Friday, May 16, 2025
Google search engine
HomeNewsMumbaiઓનલાઈન ટાસ્ક છેતરપિંડીમાં એકાઉન્ટન્ટે 18 લાખ ગુમાવ્યા

ઓનલાઈન ટાસ્ક છેતરપિંડીમાં એકાઉન્ટન્ટે 18 લાખ ગુમાવ્યા

મુંબઈઃ પડોશના ઠાણે જિલ્લાના મીરા રોડ ઉપનગરમાં રહેતા 50-વર્ષની વયના અને ઠાણેની એક કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા એક નાગરિક સાઈબર છેતરપિંડીનો શિકાર બન્યા છે. એમને સાઈબર ઠગ લોકોએ ઝડપથી પૈસા બનાવવાની લાલચ આપી હતી અને એક ટાસ્ક (કાર્ય) પૂરું કરવાની ઓફર કરી હતી. ટાસ્ક પૂરું થયા બાદ આકર્ષક કમિશન આપવાની ખાતરી આપી હતી, જે વાસ્તવમાં ખોટી હતી.

એકાઉન્ટન્ટે પોતાની સાથે થયેલી છેતરપિંડી વિશે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. એમણે કહ્યું છે કે, એમને એક અજાણ્યા ફોન નંબર પરથી એક મેસેજ મળ્યો હતો જેમાં એક પાર્ટ-ટાઈમ નોકરીની ઓફર કરાઈ હતી અને જણાવાયું હતું કે અમુક સામાન્ય કાર્ય કરવાથી સારું એવું કમિશન મળશે. ત્યારબાદ એમને એક વેબસાઈટ પર રજિસ્ટર થવાનું કહેવામાં આવ્યું હતું, તેઓ રજિસ્ટર થયા હતા અને વેબસાઈટ પર એક ડેમોન્સ્ટ્રેશન સત્રમાં એમને સામેલ કરવામાં આવ્યા હતા. ફરિયાદીનો વિશ્વાસ હાંસલ કરવા માટે એમણે અમુક સામાન્ય કાર્યો પૂરા કર્યા એટલે સાઈબર ગુનેગારોએ એમના ખાતામાં નાનકડી રકમ ક્રેડિટ કરી હતી. બાદમાં ઠગ લોકોએ ફરિયાદીને મોટા ટાર્ગેટ પૂરા કરવા કહ્યું હતું જેમાં ઊંચી રકમનું રિટર્ન મળશે.

ફરિયાદીને લાલચ થઈ હતી અને વધુ ને વધુ ટાસ્કમાં ફસાતા ગયા હતા. 22 દિવસમાં એમણે રૂ. 18 લાખથી વધારે રકમ ગુમાવી દીધી હતી. ઠગ લોકો કહેતા ગયા તેમ ફરિયાદી વિવિધ બેન્ક એકાઉન્ટોમાં પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કરતા ગયા હતા. આખરે એમને સમજાઈ ગયું હતું કે પોતે છેતરાઈ ગયા છે અને એમણે મીરા રોડ પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આઈપીસી અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ-2000ની સંબંધિત જોગવાઈઓ અંતર્ગત અજ્ઞાત સાઈબર ગુનેગારો સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular