Friday, July 4, 2025
Google search engine
HomeNewsMumbaiમહારાષ્ટ્ર બંધઃ મુંબઈમાં પોલીસનો કડક બંદોબસ્ત

મહારાષ્ટ્ર બંધઃ મુંબઈમાં પોલીસનો કડક બંદોબસ્ત

મુંબઈઃ ઉત્તર પ્રદેશના લખીમપુર-ખીરીમાં ચાર ખેડૂતોની કરાયેલી હત્યાના વિરોધમાં ખેડૂત સંગઠનોએ આજે કરેલી ‘ભારત બંધ’ની હાકલમાં સામેલ થવાનો મહારાષ્ટ્રમાં સત્તારૂઢ મહાવિકાસ આઘાડી સરકારમાં ભાગીદાર પક્ષો – શિવસેના, એનસીપી અને કોંગ્રેસે નિર્ણય લીધો છે અને આજે ‘મહારાષ્ટ્ર બંધ’નું એલાન કર્યું છે. આ બંધનો સમય ગઈ મધરાતે 12 વાગ્યાથી શરૂ કરાયો છે અને આજે સાંજે 4 વાગ્યા સુધી લાગુ રહેશે. એવી જાહેરાત કરાઈ છે કે ‘મહારાષ્ટ્ર બંધ’નું એલાન રાજ્ય સરકાર દ્વારા નહીં, પણ ત્રણ સહયોગી પક્ષોએ કર્યું છે. આ બંધમાં સ્વૈચ્છિક રીતે જોડાવાની રાજ્યની જનતા અને વેપારીઓને આ પક્ષોએ અપીલ કરી છે. મુંબઈમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને એટલા માટે પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આજે મહારાષ્ટ્રના અનેક શહેરો, નગરોમાં મોટી બજારો બંધ રાખવામાં આવી છે.

દરમિયાન, મુંબઈના ડબ્બાવાળાઓ (ટિફિનસેવાવાળાઓ)ના સંગઠને પણ સોમવારના ‘મહારાષ્ટ્ર બંધ’ને ટેકો આપ્યો છે, એમ મુંબઈ ડબેવાલા એસોસિએશનના પ્રમુખ સુભાષ તળેકરે કહ્યું છે. ખેડૂતો અને કામદારો દેશના વિકાસરથના બે પૈડાં જેવા છે. આ બંનેનું માન-સમ્માન જાળવવું જ જોઈએ. લખીમપુર-ખીરી હિંસાકાંડના અપરાધીઓ પર ત્વરિત કાયદેસર કાર્યવાહી હાથ ધરાવી જ જોઈએ.

મુંબઈ તથા પડોશના નવી મુંબઈ શહેર, થાણે, પાલઘર જિલ્લાઓમાં શાળા, કોલેજો, એસ.ટી. અને ‘બેસ્ટ’ બસ સેવા બંધ રાખવામાં આવી છે. શિવસેના પ્રેરિત બેસ્ટ કામગાર સેનાએ આજના બંધને ટેકો આપ્યો છે. પરંતુ કામદાર નેતા શશાંક રાવે વિરોધ કર્યો છે. એમણે કહ્યું છે કે બેસ્ટ બસ સેવા અતિ આવશ્યક સેવા છે. તેથી એને બંધમાં સામેલ કરવી ન જોઈએ. કોરોનાવાઈરસ રોગચાળાને કારણે સામાન્ય જનતા માટે લોકલ ટ્રેનો બંધ છે ત્યારે એસ.ટી. અને બેસ્ટ બસ સેવા એમને માટે ખૂબ ઉપયોગી થઈ છે, પરંતુ બંધમાં આ બંને સેવા પણ સામેલ કરાતાં લોકોને ઘણી તકલીફ પડી રહી છે.

મહારાષ્ટ્રના પ્રધાન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા નવાબ મલિકે ગઈ કાલે કહ્યું હતું કે, અમને આશા છે કે આ બંધ પાળવામાં વેપારીઓ અને જનતા સ્વૈચ્છિક રીતે સહયોગ આપશે. આ બંધમાં હોસ્પિટલ જેવી અતિ આવશ્યક સેવાઓ, હોસ્પિટલો, મેડિકલ સ્ટોર્સ ચાલુ રખાશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular