Sunday, May 18, 2025
Google search engine
HomeNewsMumbaiમહિલાની મારપીટનો ભોગ બનનાર ટ્રાફિક કોન્સ્ટેબલનું સમ્માન કરાયું

મહિલાની મારપીટનો ભોગ બનનાર ટ્રાફિક કોન્સ્ટેબલનું સમ્માન કરાયું

મુંબઈઃ ત્રણેક દિવસ પહેલાં દક્ષિણ મુંબઈના કાલબાદેવી વિસ્તારમાં હેલ્મેટ પહેર્યાં વિના સ્કૂટર હંકારતી એક મહિલા સ્કૂટરચાલકે એને રોકનાર એક ટ્રાફિક કોન્સ્ટેબલની મારપીટ કરી હતી. સમગ્ર ઘટનામાં પોતાનું મગજ શાંત રાખ્યું એ બદલ એકનાથ પાર્થે નામના તે ટ્રાફિક કોન્સ્ટેબલનું આજે જાહેર રસ્તા પર સમ્માન કરવામાં આવ્યું હતું.

કોન્સ્ટેબરનું આ સમ્માન આસિસ્ટન્ટ પોલીસ કમિશનર લતા ધોંડેએ કર્યું છે. એનો વિડિયો માહિતી અને જનસંપર્ક વિભાગ, મહારાષ્ટ્ર સરકારના ડેપ્યૂટી ડાયરેક્ટર જનરલ દયાનંદ કાંબળેએ ટ્વિટર પર શેર કર્યો છે.

તે ઘટના ગઈ 23 ઓક્ટોબરે બપોરે કાલબાદેવી વિસ્તારમાં કોટન એક્સચેન્જ નાકા પાસે બની હતી. એ વખતે એકનાથ પાર્થેએ હેલ્મેટ વગર સ્કૂટર પર જતી મહિલાનો પીછો કરીને એને રોકી હતી. તે મહિલાની પાછળની સીટ પર એક પુરુષ પણ બેઠો હતો. દંડ ભરવાની વાતે મહિલા અને કોન્સ્ટેબલ પાર્થે વચ્ચે દલીલ થઈ હતી. એ પછી તે મહિલાએ રાહદારીઓની નજર સામે એ કોન્સ્ટેબલની મારપીટ શરૂ કરી હતી. તે છતાં પાર્થેએ એનો પ્રતિકાર કર્યો નહોતો કે સામી ગાળો દીધી નહોતી. એ મહિલાએ પાર્થેને કોલર પકડ્યા હતા અને વારંવાર તમાચા ઝીંકતી રહી હતી. મહિલાના સાથીએ તેમજ રસ્તા પરના અન્ય ટ્રાફિક જવાનોએ સમગ્ર ઘટનાનો મોબાઈલ ફોન પર વિડિયો ઉતાર્યો હતો.

તે વિડિયોમાં મહિલા એવું બોલતી સંભળાઈ હતી કે કોન્સ્ટેબલે એને ગાળ દીધી હતી. કોન્સ્ટેબલ તે આક્ષેપને નકારતા જોવા મળ્યો હતો.

થોડાક સમય બાદ, એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ ઘટનાસ્થળે પહોંચી હતી અને સાદવિકા તિવારી (30) નામની તે સ્કૂટરચાલક મહિલા તથા મોહસીન ખાન (26) નામના એનાં બોયફ્રેન્ડને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી. ત્યાં સાદવિકા અને મોહસીન સામે ભારતીય ફોજદારી કાયદાની કલમ 353 (જાહેર સેવક પર હુમલો કરવો) તથા અન્ય સંબંધિત જોગવાઈઓ અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો હતો. સાદવિકા અને ખાન, બંનેની બાદમાં ધરપકડ કરવામાં આવી હતી.

ટ્રાફિક પોલીસે બહાર પાડેલી સત્તાવાર યાદીમાં જણાવાયું હતું કે કોન્સ્ટેબલ પાર્થેએ ગંદી ભાષાનો ઉપયોગ કર્યો નહોતો અને મહિલા તથા પુરુષ, બંને સાથે નમ્રતાથી ‘સર’ અને ‘મેડમ’ કહીને જ વાત કરી હતી, પરંતુ આરોપી મહિલા ખોટું બોલી હતી કે કોન્સ્ટેબલે એને ગાળ દીધી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular