Monday, August 18, 2025
Google search engine
HomeNewsMumbaiટ્રેન-પશુ અથડામણની ઘટનાઓ રોકવા પશ્ચિમ રેલવેતંત્ર કડક

ટ્રેન-પશુ અથડામણની ઘટનાઓ રોકવા પશ્ચિમ રેલવેતંત્ર કડક

મુંબઈઃ પશુપાલકો અને ઢોરોને ચરાવવા નીકળતાં લોકો એમનાં ઢોરોને રેલવેની માલિકીની જમીન અને રેલવેના પાટા પર છોડી દેતા હોવાની અને એને કારણે ઢોરો ધસમસતી આવતી ટ્રેનોની હડફેટે આવી જવાની ઘટનાઓ છેલ્લા કેટલાક વખતથી વધી ગઈ છે. પ્રવાસીઓની સલામતી અને રેલવેની સંપત્તિનું રક્ષણ કરવાની જવાબદારી પશ્ચિમ રેલવેના રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ)ને માથે છે. ટ્રેન-પશુ અથડામણની ઘટનાઓ રોકવા માટે આરપીએફના મુંબઈ ડિવિઝન તરફથી અનેક પગલાં લેવામાં આવ્યા છે.

છેલ્લા અમુક દિવસોમાં મુંબઈ સેન્ટ્રલ અને ગાંધીનગર વચ્ચે શરૂ કરાયેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સાથે ઢોરોની અથડામણના અનેક બનાવ બન્યા છે. ગઈ કાલે સવારે 8.17 વાગ્યાના સુમારે મુંબઈથી ઉપડી ગાંધીનગર જતી વંદે ભારત એક્સપ્રેસ મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનના વલસાડ નજીકના અતુલ સ્ટેશન નજીકથી પસાર થતી હતી ત્યારે એક ભેંસ વચ્ચે આવી જતાં ટ્રેનના આગળના ભાગને નુકસાન થયું હતું. ટ્રેનને અટકાવી દેવી પડી હતી અને સફર 15 મિનિટ મોડી પડી હતી. આવા બનાવોમાં બિચારા અબોલ ઢોરો મૃત્યુ પામે છે અને ટ્રેનને નુકસાન થાય છે. રેલવે સેવા ખોરવાઈ જાય છે. પ્રવાસીઓમાં ગભરાટ ફેલાઈ જાય છે.

પશ્ચિમ રેલવે વહીવટીતંત્રએ પશુપાલકોને અને પશુઓને ચરાવવા નીકળતાં લોકોને અપીલ કરી છે કે તેઓ એમનાં પશુઓને રેલવેની જમીન અને પાટાની નજીક ન લઈ જાય. કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક પગલાં ભરવામાં આવશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular