Thursday, May 15, 2025
Google search engine
HomeNewsMumbaiદીપિકા, શ્રદ્ધા, સારાને ક્લીન ચિટ આપી નથીઃ NCBની સ્પષ્ટતા

દીપિકા, શ્રદ્ધા, સારાને ક્લીન ચિટ આપી નથીઃ NCBની સ્પષ્ટતા

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂતના ભેદી મૃત્યુના કેસને સાંકળતા નશીલા પદાર્થોના સેવન-ગેરકાયદેસર ધંધાના સંબંધમાં પૂછપરછ કરીને બોલીવૂડની અભિનેત્રીઓ દીપિકા પદુકોણ, શ્રદ્ધા કપૂર અને સારા અલી ખાનને પોતે ક્લીન ચિટ આપી છે એવા અહેવાલોને નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)એ આજે રદિયો આપ્યો છે અને કહ્યું છે કે આવા અહેવાલોમાં સત્ય નથી અને તે હકીકતોથી વેગળા છે.

એનસીબીના અધિકારીએ કહ્યું કે દેશમાં કેફી દવાઓના સેવન વિરુદ્ધ કામગીરી બજાવતી અમારી સંસ્થાએ અત્યાર સુધી જેમની પૂછપરછ કરી એ તમામને ક્લીન ચિટ આપી છે એવા એક અખબારી અહેવાલ ખોટા છે.

એનસીબી એજન્સીએ ડ્રગ્સ સંબંધિત કેસમાં દીપિકા, એની ભૂતપૂર્વ મેનેજર કરિશ્મા પ્રકાશ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર તથા અન્યોને ક્લીન ચિટ આપી છે એવો દાવો એક અખબારી અહેવાલમાં કરવામાં આવ્યો હતો. એને પગલે તપાસ એજન્સીએ ઉપર મુજબ ખુલાસો કર્યો છે.

એનસીબી અધિકારીઓએ ગયા શનિવારે મુંબઈ ઓફિસમાં દીપિકા, શ્રદ્ધા અને કરિશ્માની કલાકો સુધી પૂછપરછ કરી હતી. ડ્રગ્સ વિશે ચર્ચા કરતી એમની કથિત ચેટ્સને મામલે એમની પૂછપરછ કરવામાં આવી હતી. એનસીબી અધિકારીઓએ ગયા શનિવારે જ સારા અલી ખાનની પણ પાંચ કલાક સુધી પૂછપરછ કરી હતી.

સારા બોલીવૂડ કલાકારો – સૈફ અલી ખાન અને અમ્રિતા સિંહની પુુત્રી છે, શ્રદ્ધા ચરિત્ર અભિનેતા શક્તિ કપૂરની પુત્રી છે જ્યારે દીપિકા મહાન બેડમિન્ટન ખેલાડી પ્રકાશ પદુકોણની પુત્રી છે અને અભિનેતા રણવીર સિંહની પત્ની છે.

એનસીબીના અધિકારીઓએ એક અન્ય અભિનેત્રી રકુલપ્રીત સિંહની પણ આ જ કેસના સંબંધમાં ચાર કલાક સુધી પૂછપરછ કરી હતી.

સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસમાં સીબીઆઈ, એનસીબી અને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ, એમ ત્રણ કેન્દ્રીય એજન્સી તપાસ કરી રહી છે. સુશાંત સિંહ ગઈ 14 જૂને મુંબઈના બાન્દ્રાસ્થિત મોન્ટ બ્લાં સોસાયટીસ્થિત એના ડુપ્લેક્સ ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular