમાં પડ્યા તો એમને પણ ગાળો દીધી હતી. બેમાંના એક આરોપીએ વિમાનના આઈલ પર ચાલતા ચાલતા દારૂ પીધે રાખ્યો હતો. ક્રૂ સભ્યોએ એમની બોટલો જપ્ત કરી હતી.

આ બંને જણ સામે ભારતીય પીનલ કોડની કલમ 336 (અન્ય લોકોના જાન અને સલામતીને જોખમમાં મૂકવા) તેમજ એરક્રાફ્ટ રુલ્સની 21,22 અને 25મી કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે. ફ્લાઈટ સફરમાં હોય ત્યારે દારૂ ઢીંચીને બેકાબૂ બની ગેરવર્તન કરવાનો આ વર્ષમાં આ સાતમો કિસ્સો છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular