Saturday, May 17, 2025
Google search engine
HomeNewsMumbaiસંસ્કૃતિ જોશી-ચિંતન નાઇકનો લેખ વૈશ્વિક સેમિનારમાં રજૂ કરાશે

સંસ્કૃતિ જોશી-ચિંતન નાઇકનો લેખ વૈશ્વિક સેમિનારમાં રજૂ કરાશે

મુંબઈઃ એશિયા નામની આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત EMDR (Eye Movement Desensitization and Reprocessing)  સંસ્થા દર વર્ષે મનોચિકિત્સકોનું સંમેલન યોજે છે. આ વર્ષે કમ્બોડિયાના સીમ રીપ શહેરમાં 17 ડિસેમ્બરે સંસ્થાનું પાંચમું સંમેલન યોજાવાનું છે. આ સંમેલનમાં મુંબઈના કાંદિવલીનિવાસી યુવતી સંસ્કૃતિ અખિલ જોશી પોતાનો અભ્યાસ-લેખ રજૂ કરવાનાં છે.

સંસ્કૃતિ વ્યવસાયે કાઉન્સેલિંગ સાઇકોલોજિસ્ટ છે. સંસ્કૃતિએ આ અભ્યાસ-લેખ એમના માર્ગદર્શક અને કો-ઓથર સિનિયર મનોચિકિત્સક ચિંતન નાઇકના માર્ગદર્શન હેઠળ તૈયાર કર્યો છે. EMDR એશિયાના આ સંમેલનમાં સંસ્કૃતિ EMDR-ઇન્ડિયાનાં પ્રતિનિધિ તરીકે હાજરી આપવાનાં છે અને પોતાનું પેપર રજૂ કરવાનાં છે. ચિંતન નાઇક પણ પેપરની રજૂઆતમાં એમના સહભાગી થશે. કોઈ માનવીય કે કુદરતી ઘટના કે દુર્ઘટના બને ત્યારે સંબંધિત વ્યક્તિઓને આઘાત લાગતો હોય છે. ખાસ કરીને સગીર વયનાં લોકોનાં મન પર એની ઊંડી અસર પડતી હોય છે. એવી સ્થિતિમાંથી પસાર થયેલાં તરુણ વયનાં કિશોર-કિશોરીઓને આઘાત (ટ્રોમા)માંથી બહાર લાવવા માટે મનોચિકિત્સાની મદદ લેવી પડે છે. EMDR વિશે જાણકારી આપતાં સંસ્કૃતિ કહે છે કે ઘણી વખત દુર્ઘટના વખતે ટ્રોમાનો અનુભવ કરતી વ્યક્તિ માટે EMDR ઉપયોગમાં લેવાય છે. તેને ‘EMDR ટ્રોમા ઈનફોર્મ થેરપી અપ્રોચ’ કહેવાય છે.

આ વર્ષના માર્ચ મહિનામાં મુંબઈના મલાડ (પૂર્વ) ઉપનગરના કુરાર વિલેજ વિસ્તારના અપ્પાપાડા મોહલ્લામાં રાંધણગેસના લગભગ 50 સિલિન્ડરો ફાટ્યાં હતાં જેને કારણે 2000 જેટલા ઝૂંપડાં નાશ પામ્યાં હતાં. આ મોહલ્લામાં નીચલા વર્ગના લોકો રહે છે. સિલિન્ડર દુર્ઘટનાને કારણે આસપાસ રહેતા ટીનેજર્સ-વિદ્યાર્થીઓની માનસિક હાલત વિશે સંસ્કૃતિએ સંશોધન કર્યું. વિદ્યાર્થીઓની ફરિયાદ હતી કે ભણવામાં એમનું ધ્યાન રહેતું નથી, એકાગ્રતા કેળવી શકતા નથી, માર્ક્સ ઓછા આવવા લાગ્યા છે, નાના-મોટા અવાજથી પણ તેઓ ગભરાઈ જાય છે, તેમને ખરાબ સપનાં પણ સતાવે છે. સંસ્કૃતિએ એમાંથી અમુક યુવાનો પર EMDR થેરપીનો ઉપયોગ કર્યો હતો. વિદ્યાર્થીઓની ચિંતા, તાણ અને એમનાં મન પર થયેલી અસર ટેસ્ટ દ્વારા માપી હતી. તેઓ સ્ટ્રેસ-લેવલ જાતે સંભાળી શકે એ માટે એમને અમુક ટેક્નિક અને કસરત શીખવી હતી. ચોથા સત્રમાં માલૂમ પડ્યું હતું કે વિદ્યાર્થીઓની તાણ અને ચિંતાના સ્તરમાં ઘટાડો થયો હતો.

આ પ્રોજેક્ટ સંસ્કૃતિએ એના મેન્ટોર, મનોચિકિત્સક ચિંતન નાઇકના માર્ગદર્શન હેઠળ પાર પાડ્યો હતો. સંસ્કૃતિએ નવી પેઢીની માનસિકતા પર કરેલો આ સંશોધન-અભ્યાસ અને વર્તમાન ચિકિત્સા પદ્ધતિમાં વધારે અસરકારક રીતે શું થઈ શકે એનો અભ્યાસ-લેખ સૂચિત સંમેલનમાં મોકલાવ્યો હતો. જેને આંતરરાષ્ટ્રીય બોર્ડે મંજૂર કર્યો છે અને હવે 17 ડિસેમ્બરે કમ્બોડિયામાં યોજાનાર સંમેલનમાં તે રજૂ કરવામાં આવશે. સંસ્કૃતિ વરિષ્ઠ ગુજરાતી સાહિત્યકાર દિનકર જોશીનાં પૌત્રી છે.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular