Wednesday, July 9, 2025
Google search engine
HomeNewsMumbai31 માર્ચ સુધીમાં PAN કાર્ડને આધાર કાર્ડ સાથે લિન્ક ન કરાવવાથી તકલીફ...

31 માર્ચ સુધીમાં PAN કાર્ડને આધાર કાર્ડ સાથે લિન્ક ન કરાવવાથી તકલીફ થશે

મુંબઈ – આવતી 31 માર્ચ સુધીમાં જે લોકો પોતાના પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN)ને એમના આધાર કાર્ડ નંબર સાથે લિન્ક નહીં કરે એમનું PAN કાર્ડ નિષ્ક્રિય થઈ જશે, એવી સૂચના આવકવેરા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવી છે.

એક અંદાજ મુજબ આધાર કાર્ડના નંબર સાથે લિન્ક નહીં કરાય તો દેશભરમાં આશરે 17 કરોડ PAN કાર્ડ નિષ્ક્રિય થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, PAN અને આધાર કાર્ડ નંબર સાથે જોડવા માટેની ડેડલાઈન અનેક વાર લંબાવવામાં આવી છે. છેલ્લી વાર આ મુદતને 31 માર્ચ, 2020 સુધી લંબાવવામાં આવી છે.

પ્રાપ્ત આંકડા અનુસાર, દેશભરમાં અત્યાર સુધીમાં આધાર સાથે 30 કરોડ 75 લાખ કરતાં વધારે PAN કાર્ડને લિન્ક કરવામાં આવ્યા છે. તે છતાં 17 કરોડ 58 કાર્ડને હજી સુધી 12-આંકડાના બાયોમેટ્રિક ID (આધાર) સાથે લિન્ક કરવામાં આવ્યા નથી.

સુપ્રીમ કોર્ટે 2018ના સપ્ટેંબરમાં ઘોષિત કર્યું હતું કે આધાર કાર્ડ બંધારણીય રીતે કાયદેસર છે. કોર્ટે એમ પણ ઠરાવ્યું હતું કે આ બાયોમેટ્રિક આઈડી આવકવેરા રિટર્ન્સ ફાઈલ કરવામાં તેમજ PAN કાર્ડની ફાળવણી કરવા માટે ફરજિયાત સાધન બની રહેશે.

જે લોકો પોતાના PAN કાર્ડને હવે એમના આધાર કાર્ડના નંબર સાથે લિન્ક નહીં કરાવે એમને આગળ જતાં કેટલીક તકલીફનો સામનો કરવો પડશે. આવકવેરા કાયદાની કલમ 139AA અંતર્ગત એવા PAN કાર્ડ અમાન્ય થઈ જશે.

નિષ્ણાતોના જણાવ્યા મુજબ, પેન કાર્ડ લિન્ક કરવામાં નહીં આવે તો ઓનલાઈન ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવામાં તકલીફ થશે. એવા લોકોનું ટેક્સ રિફંડ અટકી શકે છે. તે ઉપરાંત એવા લોકો કોઈ નાણાકીય સોદો કરશે ત્યારે એમના PAN કાર્ડનો ઉપયોગ કરી નહીં શકે.

તમે તમારા PAN કાર્ડને તમારા આધાર કાર્ડ સાથે ઈન્કમ ટેક્સ ઈ-ફાઈલિંગ પોર્ટલ દ્વારા અથવા SMS ના માધ્યમથી પણ લિન્ક કરી શકો છો.

ઈન્કમ ટેક્સના ઈ-ફાઈલિંગ પોર્ટલ પર લિન્ક આધાર નામનો એક વિભાગ દર્શાવેલો છે. ત્યાં તમારે તમારો પેન અને આધાર નંબર નાખવાનો રહેશે. ત્યારબાદ એક OTP મારફત તમે એ લિન્ક પર જઈ શકશો.

બીજો વિકલ્પ આ છેઃ તમે 567678 અથવા 56161 નંબર પર SMS મોકલી શકો છે. એ માટે તમારે આ ટાઈપ કરવાનું રહેશેઃ UIDPAN<12 ડિજિટનો તમારો આધાર નંબર>< 10 ડિજિટનો પેન નંબર ટાઈપ કરીને મોકલવો.

ઓનલાઈન લિન્ક કરવાની રીતઃ

  • સૌથી પહેલાં તો જો તમારો એકાઉન્ટ બનાવ્યો ન હોય તો તમારે સ્વયંને રજિસ્ટર કરાવવા પડશે
  • ઈન્કમ ટેક્સ વિભાગની ઈ-ફાઈલિંગ વેબસાઈટ (www.incometaxindiaefiling.gov.in) પર જાવ.
  • એ વેબસાઈટ પર એક ઓપ્શન દેખાશે ‘લિન્ક આધાર’.
  • લોગ-ઈન કર્યા બાદ તમે તમારા એકાઉન્ટના પ્રોફાઈલ સેટિંગમાં જાવ
  • પ્રોફાઈલ સેટિંગમાં તમારો આધાર કાર્ડ લિન્ક કરવાનો ઓપ્શન જોવા મળશે, એને સિલેક્ટ કરો.
  • ત્યાં બતાવેલા સેક્શનમાં તમારો આધાર નંબર અને કેપ્ચા કોડ ભરવાનો.
  • જાણકારી ભર્યા બાદ નીચે દર્શાવેલા ‘લિન્ક આધાર’ ઓપ્શન પર ક્લિક કરવાનું.
  • આ સાથે જ તમારો PAN નંબર તમારા આધાર કાર્ડ નંબર સાથે લિન્ક થઈ જશે.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular