Sunday, October 5, 2025
Google search engine
HomeNewsMumbaiત્રણ વિશ્વવિખ્યાત નવલકથાનો રસાસ્વાદ

ત્રણ વિશ્વવિખ્યાત નવલકથાનો રસાસ્વાદ

મુંબઈઃ જર્મન લેખક હરમન હેસની નવલકથા ‘સિદ્ધાર્થ’, મેરિકન લેખક અર્નેસ્ટ હેમિંગ્વેની નવલકથા ‘ ધ ઓલ્ડ મૅન‌ એન્ડ ધ સી’ અને ફ્રેન્ચ લેખક વિક્ટર હ્યુગોની નવલકથા ‘ લે મિઝરાબ્લે’ની નવલકથા આપણને ફરી-ફરી વાંચવાનું દિલ થાય એવો આ ત્રણેય નવલકથાનો રસાસ્વાદ કરાવતો કાર્યક્રમ ગયા શનિવારે કાંદિવલીમાં યોજાયો હતો, જેને શ્રોતાઓએ ખરા અર્થમાં માણ્યો હતો. આ ત્રણેય કથામાંથી એક-એક કથાનો વિસ્તૃત રસપ્રદ પરિચય ઉત્કર્ષ મુઝુમદાર, મનોજ શાહ, ધર્મેન્દ્ર ગોહિલ, ચિરાગ વોરા, દિશા સાવલા, સેજલ આહિર અને પિન્કેશ પ્રજાપતિ પોતપોતાની નોખી-રસપ્રદ શૈલીમાં આપ્યો હતો. એક નવલકથાનો પરિચય પ્રબુદ્ધ જીવનના તંત્રી અને ગુજરાતી ભાષા-સાહિત્યના ઊંડા અભ્યાસી ડો. સેજલ શાહે પાત્રની સંવેદનશીલતા સાથે કરાવ્યો હતો. 

૩૦મી ડિસેમ્બરે કાંદિવલી એજ્યુકેશન સોસયટી સંચાલિત ગુજરાતી ભાષાભવન અને વ્યાપન પર્વ, ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિકના સંયુક્ત આયોજનમાં વિશ્વની ‘નવલકથાના રસાસ્વાદ અને આચમન’નો આ એક વિશેષ સાહિત્યિક કાર્યક્રમ કેઈએસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં યોજાયો હતો. આ પ્રસંગે જાણીતા સાહિત્યકાર-વિચારક ડો. દિનકર જોશી અને કેઈએસના વાઇસ પ્રેસિડન્ટ મહેશ શાહ પણ હાજર રહ્યા હતા.

આરંભમાં ડો. દિનકર જોશીએ બન્ને સંસ્થા વતી સ્વાગત કરીને પ્રજામાં વાંચન વધે અને સાહિત્ય અને ભાષા નિરંતર ટકી રહે તે માટે આવા કાર્યક્રમોનું મહત્વ જણાવ્યું અને કાંદિવલીમાં શિક્ષણ સંસ્થાઓના વિકાસમાં કાંદિવલી એજ્યુકેશન સોસયટીના ફાળા અંગે વાત કરી હતી. કાર્યક્રમના સંચાલક કીર્તિભાઈએ ત્રણેય વક્તાઓનો પરિચય અને નવલકથાના સ્વરૂપ વિષે વાત કરી હતી.

સિદ્ધાર્થ નવલકથામાં બે સિદ્ધાર્થ છેઃ ઉત્કર્ષ મુઝુમદાર

જર્મન લેખક હરમન હેસની નવલકથા ‘સિદ્ધાર્થ’ વિશે ઉત્કર્ષ મઝુમદારે પોતાના વક્તવ્યમાં સિદ્ધાર્થની ત્રણ શક્તિ: ૧) વિચારી શકે છે, ૨) ધૈર્ય રાખી શકે છે, ૩) અનશન રાખી શકે છે- ને તેમની નૌખી શેલીમાં ઉજાગર કરી આપી હતી. આ કૃતિનો ગુજરાતીમાં અનુવાદ દીપક સોલિયા અને રવીન્દ્ર ઠાકુરે કર્યો છે. સિદ્ધાર્થ એ સ્પિરિચ્યુઅલ ફિકશન ગણાય, એમાં ‘સ્વ’થી પર થવાની, મોહ-માયા ત્યાગવાની વાતો છે, પણ એમાં સામાન્ય માનવીય લાગણીઓને નકારવામાં આવી નથી. પુસ્તકમાં બે સિદ્ધાર્થ છે, એક સિદ્ધાર્થ નવલકથાનો નાયક અને બીજા સિદ્ધાર્થ સ્વયંમ ગૌતમ બુદ્ધ, અને બન્નેને જોડતુ બુદ્ધત્વ.

ઓલ્ડમેન એન્ડ ધ સી પુરુષાર્થ પ્રારબ્ધને ખેંચી લાવે છેઃ ડો. સેજલ શાહ

અમેરિકન લેખક અર્નેસ્ટ હેમિંગ્વેની નવલકથા ‘ ધ ઓલ્ડ મૅન‌ એન્ડ ધ સી’ વિશે રસાસ્વાદ ડો. સેજલ શાહે કરાવ્યો, તેમને કૃતિના નેરેટિવની ઉત્તમતાનો પરિચય આપવા કૃતિમાંથી કેટલાક વર્ણનોનું વાંચન કર્યુ હતું. આ કૃતિના કેટલાક જાણીતા સંવાદો શ્રોતાઓ સમક્ષ રજૂ કરીને તેની પ્રસ્તુતિ રસપ્રદ બનાવી હતી. નવલકથાનો નાયક વૃધ્ધ ડોસો સાન્તિયાગો છે. એ મછવામાં બેસીને ગલ્ફસ્ટ્રીમાં માછલાં પકડવાનો વ્યવસાય કરે છે. પોતે માછીમાર હોવાથી તેને માછલીઓ પકડવામાં રસ છે, પણ માછલી પકડાતી નથી. ‘૮૪’-દિવસ પસાર થઈ ગયા છે. નવલકથામાં માર્લિન માછલી અને વૃદ્ધ સાન્તિઆગો વચ્ચે જે દ્વન્દ્વ યુદ્ધ ખેલાય છે. સંઘર્ષ થાય છે જે પ્રસંગ નવલકથાનો મહત્વનો પ્રસંગ છે. એક બાજુ વૃદ્ધનો આત્મવિશ્વાસ અને બીજી બાજુ દરિયો. વૃદ્ધ અંતે એકલો માર્લિનને પકડી લે છે અને કિનારે લઈ આવે છે. વૃદ્ધની કટિબદ્ધતાએ એ સાબિત કરી દીધું કે પુરુષાર્થ હોય ત્યાં પ્રારબ્ધે ખેંચાઈને આવું પડે છે. વૃદ્ધ માર્લિન સાથેના સંઘર્ષ દરમ્યાન સતત બોલતો હોય છે- ‘but the man is not meant for defeat’ (પરંતુ માણસ હાર માટે નથી.) અને અંતે તે ચરિતાર્થ કરી બતાવે છે.

 લે મિઝરાબ્લે જીવન પરિવર્તનની કથાઃ મનોજ શાહ

ફ્રેન્ચ લેખક વિક્ટર હ્યુગોની નવલકથા ‘ લે મિઝરાબ્લે’નું પઠન અને આચમન રંગભૂમિના ખૂબ જાણીતા કલાકારો મનોજ શાહ, ધર્મેન્દ્ર ગોહિલ, ચિરાગ વોરા, દિશા સાવલા, સેજલ આહિર, પિન્કેશ પ્રજાપતિએ કર્યું. ખૂબ દીર્ઘ એવી આ નવલકથાના કેટલાક અંશોની પસંદગી કરીને તેમણે આખી નવલકથાની અખિલાઈનો પરિચય કરાવ્યો હતો. દીર્ઘ કૃતિના અંશોની યથાયોગ્ય પસંદગી સાથે મનોજ શાહે આરંભમાં બાંધેલી ભૂમિકા કૃતિને સમજવામાં ભાવકોને ઉપયોગી બની હતી.


આ કાર્યક્રમના અંતે મહેશભાઈ શાહે સમાપાનમાં શોભે એવા સુંદર શબ્દોથી આભારવિધિ કરી હતી. આ કાર્યક્રમના આયોજનમાં ગુજરાતી ભાષા ભવનના સભ્ય કીર્તિ શાહ, સેજલ શાહ અને કવિત પંડ્યાનો વિશેષ ફાળો રહ્યો હતો. આ અવસરે કવિ સંજય પંડ્યા, તરુ કજરિયા જેવી જાણીતી વ્યકિતઓની હાજરી રહી હતી.

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular