Friday, May 16, 2025
Google search engine
HomeNewsMumbaiમહારાષ્ટ્રમાં 28 જૂનથી હેર કટિંગ સલૂન, જિમ ફરી શરૂ કરાશે

મહારાષ્ટ્રમાં 28 જૂનથી હેર કટિંગ સલૂન, જિમ ફરી શરૂ કરાશે

મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના ફેલાવાને રોકવા માટે લાગુ કરાયેલા લોકડાઉનને કારણે ગયા માર્ચ મહિના બીજા પખવાડિયાથી – 20 માર્ચથી બંધ કરી દેવામાં આવેલા હેર કટિંગ સલૂન્સ અને જિમ્નેશિયમ્સ 28 જૂનથી ફરી શરૂ કરવામાં આવનાર છે. રાજ્યના પ્રધાનમંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્યના કેબિનેટ પ્રધાન અને મુંબઈનિવાસી પાલક પ્રધાન અસલમ શેખે આ જાણકારી આપી છે.

28 જૂનથી હેર કટિંગ સલૂન ફરી ખોલી શકાશે, પણ હાલ માત્ર વાળ જ કાપી શકાશે, દાઢી કરવાની પરવાનગી નહીં હોય. વાળંદ તથા ગ્રાહક, બંને જણે મોઢા પર માસ્ક ફરજિયાત પહેરવો પડશે.

વળી, સલૂનની અંદર અને સલૂનની બહાર સોશિયલ ડિસ્ટન્સના નિયમનું પણ પાલન કરવાનું રહેશે.

સરકારે હજી બ્યુટી પાર્લર અને સ્પા શરૂ કરવાની પરવાનગી આપી નથી.

હેર કટિંગ અને સલૂન અને જિમ્નેશિયમ્સમાંથી કોરોના વાઈરસનો ચેપ બહોળા પાયે ફેલાતો હોવાનું જોખમ હોવાને કારણે જ આ સેવાઓને લાંબા સમયથી બંધ રાખવામાં આવી છે. ગઈ 1 જૂનથી લોકડાઉનમાં ઘણી છૂટછાટો આપવામાં આવી હતી, પણ આ બે સેવા પર પ્રતિબંધ ચાલુ રખાયો છે.

વાળંદ સમાજે સરકારને અપીલ કરી હતી કે સલૂન બંધ હોવાને કારણે એમના સમાજમાં બેરોજગારીની સમસ્યા ગંભીર બની ગઈ છે. તેથી સરકારે સલૂન્સ ફરી ખોલવાની પરવાનગી આપવી જોઈએ. ત્યારબાદ રાજ્ય સરકારે સમાજને રાહત થાય એવો નિર્ણય લીધો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આપેલા આંકડા અનુસાર, મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના 1,42,900 કેસ નોંધાઈ ચૂક્યા છે અને 6,739 જણના મરણ થઈ ચૂક્યા છે.

પરિવહન ખાતાના પ્રધાન અનિલ પરબે કહ્યું છે કે જે વાળંદ નિયમોનું ઉલ્લંઘન કરશે એની સામે કડક રીતે કાર્યવાહી કરવામાં આવશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular