Saturday, May 24, 2025
Google search engine
HomeNewsMumbai'માતા-પિતાએ સંતાનોને સંસ્કૃતિના મૂળ સુધી લઈ જવાનો પ્રયાસ કરવો જોઈએ'

‘માતા-પિતાએ સંતાનોને સંસ્કૃતિના મૂળ સુધી લઈ જવાનો પ્રયાસ કરવો જોઈએ’

મુંબઈઃ ‘ગર્વ સે કહો હમ હિંદુ હૈ…. આટલા વિધાન માત્રથી નહી ચાલે, આપણે આને સાર્થક કરવા અને આપણી નવી પેઢીને આનો સાચો અર્થ સમજાવવા ખુદ ભગવદ ગીતા, વેદ-ઉપનિષદનો અભ્યાસ કરવો જોઈશે અને આપણા સંતાનો-નવી પેઢીને પણ કરાવવો જોઈશે.’ આ વેધક અને વિચારપ્રેરક વિધાન ડો.સુનિલ શાસ્ત્રીએ કર્યુ હતું. તેમણે ઉમેર્યુ હતું કે માતા-પિતા તેમના સંતાનોને સ્કૂલમાં શું શીખવા મળ્યું એ ચોક્કસ પૂછે છે, કિંતુ તેમને આપણી સંસ્કૃતિના મૂળ સુધી લઈ જવાનો પ્રયાસ કરતા નથી.

કે.ઈ.એસ. (કાંદિવલી એજ્યુકેશન સોસાયટી) સંચાલિત ગુજરાતી ભાષા ભવન અને કળા-સાહિત્ય, સંસ્કૃતિના પ્રસાર માટે કાર્યરત સંસ્થા ‘સંવિત્તિ’ના સંયુક્ત ઉપક્રમે ‘મહાભારતના સભાપર્વ’  વિશે ગયા શનિવારે યોજાયેલા એક વ્યાખ્યાનમાં ડો.સુનિલ શાસ્ત્રીએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દે એવી અસ્ખલિત વાણીમાં આ સભાપર્વનો સાર બહુ જ સરળ છતાં ગહન રીતે સમજાવ્યો હતો. મહાભારતના યુધ્ધના બીજ આ સભાપર્વમાં રોપાયા હતા એમ જણાવતા તેમણે કહ્યું હતું કે આ સભાપર્વ આપણને ખૂબ જ ઊંડી સમજ આપે છે, જેથી દરેકના જીવનમાં તેનો અભ્યાસ મહત્ત્વનો છે.

અનેક પ્રસંગોની બારીક સમજ

મહાભારત-ગીતાના ઊંડા અભ્યાસી, વિચારક-ચિંતક હોવાછતાં પોતાને માત્ર એક વિધાર્થી તરીકે ઓળખાવાતા ડો. સુનિલ શાસ્ત્રીએ યુધિષ્ઠિરની રાજસૂય સભામાં કેવો માહોલ સર્જાયો, નારદમુનિએ યુધિષ્ઠિર સમક્ષ કેવા-કેવા સવાલો મૂક્યા?, જરાસંધ અને શિશુપાલનો શ્રીકૃષ્ણ અને પાંડવો સામેનો વિરોધ અને એ બંનેના અંત કઈ રીતે આવ્યા? સભામાં દ્યૂત કેવા સંજોગોમાં રચાયા, કઈ રીતે કપટ થયા અને તેનો ભોગ પાંડવો કેટલી હદે બન્યા અને દ્રૌપદીના ચીરહરણ સમયે સર્જાયેલા સંવેદનશીલ અને ગંભીર વાતાવરણમાં કોણે-કોણે કેવા નિવદેન કર્યા, વગેરે સમાન મુદા આ વ્યાખ્યાનમાં આવરી લેવાયા હતા. વિનાશકાળે વિપરિત બુધ્ધિના સંકેત આમાંથી કઈ રીતે મળે છે એનો ઈશારો તેમણે કર્યો હતો.

નારદજીનો મહત્ત્વનો ઉપદેશ

કાંદિવલીની કે.ઈ.એસ. ઈન્ટરનેશનલ સ્કૂલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં શ્રોતાઓની ભરપુર હાજરી વચ્ચે આ વ્યાખ્યાન સત્ર બે ભાગમાં વહેંવાયેલું હતું. સુનિલભાઈની વાણી અને સાવ નોખી શૈલીમાં સમજાવાયેલા સભાપર્વના દરેક પ્રસંગોમાં શ્રોતાઓ જાણે એ કાળમાં ચાલ્યા જઈ તેની અનુભુતિમાં ઉતરી ગયા હોવાની લાગણી આખરમાં વ્યક્ત થઈ હતી. સુનિલભાઈએ પ્રત્યેક પ્રસંગોને આજના સંદર્ભમાં પણ સમજાવ્યા હતા. નારદજીની નોખી ઓળખાણ આપી તેમણે નારદજીને ખરા અર્થમાં બિરદાવ્યા હતા. નારદજીના સવાલોમાં રાજા કેવો હોવો જોઈએ તેનો સૌથી મોટો ઉપદેશ કઈ રીતે હતો એની વિસ્તૃત સમજ તેમણે આપી હતી. દ્યૂતની રમતમાં પાંડવોની થયેલી કારમી હારથી લઈ દ્રૌપદીના ચિરહરણના પ્રસંગોના વર્ણન વખતે તો શ્રોતાઓમાં પણ સન્નાટો છવાઈ ગયો હતો. જોકે અંતમાં સહુ મહાભારતના સભાપર્વની સમજ ઉપરાંત જીવનમાં તેના મહત્વના સંદેશને લઈ ઊભા થયા હતા.

આ કાર્યક્રમમાં ડો.સુનિલ શાસ્ત્રીનો પરિચય ‘સંવિત્તિ’ના સ્થાપક સભ્ય હાર્દિક ભટ્ટે આપવા સાથે વિષયની પૂર્વભૂમિકા પણ બાંધી હતી. હાર્દિક ભટ્ટે  धर्मे चार्थे च कामे च मोक्षे च भरतर्षभ ।

यदिहास्ति तदन्यत्र यन्नेहास्ति न तत्क्वचित्।। આ શ્લોક સાથે તેનો ભાવાર્થ કહ્યો હતોઃ ધર્મ, અર્થ, કામ અને મોક્ષના વિષયમાં જે અહીં (મહાભારતમાં) કહેવાયું હશે તે અન્યત્ર હશે. જે અહીં (મહાભારતમાં) કહેવાયું નથી તે અન્યત્ર પણ નહીં હોય.

આ પ્રસંગે જાણીતા સાહિત્યકાર-વિચારક-ચિંતક ડો. દિનકર જોશી સહિત કાંદિવલીના અગ્રણી ડો. દિલીપ રાયચુરા અને અનેક વિચારપ્રેમી શ્રોતાઓએ હાજરી આપી હતી. સંવિત્તિના સ્થાપક સભ્ય કીર્તિભાઈ શાહ અને મયુર દવેએ આયોજનમાં પાયાની ભૂમિકા ભજવી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular