Saturday, May 17, 2025
Google search engine
HomeNewsMumbai'ગુજરાતની અસ્મિતાના જ્યોતિર્ધર' આચાર્ય હેમચન્દ્રસૂરિશ્વરજીના માતા 'પાહિણીદેવી'નાં એકપાત્રી અભિનય કાર્યક્રમે મંત્રમુગ્ધ કર્યાં

‘ગુજરાતની અસ્મિતાના જ્યોતિર્ધર’ આચાર્ય હેમચન્દ્રસૂરિશ્વરજીના માતા ‘પાહિણીદેવી’નાં એકપાત્રી અભિનય કાર્યક્રમે મંત્રમુગ્ધ કર્યાં

મુંબઈઃ સાહિત્ય, કળા, સંસ્કૃતિ અને વિજ્ઞાનના વિવિધ વિષયોને આવરી લઈને છેલ્લા નવ વર્ષથી સતત કાર્યક્રમોનું આયોજન કરતી સંસ્થા ‘સંવિત્તિ’એ ગઈ ૨૯ એપ્રિલની સાંજે ‘ગુજરાતની અસ્મિતાના જ્યોતિર્ધર’ એવા કલિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચન્દ્રસૂરિશ્વરજીના માતા ‘પાહિણીદેવી’નાં એકપાત્રી અભિનયના કાર્યક્રમનું આયોજન કર્યુ હતું. આ કાર્યક્રમ મારફત આચાર્યશ્રીના જીવન અને સર્જનને રજૂ કરવાનો પ્રયત્ન કરાયો હતો. અર્ચના જ્હોની શાહે એમનાં અભિનયથી પાહિણીદેવીના ભાવવિશ્વને પ્રગટ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યાં હતાં.

‘પાહિણીદેવી’નો એકપાત્રી અભિનય કરતાં અર્ચના જ્હોની શાહ

આ કાર્યક્રમના આરંભમાં સંવિત્તિના સ્થાપક સભ્ય હાર્દિક ભટ્ટે આવકાર વક્તવ્યમાં કળાકાર જ્હોની શાહ અને એમના પત્ની અર્ચના શાહનો પરિચય આપ્યો હતો. આ કાર્યક્રમ માટે સભાગૃહની સુવિધા આપનાર કાંદિવલી એજ્યુકેશન સોસાયટી સ્થાપિત કેઈએસ ઈન્ટરનેશનલ સ્કૂલના મેનેજમેન્ટનો આભાર વ્યકત કરવા સાથે તેમના માતૃભાષા પ્રત્યેના અભિગમની સરાહના કરી હતી.

પોતાના મધુર કંઠે ગીતો રજૂ કરતા હાર્દિક ભટ્ટ

‘શિવરંજની’ના પ્રણેતા જ્હોની શાહે આરંભમાં આચાર્યશ્રી હેમચન્દ્રસૂરિશ્વરજીનો પરિચય આપતા કહ્યું હતું કે, ‘તેઓ સંસ્કૃતના મહાવિદ્વાન તો હતા જ, પરંતુ ઉચ્ચ કોટિના જૈન સાધુ પણ હતા. સોલંકીયુગના બે મહાપરાક્રમી રાજાઓ સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળને એમણે માર્ગદર્શન પુરું પાડ્યું હતું. એમની વાણીએ ગુજરાતમાં સંસ્કારની સરવાણી વહાવી હતી.’

જ્હોની શાહે વધુમાં કહ્યું કે, ગુજરાતી સાહિત્યને વરેલી અને પંચોતેર જેટલા સાહિત્યિક કાર્યક્રમોથી મુંબઈના ગુજરાતીઓને ભીંજવનારી સંવિત્તિ સંસ્થાએ અમને જૈનસંતો દ્વારા રચિત કેટલીક સુંદર રચનાઓ રજૂ કરવાની જે તક આપી છે તે માટે તેના સર્વ પદાધિકારીઓનો ઋણ સ્વીકાર કરીએ છીએ. જૈન સાહિત્યના મહત્ત્વ વિશે કનૈયાલાલ મુનશી નોંધે છેઃ ‘જૈન સાહિત્યમાં છુપાયેલા ઈતિહાસને મહામહેનતે છતો કરવો, તે ભગીરથ કાર્ય ગુજરાતના ઈતિહાસકારો આગળ પડ્યું છે. અને જેટલે અંશે તે કાર્ય થશે, તેટલે જ અંશે ગુજરાતનો મધ્યકાલીન ઈતિહાસ લખાશે, કારણ કે એ સમયનાં ઈતિહાસના સાધનોમાં મુખ્ય જૈનસાહિત્ય છે.’

જ્હોની શાહે શરૂમાં પોતાના સુરીલા-મધુર કંઠે બંધુ-ત્રિપુટીના આનંદ મહારાજ સાહેબના કેટલાંક ગીતોની સાથે આચાર્યશ્રી વિશેની વાતો રજૂ કરી હતી. જેને શ્રોતાઓએ મોજથી માણી હતી, કારણ કે આ ગીતો-કવિતામાં ભરપૂર આધ્યાત્મિક રસ અને ભાવ રહ્યા હતા.

જ્હોની શાહ દ્વારા સુરીલા-મધુર કંઠમાં બંધુ-ત્રિપુટીના આનંદ મહારાજ સાહેબના કેટલાંક ગીતોની રજૂઆત. તબલા પર છે વિમલ શાહ

ત્યારબાદ અર્ચના જ્હોની શાહે આચાર્ય હેમચન્દ્રસૂરિશ્વરજીનાં માતા પાહિણીદેવીની ભાવનાને ઉજાગર કરતો એકપાત્રી અભિનય કરી સૌને મંત્રમુગ્ધ કર્યાં હતાં. આ એકપાત્રી અભિનય એક કલાક જેટલો સમય ચાલ્યો હોવા છતાં શ્રોતાઓમાં તેનો રસ જાળવી રાખ્યો હતો. એકેક સંવાદ, હાવભાવ, અભિવ્યકિત, માતૃત્વ ભાવ દ્વારા અર્ચનાબેને પાહિણીદેવીના પાત્રને આત્મસાત કરી દીધું  હતું.

આ પ્રસંગે સાહિત્યકાર-વિચારક ડો. દિનકર જોષી તેમજ કેઈએસના વાઈસ-પ્રેસિડન્ટ મહેશ શાહ સહિત વિવિધ અગ્રણીઓ હાજર રહ્યા હતા.

મહેશભાઈએ કહ્યું કે, ‘આપણું મન એક મિનિટ પણ શાંત બેસતું નથી, પરંતુ આ કાર્યક્રમ આપણને બે કલાક સુધી એકાગ્રતામાં લઈ ગયો હતો. આવું ભાગ્યે જ બનતું હોય છે.’

દિનકરભાઈ જોશીએ કહ્યું કે, ‘૯૦૦ વરસ પહેલાનાં ઈતિહાસને આટલી સરસ રીતે રજૂ કરવાની ઘટના જ કેટલી ગજબ ગણાય.’

સંગીતજ્ઞ હાદિઁક ભટ્ટે આ પ્રસંગે ‘મૈત્રીભાવનું પવિત્ર ઝરણું’ ગીત રજૂ કર્યું હતું.

કાર્યક્રમના અંતમાં મહેશભાઈ શાહે કળાકારોને તેમની અનોખી શૈલીમાં બિરદાવ્યા હતા. સંવિત્તિના સ્થાપક સભ્ય કીર્તિભાઈ શાહે આભારવિધિ કરી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular